રાજય સરકારનાં નિર્ણયની સોશિયલ મીડિયામાં ભરપૂર પ્રશંસા
દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના આગેવાનો કન્યા કેળવણી પર ભાર મૂકી રહ્યા છે. અને વિવિધ યોજનાઓ જનતા સમક્ષ મૂકી છે. આસામ સરકારે પણ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળાએ જતી કન્યાઓને રોજના રૂ.૧૦૦ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. જાન્યુઆરી માસના અંત સુધીમાં આ યોજના અમલી બનશે તેમ આસામના શિક્ષણ મંત્રી હિંમત બિસ્વા સરમાએ જણાવ્યું હતુ. કન્યાઓને શાળાએ જવા અને પગપર કરવા માટે પ્રોત્સાહન આપવાની જરૂર છે. આ માટે કેન્દ્ર સરકાર તથા રાજય સરકારો વિવિધ પ્રયાસો કરે છે. વિવિધ યોજના બનાવી આર્થિક સહાય પણ આપવામાં આવે છે. હવે આસામમાં કન્યા કેળવણી દર વધારવા આસામ સરકારે શાળાએ જતી કન્યાને રોજના રૂ.૧૦૦ ચૂકવવા નિર્ણય કર્યો છે જેથી રાજયમાં કન્યા કેળવણી વધે અને છોકરીઓનું જીવન ધોરણ સુધરે શિક્ષણ મંત્રી હિંમત સરમાએ વધુમાં જણાવ્યું હતુ ચાલુ માસનાં અંત સુધીમાં આ યોજના અમલી બની જશે.
સ્નાતક, અનુસ્નાતક છાત્રાઓને પણ રોકડ સહાય
શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતુ કે સ્નાતક તથા સ્નાતકો છાત્રાઓનાં બેંક ખાતામાં જાન્યુઆરીના અંત સુધીમાં રૂ.૧૫૦૦ તથા ૨૦૦૦ જમા કરાવવામાં આવશે.
આ નાણાં વિદ્યાર્થીઓને પુસ્તકો તથા અન્ય અભ્યાસ સામગ્રી ખરીદવામાં મદદરૂપ થશે સરકાર ગત વર્ષે જ આ યોજના શરૂ કરવાની હતી પણ કોરોનાને લીધે આ યોજના શરૂ થઈ શકી ન હતી હવે સરકાર આ યોજનાનો ૨૦૨૧મા તાત્કાલીક અસરથી અમલ કરશે.
ધો.૧૨માં પ્રથમ વર્ગે પાસ થનાર છાત્રાને અપાય છે દ્વિચક્રી વાહન
તેમણે વધુમાં જણાવ્યું કે રાજય સરકાર ધો.૧૨નાં બોર્ડ પરીક્ષામાં પ્રથમ વર્ગે પાસ થનાર વિદ્યાર્થીનીને પ્રજ્ઞાન ભારતી યોજના હેઠળ રૂ. ૨૨ હજારનું દ્વિચક્રીવાહન આપવામાં આવે છે. આ યોજના માટે રાજય સરકાર ૧૪૪.૩૦ કરોડ ખર્ચે છે. શિક્ષણ મંત્રી સરમા કહે છે કે ધો.૧૨ના પ્રથમ વર્ગમાં ઉતીર્ણ છાત્રાઓની સંખ્યા ભલે એક લાખે પહોચે સરકાર દ્વિચક્રીવાહનો આપશે. ૨૦૧૮ અને ૨૦૧૯માં પ્રથમ વર્ગમાં પાસ થનાર છાત્રાઓને પ્રજ્ઞાન ભારતી યોજના હેઠળ રૂ.૨૨ હજારની કિમંતના દ્વિચક્રી વાહનો આપવામાં આવશે.