પાળ ચોકડીથી ગોંડલ હાઈ-વે સુધી રિંગ રોડ-2 ફેઈઝ-2નું રવિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ
વાહન ચાલકોએ હવે કાલાવડ રોડથી ગોંડલ રોડ સુધી જવા માટે 150 ફૂટ રીંગ રોડ કે ગોંડલ ચોકડી સુધી જવાની જરૂરીયાત નહીં. કાલાવડ રોડથી સીધુ જ ગોંડલ રોડ સુધી જઈ શકશે. રૂડા દ્વારા રાજકોટની ફરતે બનાવવામાં આવી રહેલા રીંગરોડ-2 ફેઈઝ-2 પાળ ચોકડીથી ગોંડલ હાઈવે સુધીના રસ્તા અને બ્રિઝના કામનું આગામી રવિવારના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે.
રૂડા દ્વારા રીંગરોડ-2, ફેઝ-2 માં પાળ ચોકડીથી ગોંડલ હાઇવે સુધીનાં 6.2 કિ.મી. રસ્તાની કામગીરી રકમ રૂ. 8.11 કરોડનાં ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે. તેમજ રસ્તાની પથરેખામાં ચે.8275 પર આવેલ બ્રીજની કામગીરી રકમ રૂ. 7.64 કરોડ તથા ચે.100 52 પર આવેલ બ્રીજની કામગીરી રકમ રૂ.1.82 કરોડના ખર્ચે પુર્ણ કરવામાં આવેલ છે. આમ રૂડા રીંગરોડ-2, ફેઝ-2ની 2(બે) બ્રીજ સાથેની કામગીરી કુલ રકમ રૂ.17.57 કરોડનાં ખર્ચે માન.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનાં વરદ્ હસ્તે તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના ગૌરવભર્યા પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે તા.08 ઓગસ્ટ-2021ના રોજ શહેરીજન સુખાકારી દિવસે ઈ-લોકાર્પણ કરવામાં આવનાર છે.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રીંગરોડ-2, ફેઝ-2, કાલાવડ હાઇવેથી ગોંડલ હાઇવે સુધીનાં 3(ત્રણ) મેજર બ્રીજ સાથે 11.20 કિ.મી.નાં 2-માર્ગીય રસ્તાની કામગીરી રકમ રૂ. 25.82 કરોડનાં ખર્ચે પૂર્ણ કરેલ છે.
ઉલ્લેખનીય છે કે ટ્રાફીકની અગ્રીમતાને ધ્યાને લઇ રીંગરોડ-2, ફેઝ-2ની કુલ 11.20 કિ.મી લંબાઇ પૈકી પ્રથમ 5(પાંચ) કિ.મી.નો રસ્તો રકમ રૂ.5.68 કરોડનાં ખર્ચે કામગીરી પૂર્ણ થયેલ હોય તા.17-02-2018નાં રોજ લોકાર્પણ કરી રસ્તો ટ્રાફીક માટે ખુલ્લો મુકવામાં આવેલ હતો. તેમજ લોકાર્પણ થયેલ 5.0 કિ.મી.નાં રસ્તા પૈકી 3.0 કિ.મી.નો રસ્તો રાજકોટ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થતા આ રોડ રાજકોટ મહાનગરપાલિકાને સુપરત કરેલ છે તેમજ રસ્તાની પથરેખામાં ચે. 6200 પર આવેલ બ્રીજનું રકમ રૂ. 2.57 કરોડનાં ખર્ચે પુર્ણ કરી તા.01-01-2021નાં રોજ લોકાર્પણ કરેલ છે.
આ રસ્તાથી ગોંડલ, કાલાવડ, જામનગર તથા મોરબી માટે બાયપાસ રસ્તા તરીકે ઉપયોગી થઇ શકશે તેમજ શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ તથા મેટોડા જી.આઇ.ડી.સી. વિકસીત એરીયાને કનેકટીવીટી મળી રહેશે અને રાજકોટ શહેરમાં વધતા જતા ટ્રાફિક ભારણને મહદ્અંશે ઘટાડી શકાશે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ્યારે ગોંડલ ચોકડી પર બ્રિજનું કામ શરૂ થયેલ છે ત્યારે આ નવો રીંગ રોડ રાજકોટના નાગરીકો માટે આશીર્વાદ સમાન થશે.