સેટઅપમાં વધારો કરાતા 1512 નવી જગ્યા ઉભી કરવી પડશે: અગાઉ એક વર્ગની શાળામાં 1.5 શિક્ષક પ્રમાણે 2-વર્ગની સ્કૂલમાં ત્રણ શિક્ષક મળતાં હતા
રાજ્યની માધ્યમિક શાળાઓમાં શિક્ષકોના શેટઅપમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 1-વર્ગની સ્કૂલમાં 1.5 શિક્ષક પ્રમાણે 2-વર્ગની સ્કૂલમાં ત્રણ શિક્ષકો મળતા હતા. પરંતુ હવેથી 2-વર્ગની સ્કૂલમાં ત્રણ શિક્ષક અને એક આચાર્યનું શેટઅપ નક્કી કરાયું છે. આ શૈક્ષણિક શેટઅપના કારણે 1512 નવી જગ્યા ઉભી કરવી પડશે. ગ્રામ્ય વિસ્તારમાં 2-વર્ગની સ્કૂલમાં 50 વિદ્યાર્થી અને શહેરી વિસ્તારમાં 75 વિદ્યાર્થી સંખ્યા હોય ત્યાં ત્રણ શિક્ષક અને એક આચાર્ય આપવાનો નિર્ણય કરાયો છે.
રાજ્યના શિક્ષણ વિભાગમાં 1977ના ઠરાવથી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં વર્ગદીઠ શિક્ષકોનું પ્રમાણ નિયત કરવામાં આવ્યું છે. આ ઠરાવની જોગવાઇ અનુસાર 1-વર્ગ ધરાવતી શાળાને વર્ગદીઠ 1.5 શિક્ષક તથા 2-વર્ગ ધરાવતી શાળાને ત્રણ શિક્ષક મળવાપાત્ર થાય છે.
આ દરમિયાન સરકાર દ્વારા વિચારણાના અંતે રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ધોરણ-9 અને 10નો 1-1 વર્ગ ધરાવતી શાળાઓ પૈકી બંને વર્ગોમાં ગ્રામ્ય વિસ્તારમાં 50 વિદ્યાર્થી અને શહેરી વિસ્તારમાં 75 વિદ્યાર્થી સંખ્યા ધરાવતી હોય તેવી શાળાઓ માટે કુલ ત્રણ શિક્ષક અને એક આચાર્ય મુજબના શૈક્ષણિક શેટઅપને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. આ શૈક્ષણિક શેટઅપના કારણે નવી ઉભી થનારી 1512 શિક્ષકોની જગ્યા ઉભી કરવા માટે આગામી નાણાકીય વર્ષ-2022-23ના અંદાજપત્રમાં નવી બાબતે સ્વરૂપે દરખાસ્ત રજૂ કરી જરૂરી ખર્ચની જોગવાઇ કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ કરાવી લેવાની રહેશે તેમ શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવમાં જણાવાયું છે.
જોગવાઇ અનુસાર 2-વર્ગની સ્કૂલ હોય તો ત્યાં ત્રણ શિક્ષક મળવાપાત્ર હતા. જો ત્યાં પહેલેથી જ આચાર્ય હોય તો બે શિક્ષકો મળતા હતા. જેથી ગ્રામ્ય વિસ્તારમાં બે શિક્ષકો અને એક આચાર્ય હોય તો વિદ્યાર્થીઓને ભાષાના શિક્ષકો મળતા ન હોવાથી તેમના શિક્ષણ પર અસર થતી હતી. જો કે હવે આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થશે. હવે સ્કૂલમાં આચાર્યનો જે વિષય હશે તેને બાદ કરતા અન્ય વિષયોના ત્રણ શિક્ષકો મળી રહેશે જેથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ મુશ્કેલી પડશે નહિં.