કોરોના મહામારી વચ્ચે માનવ-માનવ વચ્ચે આભડછેટ ફેલાઈ હોય તેમ સંક્રમિત થવાના ભયથી મોટા ભાગની સેવાઓનો લોકો ઓનલાઈન ઉપયોગ કરતા થયા છે. ચુકવણી માટે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ ખૂબ વધ્યો છે. આજ કારણસર હેકર્સનો પણ તરખાટ વધ્યો છે. તાજેતરમાં એર ઈન્ડિયાના સર્વર પર સૌથી મોટો સાયબર અટેક થતા 45 લાખ મુસાફરોના ડેટા ચોરાયા છે. તો હાલ પીઝા બ્રાન્ડ ડોમિનોઝ પણ સાયબર હુમલાનો શિકાર બની છે.
કંપનીએ જણાવ્યું છે કે ગ્રાહકોથી સંબંધિત માહિતી લીક થઈ છે. સાયબર સિક્યુરિટી એક્સપર્ટે આ માહિતી શેર કરી છે. કંપનીએ માહિતી લીક થવાની વાત સ્વીકારી છે, પરંતુ જણાવ્યું છે કે ગ્રાહકોની આર્થિક માહિતી સલામત છે. સાયબર સિક્યુરિટી સંશોધનકાર રાજશેખર રાજહારિયાના જણાવ્યા મુજબ, હેકર દ્વારા ગ્રાહકોની જાસૂસી કરવા, તેમનું સ્થાન, તારીખ અને ક્રમનો સમય શોધવા માટે ઉપયોગમાં લે તેવી ભીતિ છે.
તેમણે ટ્વીટ કર્યુ કે ડોમિનોઝના ભારતના 18 કરોડ ગ્રાહકોની માહિતી શેર કરવામાં આવી છે. હેકરે ડાર્ક વેબ પર સર્ચ એન્જિન બનાવ્યું છે. જો તમે ક્યારેય ડોમિનોઝ પર ઓનલાઇન ઓર્ડર આપ્યો છે તો તમારી માહિતી પણ કદાચ લીક થઈ ગઈ છે. માહિતીમાં નામ, ઇમેઇલ, મોબાઇલ, જીપીએસ સ્થાન, વગેરે શામેલ છે. જો કે કોઈ નાણાંકીય માહિતી લીક ન થઈ હોવાનું જણાવ્યું છે.જણાવી દઈએ કે ડોમિનોઝ પિઝાની કંપની જ્યુબિલિન્ટ ફૂડ વર્કસની માલિકી ધરાવે છે.