રૂપિયાએ બુલેટ ગતિ પકડી
ફ્રાન્સ, યુએઇ બાદ હવે ઇન્ડોનેશિયાને પણ રૂપિયા સાથે પ્રેમ થયો : ડોલર ઉપરની નિર્ભરતા ઘટશે
યુએઇ બાદ ભારત આગામી દિવસોમાં સ્થાનિક ચલણમાં વેપાર કરવા માટે ઈન્ડોનેશિયા સાથે પણ કરાર કરવાનું છે. રૂપિયો બુલેટ ગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે ઇન્ડોનેશિયા ભારતીય ચલણમાં વ્યવહાર કરવા અને યુપીઆઈથી વ્યવહાર કરવા માટે તત્પર બન્યું છે. આ માટે રવિવારે બંને દેશોના નાણા મંત્રીઓએ આર્થિક અને નાણાકીય સંવાદની શરૂઆતની જાહેરાત કરી હતી.
આ વાટાઘાટો દરમિયાન સ્થાનિક ચલણમાં વેપાર કરવાની શક્યતાઓ તપાસવામાં આવી હતી. ગાંધીનગરમાં જી-20 નાણા પ્રધાનો અને સેન્ટ્રલ બેંક ગવર્નર્સ કોન્ફરન્સ પહેલાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને ઇન્ડોનેશિયાના નાણા પ્રધાન સિરી મુલ્યાની ઇન્દ્રાવતી દ્વારા ઇએફડીના લોન્ચની જાહેરાત કરવામાં આવી હતી.
સીતારમણે કહ્યું ઈન્ડોનેશિયા આસિયાનમાં ભારતનું સૌથી મોટું આર્થિક ભાગીદાર છેસીતારમણે એમ પણ કહ્યું કે વૈશ્વિક નાણાકીય સ્થિરતામાં ભારતની સાથે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ઇએફડી, જી 20, ડબ્લ્યુટીઓ, એશિયાન જેવા સંગઠનોમાં આ બે પક્ષો વચ્ચે નીતિગત સંકલનમાં વધુ મદદ કરશે. બંને દેશો વચ્ચે રોકાણ વધારવાના મુદ્દે પણ વાતચીત થશે અને એકબીજા પાસેથી શીખવાના પ્રયાસો કરવામાં આવશે.
તેમણે ફિનટેક (નાણાકીય ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ) અને સામાન્ય જનતાને નાણાકીય માળખા સાથે જોડવાની જોગવાઈને બે ક્ષેત્રો તરીકે ટાંક્યા જ્યાં બંને દેશો એકબીજા પાસેથી ઘણું શીખી શકે. ઈન્ડોનેશિયા આસિયાન ક્ષેત્રમાં ભારતનું સૌથી મોટું આર્થિક ભાગીદાર છે.
આ પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતની યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમને લઈને ફ્રાન્સ સાથે સમજૂતી થઈ છે. જેની શરૂઆત એફિલ ટાવરથી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસને લઈને બંને દેશો વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે, યુપીઆઈ સેવાઓ પૂરી પાડતી સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ફ્રાન્સની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ ‘લાયરા’ સાથે કરાર કર્યો હતો.
ભારતના ડિજિટલાઇઝેશનનો વિશ્વભરમાં વાગ્યો ડંકો
ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેની આ વાતચીતથી ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉકેલાશે. તે જ સમયે, તે ઇન્ડોનેશિયાને આવા કામોમાં મદદ કરશે જેના માટે ભારત સાથે વધુ સારા ઉકેલો ઉપલબ્ધ છે. કારણ કે ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારતની પોતાની વિશેષતા છે.નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતે 1991માં ‘લૂક ઈસ્ટ પોલિસી’ શરૂ કરી હતી, જે બાદમાં ‘એક્ટ ઈસ્ટ પોલિસી’માં પરિવર્તિત થઈ હતી. આની અસર એ થઈ કે ઈન્ડોનેશિયા સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધો મજબૂત થયા. એટલું જ નહીં, ઈન્ડોનેશિયા આસિયાન જૂથના દેશોમાં ભારતના સૌથી મોટા વેપાર ભાગીદાર તરીકે પણ ઉભરી આવ્યું છે. ગયા વર્ષે બંને દેશો વચ્ચે 39 બિલિયન ડોલરનો વેપાર થયો હતો.