ભારતીય ટેક્નોલોજી ફર્મ જિનેસસ ઇન્ટરનેશનલે 3D મેપિંગ માટે શરૂ કર્યો પાન ઇન્ડિયા કાર્યક્રમ
કંપની પ્રથમ 100 શહેરોનું 3D મેપિંગ તૈયાર કરશે, આ મેપનો અમુક ડેટા વેચવામાં આવશે, અમુક ફ્રીમાં પણ અપાશે
અબતક, રાજકોટ : જ્યારથી મનુષ્ય જન્મયો ત્યારથી જ જમીન અને મિલકત માટે મથતો રહ્યો છે. વાસ્તવિકતા તો એ છે કે એક વ્યક્તિને બે ગજની જમીન પણ વધી પડે છે. તેના મૃત્યુ પછી આટલી જમીનની પણ જરૂરિયાત રહેતી નથી. તેમ છતાં જર, જમીન અને જોરૂ આ ત્રણેય કજિયાના છોરું એટલે કે કજિયાનું કારણ બને છે. આ ઉપરાંત પહેલાના જમાનામાં રજવાડા કે ગામની સરહદ નક્કી કરવા પાણા નખાતા હતા. આ પાણા ડગ્યે ધીંગાણા ઉપડતા હતા. પણ હવે જમાનો બદલાયો છે અને હજુ બદલાવાનો છે. કારણકે હવે દેશમાં 3D મેપિંગ આવી રહ્યું છે. જેમાં એક એક ઇંચનો 3D મેપ તૈયાર કરવામાં આવનાર છે.
ભારતીય ટેક્નોલોજી ફર્મ જિનેસસ ઇન્ટરનેશનલે બુધવારે 3D મેપિંગ માટે તેનો પાન ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કંપનીએ એવું જાહેર કર્યું છે કે હવે દેશભરના શહેરો એક એક ઇંચનો નકશો તૈયાર થશે.
જિનેસિસના જણાવ્યા મુજબ આ અત્યંત સચોટ 3D ડેટા બનાવવાથી સ્માર્ટ કાર, ઇ-કોમર્સ, લોજિસ્ટિક્સ, ગેમિંગ, ટેલિકોમ્યુનિકેશન્સમાં નેક્સ્ટ જનરેશન નેટવર્ક્સ વિકાસ પામશે. આ માટે હાઇ-ડેફિનેશન મેપિંગ કરવામાં આવશે. નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે બુધવારે કંપનીનું મેપિંગ પ્લેટફોર્મ ડિજિટલ ટ્વીન લોન્ચ કર્યું. લોન્ચ દરમિયાન, અમિતાભ કાંતે જણાવ્યું હતું કે, નવી જીઓસ્પેશિયલ પોલિસી નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને જેનેસિસ જેવી કંપનીઓની સંભવિતતા અને સામગ્રીનો ઉપયોગ કરે છે જેમણે અગ્રણી કાર્ય કર્યું છે. આપણા વડા પ્રધાન અનેક કાર્યક્રમોમાં જિયોસ્પેશિયલ સામગ્રીનો ઉપયોગ કરવાના મુખ્ય સમર્થક રહ્યા છે, અને તેમની આત્મનિર્ભરતાની દ્રષ્ટિ ઐતિહાસિક જિયોસ્પેશિયલ નીતિમાં પ્રતિબિંબિત થાય છે.
જીનેસિસ ઇન્ટરનેશનલના સીએમડી સાજીદ મલિકે જણાવ્યું હતું કે, અર્બન ઇન્ડિયાનું ડિજિટલ ટ્વીન પ્લેટફોર્મ આ દેશમાં નકશાના ઉપયોગમાં નમૂનો બદલાવ લાવશે કારણ કે અમે શહેરના દરેક ઇંચનો શાબ્દિક નકશો બનાવીશું. આ અત્યંત સચોટ 3D ડેટા – ’મેટાવર્સ’ તરફ એક પગલું હશે જે ડિજિટલ ઈન્ડિયા અર્થતંત્ર સિસ્ટમનો આવશ્યક ભાગ હશે. હવે આવો ડેટા બહુવિધ વપરાશકર્તાઓ માટે લાયસન્સને આધારે ઉપલબ્ધ થશે.
જિનેસિસ ભારતમાં અદ્યતન સેન્સર્સનો સ્યુટ ધરાવવાનો દાવો કરે છે. જેમાં એરિયલ મોબાઈલ અને ટેરેસ્ટ્રીયલ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. જે હાઈ સ્પીડ અને રિઝોલ્યુશન પર ઇમેજિંગ માટે સક્ષમ છે. કંપનીએ તાજેતરમાં 3D ડેટા તેમજ 3D સ્ટ્રીટ મેપ ઈમેજરીમાંથી ફીચર્સ ઓટોમેટિક કેપ્ચર કરવા માટે યુનિક જીઓકોડિંગમાં પેટન્ટ માટે અરજી કરી છે.
જેનેસિસના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સાજિદ મલિકે જણાવ્યું હતું કે કંપની 18 મહિનામાં 100 શહેરોનું મેપિંગ પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે.
મલિકે કહ્યું, અમે અમારી 3D મેપિંગ ટેક્નોલોજી વિકસાવવા માટે અત્યાર સુધીમાં રૂ. 200 કરોડનું રોકાણ કર્યું છે. આ નકશા આગામી નાણાકીય વર્ષમાં દેશના લોકોને ઉપલબ્ધ થશે. અમે તેને ફ્રીમિયમ મોડલ પર ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. એટલે કે, કેટલીક વસ્તુઓ માટે ચૂકવણી કરવી પડશે જ્યારે કેટલીક વસ્તુઓ મફત હશે.
મુંબઈમાં મુખ્યમથક ધરાવતું, જિનેસિસ દેશમાં કેટલાંક જીઓસ્પેશિયલ પ્રોડક્શન અને એપ્લિકેશન ડેવલપમેન્ટ કેન્દ્રોનું સંચાલન કરે છે. કંપની છેલ્લા 23 વર્ષથી વિશ્વભરના ગ્રાહકોને સેવા આપી રહી છે. જિનેસિસના નામમાં અનેક ફર્સ્ટ છે. તે 60 થી વધુ શહેરો માટે 360-ડિગ્રી સ્ટ્રીટ વ્યૂ કેપ્ચર કરનારી ભારતની પ્રથમ કંપની છે. જેણે ફોટોગ્રામમેટ્રિક મેપિંગ એટલે કે સર્વેક્ષણોમાં ફોટોગ્રાફીનો ઉપયોગ અને ઑબ્જેક્ટ્સ વચ્ચે માપન શોધવા માટે મેપિંગ રજૂ કર્યું છે.
સ્માર્ટ કાર માટે અત્યંત જરૂરી બનશે 3D મેપિંગ
3D મેપિંગ સ્માર્ટ કાર માટે અત્યંત મહત્વનું બનવાનું છે. જો કે ભારતમાં હજુ સ્માર્ટ કારનું ચલણ નથી આવ્યું. પણ ભવિષ્યમાં 3D મેપિંગને આધારે સ્માર્ટ કાર ભારતના રોડ ઉપર દોડતી થાય તો નવાઈ નહિ. 3D મેપનો ડેટા સ્માર્ટ કાર ઉત્પાદકોબે ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે. તેના આધારે કાર વિવિધ શહેરોમાં રોડ રસ્તાથી વાકેફ થઈ શકશે અને બસ મુસાફરોએ માત્ર ડેસ્ટિનેશન જ ઉમેરવાનું રહેશે. જો કે આ ફીચર અત્યારે ગૂગલ મેપ ઉપરથી મળે છે. પણ 3D મેપિંગ આ સવલત વધુ સારી રીતે કારને ઉપયોગી સાબિત થશે.
ગેમ્સમાં શહેરોના રિયલ વિઝ્યુલ આવશે
ગ્રાન્ડ થેફ્ટ ઓટો અને પબજી જેવી અનેક ગેમો ભારતમાં હિટ ગઈ છે. જેની પાછળનું કારણ ગેમના વિઝ્યુલ છે. હવે તેમાં પણ કલ્પના કરીએ કે જો આ ગેમ્સમાં આપણા શહેરના જ વિઝ્યુલ હોય. આપણા શહેરની ઇમારતો, રોડ રસ્તા અને દરેક લોકેશન ગોઠવાયેલા હોય તો? આવી રિયલ લોકેશન વાળી ગેમ રમવુ કોને ન ગમે ? 3D મેપિંગ બાદ આવું જ થવાનું છે. ગેમ નિર્માતાઓને 3D મેપનો ડેટા મળશે અને તેઓ શહેરોના રોયલ વિઝ્યુલ વાળી ગેમ્સ બનાવશે.