ભાજપના હિન્દુ મતદારોના ગઢમાં ગાબડુ પાડવા પ્રયાસ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની સંસ્થા પરિવર્તન મંદિરોમાં શંખ, નગારા અને ઘંટડીઓ મુકાવશે
ભાજપના હિન્દુ મતોના ગઢમાં ગાબડુ પાડવા માટે કોંગ્રેસે તખ્તો તૈયાર કરી દીધો છે. કોંગ્રેસ હિન્દુ મતોને અંકે કરવા રામ મંદિર સહિતના મુદ્દે ભાજપ જેવું વલણ અપનાવશે તે વાતને ટેકો મળી રહ્યો છે. ગુજરાતમાં તો વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હિન્દુ રાજકારણ શરૂ કરી દીધું છે. અમરેલીના તમામ ગામડાઓમાં આવેલા રામ મંદિરોને રીનોવેટ કરવાની યોજના પરેશ ધાનાણીએ શરૂ કરી છે.
આ મામલે ધાનાણીએ જણાવ્યું હતું કે, ગામના ચોરે આવેલા મંદિરોમાં નગારા, શંખ અને ઘંટડી સહિતનું આપવામાં આવશે. ગામનો ચોરો સામાજીક આદાન-પ્રદાનનું સ્થળ હોય છે. ત્યારે ધાનાણીની સ્વૈચ્છીક સંસ્થા પરિવર્તન દ્વારા ચોરે આવેલા મંદિરોને રીનોવેટ કરી ઝાલરો મુકાશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ૧૯૮૦ બાદ દરેક ચૂંટણીઓમાં ભાજપ રામ મંદિરનો મુદ્દો ચગાવે છે. પરંતુ ચૂંટણી પત્યા બાદ તુરંત તે ભુલી જાય છે. તાજેતરના ચૂંટણી પ્રચાર દરમિયાન મેં નોંધ્યું છે કે, ૧૧૪ ગામડાઓમાંથી માત્ર ૨ થી ૩ ગામમાં જ રામજી મંદિર છે. આ સ્થળ સોશ્યલ બોન્ડીંગ માટે મહત્વના હતા. પરંતુ ભાજપે આવી વસ્તુઓને નજર અંદાજ કરી છે. ભાજપની જેમ અમે ભગવાન રામનો વોટ માટે ઉપયોગ કર્યો નથી. રામજી મંદિરો ગામડાઓમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસનો ભાગ ભજવે છે.હિન્દુત્વના મુદ્દે ભાજપે ઘટી ચૂંટણીઓ જીતી છે. તેના પરથી દાખલો લઈ હવે કોંગ્રેસ પણ સોફટ હિન્દુત્વ તરફ વળી છે. હવે ગામે ગામે રામ મંદિર બનાવવાનો મુદ્દો આગળ ધરી કોંગ્રેસ હિન્દુ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. રાહુલ ગાંધીની દ્વારકાની મુલાકાતથી કોંગ્રેસનો હિન્દુત્વનો રાગ આલાપવાનું શરૂ થયું છે. રાહુલ ગાંધીએ સૌપ્રથમ દ્વારકા મંદિરે શિશ નમાવી ચૂંટણી પ્રચાર શ‚ કર્યો હતો. તેઓ અનેક મંદિરમાં ફર્યા હતા. તે સમયે જ જણાય આવતું હતું કે, કોંગ્રેસનો આગામી મુદ્દો સોફટ હિન્દુત્વનો રહેશે.