સૌરાષ્ટ્રમાં છેલ્લા છ દિવસથી અવિરત વરસાદ: તમામ જળાશયો ઓવરફ્લો, હવે વધુ વરસાદથી પાકને નુકશાનની ભીતી
સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાને બાદ કરતા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સંતોષકારક વરસાદ: હવે જો મેઘો વિરામ લે તો સોળ આનીથી પણ સવાયુ વર્ષ
અબતક, રાજકોટ
સૌરાષ્ટ્રમાં છેલ્લા છ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી જતા મોટાભાગના તમામ જળાશયો ઓવરફ્લો થઇ ગયા છે. ભાદરવામાં અષાઢી માહોલ છવાતાના કારણે પાણી અને પાકનું ચિત્ર સંપૂર્ણ પણે બદલાય ગયુ છે. જગતાત માટે આ વર્ષ સોળ આનીથી પણ સવાયુ સાબિત થાય તેવા ઉજળા સંજોગો છે. હવે સંતોષકારક વરસાદ વરસી ગયો છે. ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી એક જ નાદ ઉઠી રહ્યો છે. લોકો મેઘરાજાને ખમૈયા કરવા વિનવી રહ્યા છે. સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાને બાદ કરતા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સંતોષકારક વરસાદ વરસી ગયો છે. હજી ચાર દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. સવારથી સુરેન્દ્રનગર, જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં મંગળવારે સતત પાંચમાં દિવસે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. આજે છઠ્ઠા દિવસે સવારથી મેઘાના મંડાણ થયા છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં પાંચ ઇંચ, વેરાવળમાં ત્રણ ઇંચ, દ્વારકામાં ત્રણ ઇંચ, ખંભાળિયામાં અઢી ઇંચ, કચ્છના અબડાસામાં અઢી ઇંચ, લાલપુરમાં અઢી ઇંચ, કલ્યાણપુરમાં અઢી ઇંચ, માંગરોળમાં અઢી ઇંચ, માળીયા હાટીનામાં બે ઇંચ, કોડીનારમાં બે ઇંચ, લીંબડીમાં બે ઇંચ, તાલાલામાં બે ઇંચ, ધ્રાંગધ્રામાં બે ઇંચ, જામનગર શહેરમાં પોણા બે ઇંચ, વઢવાણમાં પોણા બે ઇંચ, ભાણવડમાં દોઢ ઇંચ, જામજોધપુરમાં સવા ઇંચ, માળીયા મીયાણામાં સવા ઇંચ, કાગવડ, રાપર, અમરેલી, કેશોદ, મેંદરડા, તળાજા અને વિછીંયામાં એક-એક ઇંચ વરસાદ પડ્યો હતો.
દરમિયાન આજે સવારે બે કલાકમાં ચોટીલામાં એક ઇંચ, જામજોધપુરમાં પોણો ઇંચ, કોડીનાર, લોધિકા, થાનમાં અર્ધા ઇંચ વરસાદ વરસી ગયો હતો. સૌરાષ્ટ્રમાં મૌસમનો 103.31 ટકા વરસાદ વરસી ગયો છે. જળાશયો પણ ઓવરફ્લો થઇ ગયા હોય હવે જગતાત મેઘરાજાને ખમૈયા કરવા રિતસર વિનવી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પોરબંદર જિલ્લામાં 142.85 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં 80.69 ટકા પડ્યો છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં 96.55 ટકા, મોરબી જિલ્લામાં 108.49 ટકા, જામનગર જિલ્લામાં 98.33 ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 126.92 ટકા, જૂનાગઢ જિલ્લામાં 117.88 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 127.07 ટકા, અમરેલી જિલ્લામાં 94.05 ટકા, ભાવનગર જિલ્લામાં 83.40 ટકા અને બોટાદ જિલ્લામાં 103.31 ટકા વરસાદ પડ્યો છે. આજે સવારથી સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ જામ્યો છે. હવે અતિવૃષ્ટિનો દહેશત પણ ઉભી થવા પામી છે.
રાજકોટમાં સવારે એક ઈંચ વરસાદ
દોઢ કલાકમાં એક ઇંચથી વધુ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા: સિઝનનો 43ાા ઇંચ વરસાદ: વાતાવરણ મેઘાવી
અબતક, રાજકોટ
રાજકોટમાં છેલ્લા પાંચ દિવસથી રાત્રિના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આજે મેઘરાજાએ જાણે ટાઇમ ટેબલ બદલ્યું હોય તેમ સવારથી શહેરમાં એકધારો વરસાદે વરસી રહ્યો છે. વાતાવરણ એક રસ બની ગયું છે. શહેરમાં સીઝનનો 43ાા ઇંચ થી પણ વધુ વરસાદ વરસી ગયો છે. સતત છ દિવસથી વરસાદ પડી રહ્યો હોય હવે લોકો મેઘરાજાને ખમૈયા કરવા વિનંવી રહ્યા છે.રાજકોટ ગત શુક્રવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. દિવસ દરમિયાન વરાપ જેવો માહોલ રહે છે. અને સુર્યાસ્ત થતાની સાથે જ વીજળીના ડરામણા કડાકા-ભડાકા સાથે મેઘરાજાનું આગમન થાય છે. ગણતરીની મીનીટોમાં આખા શહેરને ધમરોળી નાંખે છે. અને સર્વત્ર પાણી પાણી કરી દે છે જો કે કાલે દિવસ દરમિયાન માત્ર પોણા થી એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
આજે સવારથી ફરી મેઘાએ રાજકોટમાં મંડાણ કર્યા છે. સવારે શાળા-કોલેજે જવાના સમયે મેઘરાજાનું આગમન થતા રાજકોટવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સવારે દોઢ કલાકમાં શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ર7 મીમી, વેસ્ટ ઝોન વિસ્તારમાં 17 મીમી અને ઇસ્ટ ઝોન વિસ્તારમાં 23 મીમી વરસાદ વરસી ગયો છે. ફાયર બ્રિગેડના રેકોર્ડ પર આજ સુધીમાં શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમા 1034 મીમી, વેસ્ટ ઝોન વિસ્તારમાં 965 મીમી અને ઇસ્ટ ઝોન વિસ્તારમાં 834 મીમી વરસાદ વરસી ગયો છે. હવામાન વિભાગના રેકોર્ડ પર આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજકોટમાં 41.4 મીમી સાથે સીઝનનો 1089 મીમી વરસાદ વરસી ગયો છે.
છેલ્લા છ દિવસથી સતત વરસાદથી હવે એક સામાન્ય ઝાપટામાં પણ રાજમાર્ગો પર પાણી વહેવા લાગે છે આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની ફરીયાદો પણ ઉઠી હતી. વાતાવરણ એક રસ છે. અને હજી ચાર દિવસ વરસાદની આગાહી આપવામાં આવી હોય તંત્ર એલર્ટ થઇ ગયું છે.
ભાદરવે અષાઢી માહોલ 181 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં 111 ટકા વરસાદ: સવારથી રાજ્યભરમાં મેઘાવી માહોલ
ભાદરવા મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. રાજ્યમાં વરસાદની હેલી થવા પામી છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યનાં 32 જિલ્લાના 181 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ સુત્રાપાડા તાલુકામાં પાંચ ઇંચ વરસી ગયો છે. હજી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સવારથી અનેક તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે.
રાજ્યમાં સતત છ દિવસથી સતત વરસાદ પડી રહ્યો હોવાના કારણે સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 181 તાલુકાઓમાં વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં આજ સુધીમાં સિઝનનો કુલ 111 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં સૌથી વધુ 173.27 ટકા, ઉત્તર ગુજરાતમાં 116.68 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 91.04 ટકા, સૌરાષ્ટ્રમાં 103.31 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 117.64 ટકા વરસાદ પડ્યો છે. ભાદરવામાં પડેલા અનરાધાર વરસાદના કારણે રાજ્યમાં પાક અને પાણીનું ચિત્ર બદલાય ગયું છે.