શારદાપીઠના પીઠાધિશ્ર્વર શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજી મહારાજ જામનગરની મુલાકાતે
હિન્દુ ધર્મના ચાર મુખ્ય યાત્રાધામમાં અને સાત પુરીમાં જેનો સમાવેશ થાય છે તે દેવભૂમિ દ્વારકાના જગત મંદિર પાસે આવેલ શારદા પીઠના પીઠાધિશ્વર શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજી મહારાજ જામનગર પહોચ્યા હતાં. તેમણે જામનગર સહિત કેરળમાં ચાલતા લવજેહાદ અને ધર્મ પરિવર્તનમાં થઈ રહેલા કિસ્સા અંગે સરકાર તેમજ સંસ્થાઓને આગળ આવવા અપીલ કરી હતી. દરેડ ખાતે તક્ષશીલા સંકુલ ખાતે શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજની મંગળવારે પધરામણી થઇ હતી. તેમના ગુરૂ દિવંગત શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના આશીર્વાદથી આ સંસ્થાની સ્થાપના થઇ હતી.
અહીં શિવાલયમાં તેમના હસ્તે શિવલીગની પ્રાણ પ્રતિષ્ઠા થઇ હતી. તેમના ઉત્તરાધિકારી તરીકે સદાનંદજી સરસ્વતીજી મહારાજનું સંચાલકો દ્વારા પૂજન કરી સ્વાગત કરાયું હતું. તેઓએ લવ જેહાદ, ધર્મ પરીવર્તન જેવા સાંપ્રત વિષયો અંગે પણ ટૂંકુ વકતવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ સમાજમાં હિન્દુઓનું ધર્માંતર કરવામાં આવે છે. તેમજ હિન્દુ દીકરીને ફસાવીને ધર્માંતર કરવામાં આવે છે જે ખોટું છે.
ધર્માંતર કરાવનાર સેવાના નામે ધર્માંતર કરાવે છે. આ લોકોને પૈસા ક્યાંથી આવે છે તે તપાસનો વિષય છે. ધર્મ પરિવર્તન અને લવજેહાદના મુદ્દે શાસકો ઉપરાંત સામાજિક સંગઠનોએ પણ આગળ આવવું જોઈએ. મુસ્લિમ સમાજના કેટલાક લોકોએ હિન્દુ બનીને વિવાહ કર્યા છે તે જરા પણ યોગ્ય નથી. હવે ધર્મ પરિવર્તન અને લવજેહાદને રોકવાનો સમય આવી ગયો છે.