- બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત 28 સિસ્મોમીટર સ્થાપિત કરાશે
ભૂકંપ દરમિયાન મુસાફરોની સલામતી અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર) માટે 28 સિસ્મોમીટર સ્થાપિત કરવામાં આવશે. અરલી અર્થક્વેક ડિટેક્શન સિસ્ટમ એ જાપાનીઝ શિંકાન્સેન ટેકનોલોજી પર આધારિત છે. જે પ્રાયમરી વેવ્સ થકી ભૂકંપના આંચકાઓને જાણી લેશે અને ઓટોમેટિક પાવર શટડાઉન કરી નાંખશે. પાવર શટડાઉન થતાની સાથેજ ઇમરજન્સી બ્રેક્સ એક્ટિવેટ જઇ જશે. અસરગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થતી ટ્રેન ઉભી રહી જશે.
જે 28 સિસ્મોમીટર લગાવવામાં આવનારા છે. તેમાંથી 22ને એલાઇન્ટમેન્ટ સાથે ઇન્સ્ટોલ કરવામાં આવશે. જેમાંથી મહારાષ્ટ્રમાં 8 અને ગુજરાતમાં 14 સિસ્મોમીટર લગાવાશે. મહારાષ્ટ્રમાં મુંબઇ, થાણે અને વિરારમાં જ્યારે ગુજરાતમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મહેમદાવાદ અને અમદાવાદમાં લગાવવામાં આવશે. ટ્રેક્શન સબ-સ્ટેશનો અને સ્વિચિંગ પોસ્ટ્સમાં એલાઇન્મેન્ટ સાથે સિસ્મોમીટર સ્થાપિત કરવામાં આવશે.
જ્યારે બાકી રહેલા 6 સિસ્મોમીટર ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવવામાં આવશે. જેમાં મહારાષ્ટ્રમાં ખેડ, રત્નાગીરી, લાતુર અને પાંગરીમાં જ્યારે ગુજરાતમાં જૂના ભુજ અને આડેસરમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે. જ્યાં છેલ્લા 100 વર્ષોમાં 5.5 થી વધુ તીવ્રતાના ભૂકંપ આવ્યા છે ત્યાં જાપાની નિષ્ણાતો દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. માઇક્રો ટ્રેમર ટેસ્ટ દ્વારા વિગતવાર સર્વેક્ષણ અને માટીની યોગ્યતાનો અભ્યાસ કરવામાં આવ્યા બાદ ઉપરોક્ત સ્થળોની પસંદગી કરવામાં આવી હતી.