ગુજરાત વિધાનસભામાં ટૂંક સમયમાં રજૂ થનારા સુધારા ખરડામાં ઉદ્યોગો માટે ફાળવાયેલી જમીનો પર પ્રોજેકટ વિલંબમાં પડવાથી ભરવી પડતી પ્રિમીયમ રકમમાં રાહત અપાશે, સાથે હેતૂફેર કરવાની છૂટ આપવાની શરતભંગ થઈ શકશે નહી
રૂપાણી સરકારે ઉદ્યોગકારોને પડતી આ કાયદાકીય ગુંચની સમસ્યામાંથી બહાર લાવવા આ ખરડામાં વિવિધ જોગવાઈઓ કરી
રાજયમાં ઝડપભેર ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે ત્યારે ઉદ્યોગકારોને વિવિધ મુદાઓ પર અડચણ રૂપ એવા જમીનના કાયદામાં ફેરફાર કરવા લાંબા સમયની માંગો ઉઠવા પામી છે. જેથી રાજયની રૂપાણી સરકારે ઉદ્યોગકારોની માંગને લઈને જમીનના કાયદામાં વિવિધ ફેરફારો કરતા ખરડોને તૈયાર કર્યો છે. આ ગુજરાત ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડસ લો સુધારા ખરડો ૨૦૧૯ બેંક દિવસમાં વિધાનસભામાં રજૂ થાય તેવી સંભાવના છે. આ ખરડામાં ઔદ્યોગીક હેતુ માટે ફાળવાયેલી જમીન પર ઓછા પ્રિમીયમ, હેતુફેર, શરત ભંગ, વેચાણ વગેરે જેવી વિવિધ છૂટછાટો આપવામાં આવનારી છે.
રાજયની ભાજપ સરકારની ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિના કારણે ગુજરાતમાં અનેક સ્થાનો મોટા મોટા ઔદ્યોગીક પ્રોજેકટો આવ્યા છે. ઉદ્યોગકારોને જમીન ફાળવાયાના ત્રણ વર્ષ બાદ સાત વર્ષ સુધીમાં ૨૫ ટકા થી ૧૦૦ ટકા પ્રિમીયમની રકમ ચૂકવવી પડે છે. પરંતુ કોઈ કારણોસર ઔદ્યોગીક પ્રોજેકટો કાર્યરતન થાય તો પણ ઉદ્યોગકારોને આ પ્રીમીયમની રકમ ચૂકવવી પડે છે. રાજયમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગીક હેતુ માટે ફાળવાયેલી જમીન પ્રોજેકટોમાં વિલંબ થવાના કારણે ઉજજડ પડી છે. અને ઉદ્યોગકારોને તેના પ્રીમીયમ ભરવા પડયા છે. રાજયમાં લાગુ એગ્રીકલ્ચર સીલીંગ એકટના કારણે ખેડુતોની ૫૧ એકરથી વધુ ખેતી જમીન રાખી શકતા નથી પરંતુ ઉદ્યોગકારોને પાંચ લાખ એકર સુધીની જમીન ફાળવવામાં આવે છે.
જેથી રૂપાણી સરકારે ઉદ્યોગકારોને પડતી આ કાયદાકીય ગુંચની સમસ્યામાંથી બહાર લાવવા આ ખરડામાં વિવિધ જોગવાઈઓ કરી છે. જેમાં પ્રોજેકટ વિલંબમાં પડે તો ઉદ્યોગકારોને ત્રણ વર્ષ બાદ ચૂકવવા પડતા પ્રિમીયમમાં રાહત ઉપરાંત, જો ઉદ્યોગકાર પ્રોજેકટ કાર્યરત કરવા ન માંગે તો તે જમીન રહેણાંક સહિતના બીજા હેતુ માટે ફેરવી શકશે ઉપરાંત, ઉદ્યોગકાર ઈચ્છે તો આ જમીન બીજાને વેંચી પણ શકશે. પરંતુ જે માટે તેમને કલેકટરની પરવાનગી લેવી જરૂરી બનશે. આ ખરડામાં ઉદ્યોગકારો તેમની ઉપયોગ વગરનીજમીન બેંકોને વેંચી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે. જેથી બેંક લોન પર લીધેલી જમીનોના હપ્તા ન ભરી શકવાના કારણે ઉદ્યોગકારો પર ઉભા થયેલા બેંકોનાં બોજા દૂર કરી શકશે અને બેંકોને એનપીએની સમસ્યા ઉભી થશે નહી.
આ ખરડાના ઉદ્યોગકારો માટે અનેક ફાયદા છે. અને ભવિષ્યમાં રાજયમાં ઈન્ડસ્ટ્રીયલ કલ્સ્ટર, સેઝ ડેવલપ કરવામા ભારે મદદરૂપ થવાની સંભાવના છે. પરંતુ, તેનાથી નુકશાન થવાની પણ સંભાવના છે. કેટલાક લોકો ઉદ્યોગો સ્થાપવાના નામે જમીનો મેળવ્યા બાદ લાંબા સમય સુધી પડતર રાખ્યા પછી તેને હેતૂફેર કરીને અન્ય વિકાસના નામે ઉંચી બજાર કિંમતે વેંચી મારે તેવી સંભાવનાઓ પણ વ્યકત થઈ રહી છે. વિધાનસભામાં બે‘ક દિવસમા રજૂ થનારા આ સુધારા ખરડાનો વિરોધ પણ કોંગ્રેસ વિરોધ કરે તેવી શકયતાઓ છે. પરંતુ શાસક ભાજપ પાસે વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી હોય આ સુધારા ખરડો ઉગ્ર ચર્ચા બાદ બહુમતીથી પસાર થશે તે નિશ્ર્ચિત છે. જેથી ઉદ્યોગકારો માટે રાજયમાં વધુ એક ઉદ્યોગનો વિકાસ થશય તેવી બાબત સમાન પૂરવાર થશે.