જીવંત પ્રસારણનો અભિગમ ન્યાયતંત્રનું પારદર્શકતા તરફ મજબૂત પગલું : જસ્ટિસ જે.બી. પારડીવાલા
ગુજરાતની નીચલી અદાલતોમાં કાર્યવાહીને લાઇવ-સ્ટ્રીમ કરવા માટેનો પાયલોટ પ્રોજેક્ટ બુધવારે લોન્ચ કરી દેવામાં આવ્યો છે. ૩૨ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટ અને અમદાવાદની સિટી સિવિલ કોર્ટના પ્રિન્સિપલ જજની કોર્ટમાં ચાલતી કાર્યવાહી હવે યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ કરો દેવામાં આવી છે.
પ્રોજેક્ટનો પ્રારંભ કરતાં ન્યાયિક અધિકારીઓએ ગુજરાતને તેની નીચલી અદાલતોની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરનાર પ્રથમ રાજ્ય બનાવવા માટે ગુજરાત હાઇકોર્ટની પહેલની પ્રશંસા કરી, તેને પારદર્શિતા તરફનું બીજું પગલું ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તમામ હાઇકોર્ટમાં સૌથી પહેલા ગુજરાત હાઇકોર્ટે તેની કાર્યવાહીનું લાઈવ-સ્ટ્રીમિંગ કર્યું હતું અને હવે તમામ બેન્ચ તેમની કાર્યવાહીને લાઈવ-સ્ટ્રીમ કરે છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ આર શાહે કહ્યું, તમામ ન્યાયિક અધિકારીઓએ ધ્યાનમાં રાખવું પડશે કે તેઓ લોકો દ્વારા જોવામાં આવે છે જેમના માટે સિસ્ટમનો હેતુ છે. તમારે તમારું પ્રદર્શન બતાવવું પડશે, જો તમે તે કરશો તો સિસ્ટમ બચી જશે.
અન્ય સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ જે બી પારડીવાલાએ જણાવ્યું હતું કે, આ પહેલ ઉચ્ચ અદાલતના વહીવટ અને ન્યાયિક અધિકારીઓની વપરાશકર્તા-મિત્રતા, ઉદ્દેશ્યતા અને પારદર્શિતા વધારશે.
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં હાઇકોર્ટની ચેનલે ૧.૭૨ કરોડથી વધુ વ્યૂ મેળવ્યા છે અને લાઇવ-સ્ટ્રીમિંગ વ્યાવસાયિક કારણોસર ઘણા લોકો માટે મહત્વપૂર્ણ બની ગયું છે.