મગજની સર્જરીથી માઈગ્રેનમાંથી મુકિત મેળવવાનો ડોકટરોનો પ્રયોગ
શું તમે માઈગ્રેનથી સતત પીડાવ છો ? તો હવે આ બિમારીથી તમને છુટકારો મળશે. ફરી થતા માથાના દુ:ખાવાને લઈ દિલ્હી એઈમ્સના ડોકટરોએ એક પ્રયોગ કર્યો છે. જેમાં તેમને સફળતા મળતા હવે માઈગ્રેનથી છુટકારો મળશે. જી હા, સર્જરી થકી આ જટીલ બિમારીમાંથી મુકિત મળી શકે છે.
માઈગ્રેનમાંથી મુકિત મેળવવા મોટાભાગના લોકો દવાઓનો ઉપયોગ કરે છે. જેની ગંભીર સાઈડ ઈફેકટ પડે છે. ત્યારે હવે સામાન્ય સર્જરીથી માઈગ્રેનની પીડામાંથી મુકિત મળશે. તેમજ આ સર્જરીમાં કોઈપણ જાતની પીડા પણ થશે નહીં. ડોકટરોએ માઈગ્રેનથી પીડાતા ૩૦ દર્દીઓ પર પ્રયોગ કર્યો હતો અને તેઓને આ સર્જરીથી રાહત પણ મળી હતી. ૩૦ દર્દીઓમાંથી ૧૪ દર્દીઓને એક વર્ષ પછી સંપૂર્ણ રીતે માઈગ્રેનની પીડામાંથી છુટકારો મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. જયારે માત્ર બે દર્દીઓને જ સર્જરી બાદ પણ માઈગ્રેનની પીડા થતી હતી. આ સંપૂર્ણ અહેવાલ અમેરિકાના જનરલ ઓફ ફ્રાનિઓફીસીઅલ સર્જરીમાં પ્રસ્તુત કરાયો હતો. શ્રીનગરમાં મીલીટરી હોસ્પિટલના ડોકટર એનસન જોસે જણાવ્યું કે, આ માઈગ્રેનની સર્જરીમાં માથાના એક બાજુમાંથી અમુક મર્સલને કાઢી નાખવામાં આવે છે. આ મસલ દુર થવાથી માઈગ્રેનની બિમારી પણ દુર થઈ જાય છે. આ પ્રકારની સર્જરીઓ વિદેશોમાં પ્રચલિત છે પરંતુ ભારતમાં હજુ માત્ર બે-ત્રણ વખત જ પ્રયાસો કરાયા છે. મગજમાંથી અમુક મસલને દૂર કરાતા લાંબા સમય માટે માઈગ્રેનમાંથી રાહત મળી રહે છે.
એઈમ્સમાં ડેન્ટલ એજયુકેશન એન્ડ રીસર્ચ સેન્ટરના ડિવીઝનલ ઓફ ઓરલ મેકિસ ઓસેસીઅલ સર્જરીના પ્રોફેસર ડોકટર એજોય રોય ચૌધરીએ જણાવ્યું હતું કે, આ સર્જરી દરમિયાન દર્દીને પીડા પણ થતી નથી. તેમજ હાલના સમયમાં માઈગ્રેનથી મોટાભાગના લોકો પીડાતા હોય છે ત્યારે આ સર્જરીથી રાહત મળશે. જોકે, આ સર્જરીથી બધાને છુટકારો મળે તેમ પણ નથી.