ટુરીઝમ મંત્રાલય દ્વારા નવી ગાઈડલાઈન જારી: હોટલોએ રીસેપ્શન કાઉન્ટર અને વેબસાઈટ પર સ્ટાર તેમજ રેટીંગ દર્શાવવું ફરજીયાત
શાળા-કોલેજો, યુનિવર્સિટીઓ અને હોટેલો સહિત દરેક ક્ષેત્રે ગુણવતા સુધારવા માટે સ્ટાર અને રેટીંગ સિસ્ટમ લાગુ કરવા સરકારે તજવીજ હાથધરી છે. જેમાં તાજેતરમાં ટુરીઝમ મંત્રાલયે ગાઈડલાઈન જારી કરતા જણાવ્યું છે કે, હોટલોએ રીસેપ્શન કાઉન્ટર પર ફરજીયાતપણે સ્ટાર અને રેટીંગ દર્શાવવું પડશે. એટલે કે હવે, હોટલોએ સ્ટાર દર્શાવતા પાટીયા ફરજીયાતપણે લગાવવા પડશે.
પોતાના રીસેપ્શન કાઉન્ટર ઉપરાંત, વેબસાઈટ ઉપર પણ સ્ટાર અને રેટીંગની વિગતો હોટલોએ બતાવવી પડશે. ટુરીઝમ મંત્રાલયના એક અધિકારીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું છે કે, રીસેપ્શન કાઉન્ટર અને વેબસાઈટ પર સ્ટાર રેટીંગની વિગતો બતાવવાથી ગ્રાહકો માહિતી મેળવી શકશે અને આમ કરવાથી સ્ટાર તેમજ રેટીંગ માળખુ વધુ સુવ્યવસ્થિત અને સરળ થશે તેમજ પારદર્શકતા આવશે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં તમામ હોટલો એકથી પાંચ સ્ટારની વચ્ચે આવે છે. જેમાં ગ્રાહકોને અપાતી સુવિધાઓને ધ્યાને રાખી આ ૧ થી પાંચ સુધીના સ્ટાર હોટલોને અપાય છે. નવી ગાઈડલાઈન મુજબ હવે હોટેલોમાં એપ્લીકેશન માટેના પેમેન્ટ ડીમાન્ડ ડ્રાફટ વડે નહીં પણ માત્ર ઓનલાઈન રીતે જ કરી શકાશે. જેથી પેમેન્ટમાં થતા ગોટાળાઓ દુર થશે.
ટુરીઝમ મંત્રાલયે આ નવી ગાઈડલાઈનનો અમલ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. નવા નિયમોમાં એ પણ દર્શાવાર્યું છે કે, હોટલોના પ્રીમાઈઝીસમાં રહેલી લીકવર દુકાનો કે સ્ટોર અથવા તો બારને સ્ટાર હોટેલના કલાસીફીકેશનમાં આવરી લેવામાં આવશે નહીં અને ફરજીયાતપણે તમામ હોટેલોએ રીસેપ્શન કાઉન્ટર પર અને વેબસાઈટ પર સ્ટાર, રેટીંગ દર્શાવવું પડશે.