લોકપ્રિયતા અને માંગના કારણે રત્નાગીરી આલ્ફાન્સોનું સ્થાન ધીમે-ધીમે કેસર કેરી લઈ રહી છે !!
આ ઉનાળામાં તમે જે મીઠી કેસર કેરીનો સ્વાદ માણશો તે જૂનાગઢના બગીચાની નહીં પરંતુ, આલ્ફાન્સોના હબ ગણાતા રત્નાગીરી અથવા તેલંગાણાની હોઈ શકે છે. ગયા વર્ષે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા વાવાઝોડા તાઉતેએ જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલીમાં રહેલા કેરીના અનેક બગીચાઓને નુકસાન પહોંચાડ્યું હતું, આ ત્રણ એવા જિલ્લાઓ છે જ્યાં સૌથી વધારે કેસર કેરીનું ઉત્પાદન થાય છે અને આ વર્ષે તેના ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો છે. અવારનવાર કમોસમી વરસાદ અને ત્યારબાદની કાળઝાળ ગરમીએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પરંતુ, છેલ્લા સાત વર્ષમાં આ જિલ્લાના કેરીના ખેડૂતોએ કેસર કેરીના લાખો છોડ મોકલ્યા હતા, જે મહારાષ્ટ્ર, હૈદરાબાદ અને ચેન્નઈના ખેડૂતો દ્વારા સફળતાપૂર્વક ઉગાડવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના અંતરાલ ગામના કાકાસાહેબ સાવંત નામના ખેડૂતે, છેલ્લા સાત વર્ષથી 10 એકર જમીનમાં કેસર કેરીની ખેતી કરે છે. તેમના ખેતરમાં દર વર્ષે 15 ટન ફળનું ઉત્પાદન થાય છે. તેઓ મુંબઈના માર્કેટમાં તેનું વેચાણ કરે છે તેમજ એક્સપોર્ટ પણ કરે છે. જો કે, ભારે માગના પગલે તેઓ ગુજરાતના વેપારીઓને મોટા પ્રમાણમાં જથ્થો મોકલી રહ્યા છે.
આ વર્ષે, ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં કેસર કેરીનું ઉત્પાદન વાર્ષિક સરરેશાના માત્ર 30 થી 40 ટકા થવાનો અંદાજ છે. કારણ કે, હવામાનની પરિસ્થિતિના કારણે ગયા વર્ષના નવેમ્બર સુધીમાં આંબા પર મોર (ફૂલ) આવી ગયો હતો.
સાવંતે જણાવ્યું હતું કે, ’અમારા ત્યાં થતી અને જૂનાગઢમાં થતી કેસરના સ્વાદમાં કોઈ તફાવત નથી. જો કે, અમારા લોકલ ક્લાઈમેટના કારણે ગુજરાત કરતાં અમારે ત્યાં ફળ વહેલા આવે છે. આ વર્ષે, અછતના કારણે ગુજરાતના વેપારીઓ અમારો સંપર્ક કરી રહ્યા છે. વર્તમાનમાં, અમે 10 કિલો કેરીનું 1600 રૂપિયાના ભાવે વેચાણ કરી રહ્યા છે’.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કેસરનું ઉત્પાદન હવે કોલ્હાપુર, લાતુર, ઉસ્માનાબાદ, નાંદેદ, ઔરાંગબાદા, સોલાપુર, યવતમાલ, નાસિક અને રત્નાગીરીમાં થઈ રહ્યું છે.
જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફ્રૂટ સાયન્સના હેડ ડી.કે. વારુએ જણાવ્યું હતું કે, ’રત્નાગીરી આલ્ફાન્સોનું સ્થાન ધીમે-ધીમે કેસર કેરી લઈ રહ્યું છે, કારણ કે તેની લોકપ્રિયતા વધારે છે. આલ્ફાન્સો કેરીએ છેલ્લા કેટલાક વર્ષોમાં સ્પોન્જી ટીશ્યૂ વિકસિત કર્યા છે, જેના પરિણામે છેલ્લા કેટલાક વર્ષમાં પાક નિષ્ફળ ગયો છે. ત્યાંના ખેડૂતો માર્ગદર્શન તેમજ વાવેતરની સામગ્રી માટે અમારો સંપર્ક કરી રહ્યા છે’.
તાલાલાના ખેડૂત ગફુર કુરેશી, જેઓ કેરીની 200 પ્રજાતિની ખેતી કરે છે અને દેશના વિવિધ ભાગોમાં કલમો સપ્લાય કરે છે, તેમણે જણાવ્યું હતું કે, ’આલ્ફાન્સો કેરીએ કપાસીના રોગથી પીડિત છે, જેના કારણે ખેડૂતો કેસર કેરી તરફ વળ્યા છે. આ વર્ષે મેં 2 લાખ કલમ મહારાષ્ટ્ર અને 3 હજાર ચેન્નઈ મોકલી છે’.
અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટના કેરીના હોલસેલ વેપારી આસિફ મેનને ઉમેર્યું હતું કે, ’દર વર્ષે આ સમયગાળા દરમિયાન, અમને જૂનાગઢથી કેસર કેરીના 2 હજાર બોક્સ (દરેકમાં 20 કિલો) મળતા હતા. પરંતુ આ વખતે અમને 500 બોક્સ જ મળી રહ્યા છે. તેથી, મહારાષ્ટ્રની કેરીઓ બજારમાં જોવા મળી રહી છે’.
મહારાષ્ટ્રમાંથી નિયમિત સરેરાશ 100 કેરીના બોક્સ આવી રહ્યા છે. પહેલીવાર, હૈદરાબાદમાં ઉગતી કેસર કેરીની પણ માગ છે અને તે ગુજરાતમાં પણ આવવા લાગી છે. હૈદરાબાદની કેસર કેરી પણ બજારમાં આવી રહી છે.
ચાલુ વર્ષે કેસર કેરીનો ભાવમાં ચાર ગણો ઉછાળો નોંધાય તો નવાઈ નહીં !!
કેસર કેરીના ભાવ જે સામાન્ય રીતે એક-બે મહિનામાં ઘટી જાય છે, તે સમગ્ર સીઝન દરમિયાન ઊંચા રહેવાની શક્યતા છે, તેવો દાવો ફળના વેપારીઓએ કર્યો હતો. ગયા વર્ષે પીક સીઝનમાં 10 કિલોના બોક્સની કિંમત લગભગ 500 રૂપિયા હતી, જ્યારે આ વર્ષે ભાવ આશરે 1800 થી 2 હજારની આસપાસ છે અને અછતના કારણે 1 હજારથી 1200 ની આસપાસ રહેવાની શક્યતા છે
તાલાલાના ફક્ત એક જ ખેડૂતે કેસર કેરીની 2 લાખ કલમ મહારાષ્ટ્ર મોકલી !!
તાલાલાના ખેડૂત ગફુર કુરેશી, જેઓ કેરીની 200 પ્રજાતિની ખેતી કરે છે અને દેશના વિવિધ ભાગોમાં કલમો સપ્લાય કરે છે, તેમણે જણાવ્યું હતું કે, ’આલ્ફાન્સો કેરીએ કપાસીના રોગથી પીડિત છે, જેના કારણે ખેડૂતો કેસર કેરી તરફ વળ્યા છે. આ વર્ષે મેં 2 લાખ કલમ મહારાષ્ટ્ર અને 3 હજાર ચેન્નઈ મોકલી છે’. તેવું ગફુરભાઈ કુરેશીએ જણાવ્યું હતું. ગફુરભાઈ તાલાલા પંથકમાં કેસર કેરીનું ઉત્પાદન કરતા મોટા ખેડૂતો પૈકી એક છે.