ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બેંકના જનરલ મેનેજર, વકીલો સહિતના છ લોકોને કોર્ટ દ્વારા દંડ સાથે ફટકારાઇ સજા
વાત કરવામાં આવે તો દેશમાં આર્થિક સ્થિતિને જોયા વગર અનેક વખત એવા કાર્યો કરવામાં આવતા હોય છે. જેમાં બેંકોને ચુનો ચોપડી અનેક ગેર કૃત્યો હાથ ધરાતા હોય છે. ભારત દેશની બેંકોને ચુનો ચોપડયા બાદ આલ્યા, માલ્યા, જમાલ્યા દેશ છોડીને પણ ચાલ્યા ગયા છે. રાજકારણીઓ આ અંગેની વાતો તો કરતા નજરે પડે છે પરંતુ કોઈ નકકર પરિણામ તે અંગે આવતું નથી.
પરંતુ હવે જો વાત કરવામાં આવે તો માત્ર રાજકારણીઓ નહીં પરંતુ કોર્ટ પણ આ અંગે ચિંતીત થઈ ગઈ છે. રાજકીય પક્ષો ચૂંટણીમાં લોકોને અનેકવિધ ભ્રામક વચનો આપતા હોય છે પરંતુ તેઓને દેશની આર્થિક સ્થિતિ ધ્યાને આવતી નથી. દેશમાં અનેકવિધ એવી મોટી મગરો રહેલી છે કે જે દેશને આર્થિક રીતે ખૂબજ નુકશાન પહોંચાડી રહી છે ત્યારે કોર્ટ પણ આ અંગે ચિંતાતુર જોવા મળી છે.
સરકાર દ્વારા ખેડૂતોને લાભો આપવાની એક તરફ વાત કરવામાં આવે છે તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ૫ કરોડ ભારતીયોના ખાતામાં ૭૨૦૦૦ રૂપિયા દેવાની વાત કરે છે. રાજકારણીઓ ભારત દેશની આર્થિક વ્યવસ્થાને ધ્યાને લે કે ન લે પરંતુ કોર્ટ બખુબી રીતે આર્થિક વ્યવસ્થાને ધ્યાને લઈ રહ્યું છે તે વાત પણ સામે આવી રહી છે ત્યારે હવે બોગસ દસ્તાવેજોના આધારે જો બેંકો સાથે છેતરપિંડી કરવામાં આવશે તો આજીવન કારાવાસની સજા ભોગવવી પડશે.
દેશના અર્થતંત્ર અને ખાસ કરીને બેંક સાથે છેતરપિંડી કરનાર વ્હાઈટ કોલર ક્રિમીનલની હવે ખેર નથી. ૧૯ વર્ષ પહેલા અંધેરીના એક વેપારીએ તેના પુત્રને સાથે રાખી બેંક ઓફ ઈન્ડિયા પાસેથી દોઢ કરોડની લોન લીધી હતી જેમાં ખોટા દસ્તાવેજો અને પુરાવાના આધારે કરોડોનું ધિરાણ પરત કરવામાં આવ્યું ન હતું જે અંગેની છેતરપિંડીના ગુના હેઠળ ગુનો નોંધી સીબીઆઈ કોર્ટ દ્વારા બાપ, દિકરાને આજીવન કેદની સજા ફટકારતા દેશના બેંક સાથે છેતરપિંડી કરનાર તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
અંધેરીના વેપારી મનોહરલાલ આહુજા અને તેમના પુત્ર અમીતે બેંક ઓફ ઈન્ડિયા સાથે દોઢ કરોડની લોન વરસોવામાં આવેલ પ્લોટના બનાવટી દસ્તાવેજોના આધારે લઈ તે અંગેની છેતરપિંડી કરી હતી. જેમાં કોર્ટ દ્વારા બન્નેને આજીવન કેદ અને વકીલ યુનુસ મેમણને પણ ગુનાહિત પ્રવૃતિ અને છેતરપિંડી માટે ૩ વર્ષની સજા ફટકારી છે. કોર્ટ દ્વારા આહુજા પિતા-પુત્રને ૩ કરોડનો દંડ અને બેંકના પૂર્વ કર્મચારીને કોઈપણ પ્રકારની તપાસ વગર લોન આપવા બદલ ૪૩ લાખનો દંડ અને યુનુસ મેમણને ૨.૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
કેસના સરકારી વકીલ જીતેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, વરસોવામાં આવેલા પ્લોટ ખરેખર સાર્વજનીક ખુલ્લો પ્લોટ હતો જેને ૩ કરોડની કિંમતનો ખાનગી ગણાવી બેંક પાસે જામીનગીરી લોન લેવા માટે પ્લોટને ગીરવે મુકયો હતો. સાથો સાત સીએ મહેશ વ્હોરાને પણ ૯૪ લાખનો દંડ ફટકારાયો હતો. ત્યારે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, જે કોઈ બોગસ દસ્તાવેજો સાથે બેંકો સાથે છેતરપિંડી કરશે તો સરકાર તો તેને ધ્યાને લેતા લેશે પણ કોર્ટ આ અંગેનો નિર્ણય લઈ સજા ફટકારશે.
બેંકના ડિફોલ્ટરોના નામ જાહેર કરવા સુપ્રીમનો આદેશ
ભારતના બેન્કિંગ ક્ષેત્ર પર ભાર બનેલા ડિફોલ્ટરો પાસે મજબૂત આર્થિક પ્રગતિ અને આર્થિક સુધારાઓના લાખ પ્રયત્નો છતાં દેશના અર્થતંત્રમાં બરકત દેખાતી નથી. લોન લઈને નાદાર બની ગયેલા ડિફોલ્ટરો અને બેંકની એનપીએ શુન્યવત કરાવવાની જરૂરીયાત પર મુકીને ડિફોલ્ટરો સામે આકરા પગલામાં ઉણી ઉતરતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ઝાટકી કાઢવામાં આવી છે અને નાદારોના નામ જાહેર કરવાની પણ સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ મળ્યો છે. સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને કડક ભાષામાં આદેશાત્મક નિર્દેશ આપ્યો હતો કે, માહિતી અધિકાર કાયદામાંથી બેંકોને મુક્તિ આપવામાં આવી નથી તો આ કાયદા હેઠળ તેમના વાર્ષિક સમીક્ષાનો અહેવાલ અને સાથે સંકળાયેલ માહિતી જાહેર કરવી જોઈએ.
સુપ્રીમ કોર્ટના ન્યાયમુર્તિ એલ.નાગેશ્વર રાવની અધ્યક્ષતા હેઠળ ખંડપીઠે રિઝર્વ બેંકને માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતી આપવાની બાબતમાં આરબીઆઈની નીતિની સમીક્ષા કરવા જણાવતા ઉમેર્યું હતું કે, માહિતીની અધિકાર કાયદાની જોગવાઈનું પાલન કરવા અંતિમ તક આપવામાં આવી રહી છે. જો હવે આરબીઆઈ માહિતી અધિકાર હેઠળ મંગાવેલી માહિતી આપવામાં ઉણી ઉતરશે તો તેની સામે પણ કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે અને આરબીઆઈ સામે કોર્ટના અનાદરની પણ કાર્યવાહી કરાશે.