સ્માર્ટ ફોનની જેમ હવે, સ્માર્ટ મની
‘એમેઝોન ગો સ્ટોર’ પર વગર કેશ અને કાર્ડે ખરીદી; આપમેળે બીલ જનરેટ થઈ માત્ર ક્ષણભરમાં પેમેન્ટ શકય
સ્ટોર પર જાવ, ખરીદી કરી બહાર નીકળી જાવ; એપ અને સેન્સરનાં જોડાણથી પેમેન્ટ બારોબાર થઈ જશે !!
આજના આધુનિક યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે અવનવી ટેકનોલોજી વિકસતા માનવજીવન સરળ બન્યું છે. શીપીંગ, વીમા અને બેંકીંગ જેવી રોજબરોજની સુવિધાઓ ઘર બેઠા જ મેળવી શકીએ છીએ એમાં પણ સ્માર્ટફોનનાં ઉપયોગથી માત્ર સેંકડોમાં ચીજ વસ્તુઓ ઘર આંગણે પહોચી જાય છે. અધતન ટેકનોલોજીનાં કારણે હવે તો ખરીદી માટે રોકડ રૂપિયા કે ડેબિટ, ક્રેડીટ કાર્ડની પણ જરૂર નથી જી.હા, કેશ અને કાર્ડ વિના પણ ખરીદી શકય બની છે. સ્માર્ટ ફોનની જેમ હવે મની પણ સ્માર્ટ બની છે. આ સ્માર્ટમનીથી સમયનો ચાવ થશે તેમજ ખરીદી પ્રક્રિયાઓ ઝડપી બનતા ચોકસાઈ પણ આવશે. ઘરેથી નીકળતા સમયે પર્સ, પાકીટ કેએટીએમ, ક્રેડીટ કાર્ડ લેતા ભૂલી ગયા હશો, તો પણ ચિંતા કરવાની જરૂર રહેશે નહિ. ગમે તે સમયે વગર કેશ કે કાર્ડ વિના શોપીંગ કરી શકાશે.
જણાવી દઈએ કે, એમેઝોન કંપનીએ ‘એમેઝોન ગો’ નામથી તેના અનોખા સ્ટોર શરૂ કર્યા છે. જોકે, હજુ આ સ્ટોર ભારતમાં શરૂ કરાયા નથી. પ્રાથમિક ધોરણે અમેરિકાના ફ્રેન્કોનિયા વિસ્તારમાં આ સ્ટોર ઉભા કરવામાં આવ્યા છે જે વર્ષ ૨૦૨૧ સુધીમાં શરૂ કરાશે એમેઝોનની જેમ બીનગોબોકસ કંપની દ્વારા આ પ્રકારના સ્ટોર ચીનમાં ઉભા કરવામાં આવશે. કે જયાં કોઈ કાઉન્ટર નહિ હોય, કે કોઈ સિકયુરીટી હેતુથી કોઈ કર્મચારી નહિ હોય. સ્ટોર પર માત્ર ચીજ-વસ્તુઓ અને એન્ટ્રી માટે પાલ્મ એસેસ મશીનો હશે પાલ્મ એસેસ મશીનો એટલે એવા મશીનો કે જેના પર હથેળી બતાવવાથી સ્ટોરમાં એન્ટ્રી કરી શકાશે.
એમેઝોનના અત્યાધુનિક સ્ટોર પરથી ખરીદી કરવા માટે ગ્રાહકોના ફોનમાં એમેઝોન ગો એપ ડાઉનલોડ હોવી જરૂરિયાત છે. જેના થકી એમેઝોન સાથે બેંક એકાઉન્ટ જોડવાનું રહેશે. માત્ર આટલી પ્રક્રિયા બાદ એમેઝોનના આ સ્ટોર પર જઈ કોઈ પણ વસ્તુ ખરીદી શકાશે એ પણ રોકડ રૂપીયા કે ડેબિટ, ક્રેડીટ કાર્ડના ઉપયોગ વગર.
સ્માર્ટ ફોનમાં ડાઉનલોડ કરાયેલી આ એપ સ્ટોર સાથે સંકળાયેલી હશે. આ વર્ચ્યુઅલ પેમેન્ટ પધ્ધતિ માટે સ્ટોર પર ખાસ પ્રકારનાં સેન્સર ગોઠવવામા આવ્યા છે. જે સ્ટોરમાં પ્રવેશતાની સાથે જ એપ સાથે જોડાઈ જશે અને સ્ટોરમાંથી જે જે વસ્તુઓ ખરીદાશે તે તમામ વસ્તુઓનું બીલ આપમેળે માત્ર થોડી ક્ષણોમાં તૈયાર થઈ જશે. અને સીધા જ બેંક ખાતામાંથી પૈસાની ચૂકવણી થઈ જશે. જોકે આ માટેની રિસીપ ગ્રાહકને ફોનમાં મળી જશે.
ઉલ્લેખનીય છે કે, એપલ અને એમેઝોન દ્વારા ડીજીટલ પેમેન્ટ માટે ઘણી એપ્લીકેશન વિકસાવવામાં આવી છે. જે ગ્રાહકના ખાતા સાથે સીધી જ લીંક થઈ જાય છે. તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ ડીજીટલ પેમેન્ટ તરફ એક મહત્વના કરાર ટાઈટન કંપની સાથે કર્યા છે. જેના દ્વારા હવે, સ્માર્ટ ટાઈટન ઘડિયાળ દ્વારા પણ પેમેન્ટ થઈ શકશે.
ડીજીટલ ઈન્ડિયા મીશન અંતર્ગત દેશમાં ઓનલાઈન અને કોન્ટેકટલેસ પ્રક્રિયાઓને વધુ વેગ આપવા રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ પણ આ ક્ષેત્રે નિયંત્રણ, નિયમો ઘટાડયા છે. જેનાથી ડીજીટલ ક્રાંતિ આણવા તરફ કંપનીઓને મોકળો માર્ગ પ્રસ્સત થયો છે