ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી રેશનકાર્ડમાં સુધારા માટે અરજી કરી શકાશે
રેશનકાર્ડમાં કોઈ પણ સુધારા કરવા કે વિગતો મેળવવા લોકોને કચેરી ખાતે ફરજિયાત રૂબરૂ જવું પડતું. તો પોતાને અનાજ મળે કે નહીં? મળે તો કેટલો જથ્થો મળે તેવા અનેક પ્રશ્નો માટે લોકોને ઓફિસ વગેરે જગ્યા પર રજા રાખી રૂબરૂ મુલાકાત કરવી પડતી જેના કારણે લોકોનો સમય અને પૈસા બંનેનો બગાડ થતો.
પરંતુ હવેથી નવું રેશનકાર્ડ મેળવવા, રેશનકાર્ડમાં નામ કમી કરવા, નામ ઉમેરવા, સરનામામાં સુધારો કરવા, કુટુંબના સભ્યોની વિગતમાં સુધારો કરવા, રેશનકાર્ડ વિભાજન કરાવવા, ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા જેવી વિવિધ સેવાઓ માટે ઘરે બેઠા ઓનલાઈન ” digitalgujarat.gov.in “પોર્ટલ પર અરજી કરી શકાશે સાથે જ “My Ration” મોબાઇલ એપ્લિકેશનથી કોઈ પણ લાભાર્થી પોતાને મળવા પાત્ર જથ્થાની વિગતો, વિતરણ ભાવ, મેળવેલ જથ્થો, ઓનલાઇન રીસીપ્ટની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકશે.
તો કોઈ પણ લાભાર્થી પોતાને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો ” www.ipds. gujarat.gov.in ” પોર્ટલ પરથી ’તમને મળવાપાત્ર જથ્થા’ પર ક્લિક કરીને રેશનકાર્ડ નંબર દાખલ કરીને જાણી શકે છે. “My Ration” એપ્લિકેશન અને હેલ્પલાઇન નં.1800-233-5500,14445 પરથી કોઈ પણ લાભાર્થી પોતાની ફરિયાદ પણ નોંધાવી શકશે. આમ હવેથી રેશનકાર્ડ સંબંધિત સેવાઓ લોકોને આંગળીના ટેરવે મળતી થશે.