યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઈએસ)એ જાહેરાત કરી છે કે તે 30 સપ્ટેમ્બર, 2024 (નાણાકીય વર્ષ 2024) ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે એચ-1બી કેપ વિઝા માટે ત્રીજી લોટરી કરશે નહીં. આનાથી તે ઉમેદવારોના સપના ઉપર પાણી ફરી વળ્યાં છે લોટરીમાં પસંદગી પામવાની છેલ્લી તકની રાહ હોઈ રહ્યા હતા.
વાર્ષિક ક્વોટા સામે પૂરતી અરજીઓ મળી જતાં ત્રીજી લોટરી નહીં યોજવા યુએસનો નિર્ણય
યુએસસીઆઈએસએ જણાવ્યું છે કે તેને 85,000 ના વાર્ષિક ક્વોટા સુધી પહોંચવા માટે પૂરતી સંખ્યામાં એચ-1બી કેપ અરજીઓ પ્રાપ્ત થઈ છે (જેમાં 20,000 માસ્ટર્સ કેપ ક્વોટાનો સમાવેશ થાય છે, જે અદ્યતન યુએસ શૈક્ષણિક લાયકાત ધરાવતા અરજદારો માટે અલગ રાખવામાં આવ્યો છે). બિન-પસંદગીની નોટિસ હવે આગામી થોડા દિવસોમાં નોંધણી કરનારાઓને મોકલવામાં આવશે.
એપ્રિલ,2023માં યુએસસીઆઈએસએ જાહેરાત કરી હતી કે 30 સપ્ટેમ્બર, 2024 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે એચ-1બી કેપ સીઝન માટે 7,58,994 ઇ-રજીસ્ટ્રેશન પ્રાપ્ત થયા છે. જેમાં ગયા વર્ષના પાત્ર નોંધણી કરતાં 60%નો વધારો છે. આ આંકડાઓની પૃષ્ઠભૂમિમાં ઇમિગ્રેશન એજન્સીએ એચ-1બી વિઝા પ્રોગ્રામના ગેમિંગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં યુએસ સ્પોન્સરિંગ એમ્પ્લોયરો દ્વારા એક જ વ્યક્તિ માટે બહુવિધ ઇ-રજીસ્ટ્રેશન કરવામાં આવે છે.
સ્પોન્સરિંગ એમ્પ્લોયરોએ માત્ર ઇ-રજીસ્ટ્રેશનના આધારે લોટરીમાં પસંદ કરાયેલા લોકો માટે જ વિગતવાર એચ-1બી કેપ વિઝા અરજીઓ ફાઇલ કરવાની રહેશે. પ્રથમ લોટરીમાં યુએસસીઆઈએસએ 85,000 ના વાર્ષિક એચ-1બી કેપ ક્વોટાને પૂર્ણ કરવા માટે 1,10,791 નોંધણીઓ પસંદ કરી હતી.
એવી અટકળો હતી કે નવેમ્બર-ડિસેમ્બરમાં ત્રીજો લોટરી રાઉન્ડ હાથ ધરવામાં આવશે. આશાઓ અગાઉ વર્ષમાં ત્રણ વાર થયેલી લોટરીને આધારિત હતી. જેમ કે, સપ્ટેમ્બર 2022ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે વાર્ષિક એચ-1બી કેપ વિઝા ફાળવણી માટે ત્રીજી લોટરી નવેમ્બર 2021 માં હાથ ધરવામાં આવી હતી.