વિશ્વભરમાં અત્યારે ગ્લોબલવોર્મિંગ અને પર્યાવરણની બદલતી જતી લાક્ષણિકતા એ ભારે ચિંતા જન્માવી છે, વાયુ પ્રદુષણ અને પ્રકૃતિ સાથે કરવામાં આવતી છેડછાડ ની દુરોગામી અસરો થવાની આગાહી સાચી પુરવાર થવા માટે હવે સમયનો ઇન્તજાર કરવાની જરૂર નથી, પ્રકૃતિનું રૌદ્ર રૂપ દેખાવા લાગ્યું છે,
પર્યાવરણ સાથે કરવામાં આવતી છેડખાની ના પરિણામો દેખાવા લાગ્યા છે ,હવે ગ્લોબલ વોર્મિંગની આડઅસર માટે વર્ષોની રાહ જોવાની નથી કે બદલતી જતી પ્રકૃતિક અસરો ની આલ્બેલ સાંભળવા માટે હવે કાન સરવા કરવાની જરૂર નથી, હવે તો આંખો ઉઘાડવાની નોબત આવી ગઈ છે.
ભર ઉનાળે જ્યારે આકરી ગરમી ની જ્યાં અપેક્ષા સેવાતી હોય ત્યાં એકાએક ધૂળની ડમરી અને કડાકા ભડાકા સાથે કરા સાથેનો ધોધમાર વરસાદ વરસી પડે તે અવશ્યપણે અમંગલના એંધાણ સિવાય કશું જ ગણવાનું નથી.
પરિવર્તન સંસારનો નિયમ છે પરંતુ જે રીતે વાતાવરણમાં અણધાર્યા બદલાવ આવવા લાગ્યા છે તે જોતા અવશ્યપણે પ્રકૃતિની સહનશીલતા હવે ખૂટી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પર્યાવરણની આ ફેરબદલી તમામ માટે ચિંતાજનક છે પરંતુ સૌથી વધુ ચિંતા નું કારણ કૃષિ અને કૃષિકારો માટે બન્યું છે ઉનાળામાં વરસાદ ચોમાસામાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અને શિયાળામાં તાપમાનમાં ઉલટફેર ની આ સ્થિતિમાં મૂળભૂત ખેતી પદ્ધતિ અને વરસાદની બદલાયેલી સાયકલના કારણે પરંપરાગત ખેતી અને વાવણી થી લઇ પાક પસંદગી સુધીની તમામ પરંપરાઓ હવે ફેરવ્યા સિવાય છૂટકો નથી.
સમયની સાથે તાલ મિલાવવાની આ દોડમાં ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત સૌર ઊર્જા પવન ઊર્જા જળ ઊર્જા નો ઉપયોગ વધારી કોલસા ડીઝલ પેટ્રોલ નું ઈંધણ નો વપરાશ ઘટાડી ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે દરેક દેશને યોગદાન માટે તૈયાર રહેવાની સાથે સાથે પરિવર્તન માટે સૌથી વધુ ઝડપથી ખેડૂતોને દોડવું પડશે. અષાઢી બીજ થી દેવ દિવાળી સુધીની આપણી કૃષિ પરંપરાગત ઋતુચક્રમાં તિથિ ,દનૈયા મુજબ તાપમાન અને વાતાવરણમાં ભેજ ,વરસાદ ની એક આગવી શૃંખલા મુજબ આપણી ખેતી સંસ્કૃતિ ફાલેલ ફુલેલ હતી,
હવે તાપમાન, ભેજ, ઠંડી અને પવનની ગતિથી લઈ દશા દિશાનો કોઈ મેળ રહ્યો નથી મોસમ ના બદલાયેલા મિજાજ અને માવઠાનો માર સૌથી વધુ ખેડૂતોને લાગી રહ્યું છે ,ત્યારે જગતના તાતે હવે બળદના બદલે ટ્રેકટર અને ડ્રોનથી ખેતી કરવાની ટેકનોલોજી માટે કમર કસી છે ત્યારે પર્યાવરણના બદલાવને સ્વીકારીને કૃષિની પરંપરાગત પદ્ધતિઓને પણ બદલાવવી પડશે જો મોસમના મિજાજ ને પારખવામાં ઢીલથઈ જશે તો મુશ્કેલી વધુ ઘેરી બનશે તે આપણે સૌએ સમજી લેવાનું સમય આવી ગયો છે