ચાર દિવસ પહેલા ગટરના પાણી ઉભરાવવાની સમસ્યા ઉકેલવાની પ્રમુખની ખાતરી હવામાં ઓગળી ગઈ
શકમાર્કેટના ગટરના ગંદા પાણી છેક નગર દરવાજા સુધી પહોંચ્યા સ્વચ્છતાની ડંફાસ મારતા પાલિકાના શાસકોની પોલ છતી
મોરબી નગરપાલિકાના પાપે શાકમાર્કેટ વિસ્તારમાં સતત ઉભરાતી ભૂગર્ભ ગતરને કારણે ૧૫૦ થી વધુ વેપારીઓના વેપાર ધંધા સંપૂર્ણ પણે ઠપ્પ થઈ જવા પામ્યા છે અને ચાર જ દીવસમાં ગટરની સમસ્યા ઉકેલવાની પાલિકા પ્રમુખની ખાતરી પણ હવામાં ઓગળી જતા આજે વેપારીઓએ પાલિકાના સતાધીશો સમક્ષ બે હાથ જોડી પગે લાગી આ સમસ્યાથી છોડાવવા રીતસર કાકલૂદી કરવી પડી હતી.
મોરબી પાલિકા અને પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારીઓના ગાજગ્રહને કારણે છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના મોટાભાગના વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા સામાન્ય બની છે પરંતુ શાકમાર્કેટ વિસ્તારમાં કાયમી ગટરગંગા ઉભરાતી હોવાથી ચાર દિવસ પૂર્વે વેપારીઓએ નવનિયુક્ત પાલિકા પ્રમુખને આ વિસ્તારમાં રૂબરૂ બોલાવી સમસ્યાથી અવગત કરાવ્યા હતા જેથી પાલિકા પ્રમુખે ચાર જ દિવસમાં સમસ્યા ઉકેલવા ખાતરી આપી હતી.
પરંતુ ચાર ચાર દીવસની અવધિ વીતવા છતાં પાલિકા પ્રમુખનું જાણે કાઈ ઉપજતું ન હોય તેમ પાલિકાનો સ્ટાફ આ વિસ્તારમાં ગટરની સમસ્યાની જાણકારી માટે પણ ન ડોકાતા આજે અંતે વેપારીઓએ ફરી પાલિકામાં મોરચો માંડ્યો હતો અને પાલિકાના સત્તાધીશોને રીતસર પગે લાગી કાકલૂદી કરી ભાંગી ગયેલા ધંધા રોજગાર ફરી પાછા ચાલુ થાય તે માટે ઉભરાતી ગટર બંધ કરાવવા માંગણી કરી હતી અને બદલામાં જે સાથ સહકાર જોઈએ તે આપવા ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે હજુ તો ચોમાસુ શરૂ પણ નથી થયું ત્યાં આ બારમાસી ગટરોને કારણે વેપારીઓની આ સ્થિતિ છે તો ચોમાસામાં ધોધમાર વરસાદમાં શુ હાલત થશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
એક તરફ પાલિકાના ચીફ ઓફિસર શહેરમા સ્વચ્છતા જાળવવા પ્લાસ્ટિકને પ્રતિબંધિત કરી જાહેરમાં કચરો નાંખનારને દંડ કરવા સીસીટીવી કેમેરા લગાવી જાહેર ચેતવણી આપી રહ્યા છે તો બીજી તરફ બારે માસ ઉભરાતી ગટરો મામલે પાલિકાનું તંત્ર લાજ કાઢી રહ્યું છે તો લોકો સાથે બેઘારી નીતિ શા માટે તેવો પણ વેપારીઓ સવાલ ઉઠાવી રહ્યા છે.
જો કે છેલ્લા ઘણા વર્ષોથી પાલિકાના પાપે મોરબીની મુખ્ય શાકમાર્કેટમાં ગટરના પાણી ઘુસી જતા હોય શાકમાર્કેટમાં જવું લોકો માટે રોગના ઘરમાં જવા જેવું સાબિત થઇ રહ્યું છે ત્યારે આજે ૧૫૦ થી વધુ વેપારીઓએ હાથે પગે લાગી કરેલી કાકલૂદી કેવી અસરકારક રહે છે તે આવનાર સમય બતાવશે.
તો ધંધા રોજગાર બંધ રાખવા પડશે
મોરબી પાલિકામાં રજુઆત માટે દોડી આવેલા વેપારીઓએ દુ:ખ સાથે જણાવ્યું હતું કે ઉભરાતી ગટરોને કારણે હાલમાં અમારી દુકાને ગ્રાહકો આવતા નથી અને ગટર એટલી અસહ્ય દુર્ગંધ મારે છે કે ધંધા રોજગાર ખોલવા મુશ્કેલ બન્યા છે, ઉપરાંત રોગચાળાનો પણ ભય રહેલો હોય જો આ જ સ્થિતિ રહેશે તો ધંધા રોજગાર બંધ કર્યા વગર છૂટકો નથી.
શાકમાર્કેટના ગંદા પાણી નગર દરવાજે પહોંચ્યા
સ્વચ્છતા ઝુંબેશની વાતો કરી પર્યાવરણ બચાવવા નીકળેલી મોરબી પાલિકા લોકોને ધીમું ઝેર આપી મારવા બેઠી હોય તેવા ઘાટ વચ્ચે શાકમાર્કેટમાં ઉભરાતા ગટરના પાણીની સમસ્યા ઉકેલી ન શકતા હવે આ પાણી છેક નગર દરવાજા ચોક સુધી પહોંચ્યા છે અને મુખ્યમાર્ગ પરથી લોકોને પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે લોકોને દંડવાને બદલે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર પોતાના ઘરઆંગણેથી સુધરવાનું શરૂ કરે તો પણ મોરબીનું અને મોરબીની પ્રજાનું ઘણું ભલું થઈ શકે તેમ હોવાનું ફલિત થઈ રહ્યું છે.