સંતાનના એક જ ‘વાલી’ તરીકે મળશે વિશેષ લાભ
કર્મચારી મહત્તમ લાભ આપી શકે તે માટે લેવાઇ રહ્યા છે વિવિધ પગલા: જીતેન્દ્રસિંહ
કેન્દ્ર સરકારે સીંગલ પેરેન્ટસ એવા પુરૂષ કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે હવેથી આવા પુરૂષ વાલી પોતાના બાળકની સારસંભાળ, દેખરેખ માટે રજાના હકકદાર બનશે. સરકારના આ નિર્ણયનો લાભ એવા પુરૂષ કર્મચારીને મળશે જે વિધુર હોય કે છુટાછેડા લીધેલ હોય કે અવિવાહિત હોય એટલે સંતાનના માત્ર એક જ વાલી છે તેવા સરકારી કર્મચારીને લાભ મળશે.
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે આવો મહત્વનો સુધારો અગાઉ થયો છે પણ કોઇ કારણોસર તેનો જનતામાં પુરતો પ્રચાર થઇ શકયો ન હતો.
આ કાયદામાં મુકાયેલા થોડી વધુ ઢીલ અને છુટ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે બાળકોની સારસંભાળ માટે રજા ઉપર જનાર કોઇપણ પુરૂષ કર્મચારી હવે સક્ષમ પ્રાધિકારીની પૂર્વ મંજુરી લઇ મુખ્યાલય છોડી શકશે.
તેમણે વધુમાં જણાવાયું કે પહેલા વર્ષે ચાઇલ્ડ કેર લીવનો ૧૦૦ ટકા રજા પગારની જેમ ઉપયોગ કરી શકશે એટલે કે પુરા પગારે રજા મળશે અને બીજા વર્ષે ૮૫ ટકા પગાર સાથે ઉપયોગ કરી શકશે.
તેમણે વધુમાં જણાવાયું છે કે દિવ્યાંગ બાળકોના મામલે ચાઇલ્ડ કેર લીવ બાળકની રર વર્ષની ઉમર સુધીની મર્યાદા હતી તે હટાવી દેવામાં આવી છે હવે રર વર્ષથી વધુ વયના બાળક માટે પણ આ રજાનો ઉપયોગ કરી શકાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યકિતગત હસ્તક્ષેપ તથા શાસન સુધારવા માટે વિશેષ ઘ્યાન આપવાના હેતુથી છેલ્લા છ વર્ષમાં કેટલાય મહત્વપૂર્ણ નિર્ણયો લઇ શકાયા છે.
સરકારી કર્મચારીને પોતાની મહત્તમ ક્ષમતા સાથે ફરજ બજાવી શકે તેવા સક્ષમ બને એ માટે સરકાર આ સુધારા કરી રહી છે.