સૌરાષ્ટ્રનો સૌથી મોટો ધારીનો ખોડીયાર ડેમ ઓવરફલો: ૯ દરવાજા ૧ ફૂટ સુધી ખોલાયા: બગસરામાં ૨॥ ઈંચ, નખત્રાણામાં ૨ ઈંચ વરસાદ
ઓકટોબર માસના આરંભ છતાં મેઘરાજા વિરામ લેવાનું નામ લેતા નથી. ગઈકાલે સમી સાંજે અમરેલી ગીર કેચમેટ વિસ્તાર તથા તાલાલા પંથકમાં અનરાધાર ૮ થી ૯ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો ખોડીયાર ડેમ ઓવરફલો થઈ ગયો હતો. ડેમના ૯ દરવાજા ૧ ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી.
આગામી ૧૦મી ઓકટોબરથી ચોમાસુ સત્તાવાર રીતે વિદાય લેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે છતાં મેઘરાજા જાણે પુછડીયો પ્રહાર કરી રહ્યાં હોય તેમ ગઈકાલે બપોરબાદ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડયો હતો. તાલાલા પંથકમાં ૮ થી ૯ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જવા પામી છે. ખેતરોમાં પણ ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતા. ખેડૂતોનો પાક સંપૂર્ણપર્ણે નિષ્ફળ ગયો છે. ધારી નજીક આવેલ ખોડીયાર ડેમ ઓવરફલો થઈ ગયો હતો.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૪ જિલ્લાના ૩૦ તાલુકામાં વરસાદ પડયો છે. અમરેલીના બગસરામાં ૨॥ ઈંચ જેટલો વરસાદ પડયો હતો તો કચ્છના નખત્રાણામાં ૨ ઈંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત બાબરામાં ૧॥ લખપત, જેસર, ધારીમાં ૧ ઈંચ, ગાંધીધામ, જામકંડોરણા, અમરેલી, અંજાર, વિસાવદર, ગઢડા, ઉના અને મહુવામાં ॥ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. હાલ કોઈ સીસ્ટમ સક્રિય નથી પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે બપોરે તડકો પડે છે અને સમી સાંજે લોકલ ફોર્મેશનના કારણે છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તાલાલા ગીર પંથકમાં ગઈકાલે વરસેલો ૮ થી ૯ ઈંચ જેટલો અનરાધાર વરસાદ લોકલ ફોર્મશનના કારણે પડયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. રાજ્યમાં આજ સુધીમાં ૧૪૧.૨૪ ટકા જેટલો વરસાદ પડયો છે.