મૂકત વ્યાપાર કરાર માટે બંને દેશો વચ્ચે વાટાઘાટો શરૂ
ભારત હવે વિસ્કીની ચૂસ્કી યુરોપવાળાને ચખાડશે..!! જી હા, ભારત અને યુરોપ વચ્ચે મુક્ત વ્યાપારને લઈ તાજેતરમાં મહત્વના કરાર કરવા પર ચર્ચા શરૂ થઈ છે. જે મુજબ હવે વ્હિસ્કી, કાર, રસી, બાસમતી ચોખા, ઊન અને ચા પ્રી-મિક્સ જેવી 240 ચીજ-વસ્તુઓ કે જેને મુક્ત વેપાર કરાર (એફટીએ) હેઠળ આવરી લેવામાં આવી છે. એટલે કે યુકે સાથેના 240 ચીજવસ્તુઓનો વેપાર પર હવે આયાતડયૂટી લાગશે નહીં..!! યુનાઇટેડ કિંગડમમાં આયાત ડ્યુટી ઘટતા ભારતની આ પ્રોડક્ટસને નવી ઊંચાઈ મળશે. નિકાસને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત યુકેમાં ભારત વધુ બજારમાં પગ પેસારો કરશે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના ડાયરેકટર જનરલ અજય સહાયે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે યુનાઈટેડ કિંગડમ- યુકે સાથે ભારતનો આ મુક્ત વ્યાપાર કરાર વિયેતનામની સરખામણીમાં કેટલીક હાનીઓને દૂર કરશે અને યુકેની આયાતમાં ભારતનો હિસ્સો વધારશે. ફેડરેશને ઊન અને યાર્ન પરની 4% આયાત ડ્યુટીને દૂર કરવાની હાકલ કરી છે કારણ કે અન્ય યુરોપિયન અને ટર્કિશ સપ્લાયરો દ્વારા યુકેમાં આવી કોઈ ડ્યુટી ચૂકવવામાં આવતી નથી.
ડયુટી ફ્રી ઈમ્પોર્ટ થતા સ્થાનિકોને મોટો લાભ થશે
આ ઉપરાંત ઇન્સ્ટન્ટ કોફી પર 3.1% ડ્યુટી હટાવવામાં આવી શકે છે. યુકે સાથેનો એફટીએ ભારતીય નિકાસકારો માટે મહત્વનો છે. યુકેની સામાન્યીકૃત સ્કીમ ઓફ પ્રેફરન્સ હેઠળ ડ્યુટી ફ્રી લાભો અત્યાર સુધી બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાનને મળતા જ હતા કે જે વૈશ્વિક બજારમાં હરીફ છે. હવે ભારતને પણ આ લાભ મળતા મોટો સ્થાનિક આયાતકારોને ફાયદો થશે.
સરકારે તાજેતરમાં કહ્યું હતું કે, બંને દેશો નવેમ્બરમાં વાટાઘાટો શરૂ કરવા સંદર્ભની શરતોને આખરી ઓપ આપવા માટે 1 ઓક્ટોબરથી સંયુક્ત સ્કોપિંગ ચર્ચા શરૂ કરશે.તેઓ માર્ચ 2022 સુધીમાં વચગાળાનો કરાર કરવાની યોજના ધરાવે છે ત્યારબાદ વ્યાપક કરાર પર વિચાર વિમર્શ થશે. નોંધનીય છે કે ભારતીય ઉદ્યોગ પણ યુકેમાં તેની વ્હિસ્કી માટે બજારમાં પ્રવેશ મેળવવા આતુર છે. વર્ષ 2019-20માં ભારતે નિકાસ કરેલા આલ્કોહોલિક પીણાંના લગભગ 73 મિલિયનમાંથી માત્ર 30,000 યુકે અને ઇયુ સંયુક્ત રીતે ગયા હતા.