- એક્સ્પોઝર ધરાવતી યુનિવર્સિટીઓને લેવલ 4 સુધી અને ગ્લોબલ એક્સલન્સ- એક્સપ્રોઝર ધરાવતી શૈક્ષણિક સંસ્થાને લેવલ પાંચનો દરજ્જો
- નવી પદ્ધતિ આગામી ડિસેમ્બર 24 સુધીમાં લાગુ કરી દેવામાં આવશે
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા દેશમાં હાયર એજ્યુકેશનમાં જુદી જુદી યુનિવર્સિટીઓ અને કોલેજોને આપવામાં આવતાં ‘નેક’ એક્રેડિટેશનના ફોર્મેટમાં ફેરફાર કરવાની જાહેરાત કરી દીધી છે. આગામી દિવસોમાં હવે ગ્રેડની પદ્ધતિ રદ કરીને તેના સ્થાને લેવલ પદ્ધતિ લાગુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. નેશનલ એક્સલન્સ એટલે કે અક્સ્પોઝર ધરાવતી યુનિવર્સિટીઓને લેવલ 4 સુધી અને ગ્લોબલ એક્સલન્સ- એક્સપ્રોઝર ધરાવતી શૈક્ષણિક સંસ્થાને લેવલ 5 નો દરજ્જો આપવાનું નક્કી કરાયું છે.
નવા ધારાધોરણો લાગુ કરવા માટે ત્રણ માસનો સમય આપવામાં આવ્યો છે. સંપૂર્ણ ફોર્મેટ ડિસેમ્બર સુધીમાં લાગુ કરવામાં આવશે. યુજીસીદ્વારા દરેક શૈક્ષણિક સંસ્થાઓ માટે ‘નેક’નું જોડાણ ફરજિયાત કરવામાં આવ્યું છે. જોકે, યુજીસીની જાહેરાત પછી પણ હાલમાં ગુજરાત યુનિવર્સિટી સહિત અનેક યુનિવર્સિટીઓ અને કોલેજોએ ‘નેક’નું જોડાણ એટલે કે માન્યતા લીધી નથી. આ સ્થિતિ વચ્ચે હવે યુજીસી દ્વારા ‘નેક’ના ફોર્મેટમાં જ ફેરફાર કરવાની જાહેરાત કરી દીધી છે.
અત્યાર સુધી ‘નેક’માં અરજી કર્યા બાદ ઇન્સ્પેક્શન અને ડેટાના આધારે ગ્રેડ અ, અ+, ઇ કે ઈ એવો ગ્રેડ આપવામાં આવતો હતો. આ પદ્ધતિના સ્થાને હવે લેવલ નક્કી કરવામાં આવશે. એટલે કે નેશનલ એક્સ્પોઝર ધરાવતી સંસ્થાઓને લેવલ 4 સુધી અને ઇન્ટરનેશનલ એક્સ્પોઝર હોય તેવી સંસ્થાઓને લેવલ-5ની માન્યતા આપવામાં આવશે. હવે પછી બાયનરી એટલે કે બે પ્રકારની સંસ્થા અસ્તિત્ત્વમાં આવશે. જેમાં એક્રેડિડ અને નોન એક્રેડિડ સંસ્થા એવી રીતે ઓળખવામાં આવશે. સૂત્રો કહે છે કે, અત્યાર સુધી દરેક શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ માટે એક જ ફોર્મેટમાં મૂલ્યાંકન કરવામાં આવે છે.
હવે પછી દરેક ટેકનિકલ, મેડિકલ, હાયર એજ્યુકેશન જેવી અલગ અલગ સંસ્થાઓ માટે તે પ્રકારના ધારાધોરણો અસ્તિત્ત્વમાં લાવવામાં આવશે. લેવલમાં પણ આઉટપુટ, પ્રોસેસ, આઉટ કમ જેવા માપદંડો નક્કી કરવામાં આવશે. ખરેખર સંસ્થાઓ દ્વારા જે ડેટાઓ રજૂ કરવામાં આવે છે તે પૈકી આઉટપુટ કે આઉટકમ શું આવે છે તેનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે. નવી પદ્ધતિ આગામી ડિસેમ્બર 24 સુધીમાં લાગુ કરી દેવામાં આવશે. જોકે, આગામી ચાર માસ સુધી ‘નેક’ના જોડાણ કે ઇન્સ્પેક્શન માટે કોઇ નવી અરજી સ્વીકારવામાં આવશે નહીં. જે સંસ્થાઓએ અરજી કરી છે તેઓ માટે પણ નવી પદ્ધતિમાં જવું છે કે, જૂની પદ્ધતિમાં જવું છે તેનો વિકલ્પ આપવામાં આવશે. આમ, આગામી દિવસોમાં દરેક સંસ્થાઓમાં વન ડેટા પ્લેટફોર્મ પદ્ધતિ લાગુ થાય તે માટે નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.