બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ નક્કી કરેલી વય મર્યાદાના જાહેરનામા પર સુપ્રીમનો સ્ટે

એલએલબીના કોર્ષમાં હવે ઉંમર બાધ સિવાય પણ વિદ્યાર્થીઓ પ્રવેશની કાર્યવાહી કરી શકશે. LLBના પાંચ વર્ષના કોષ માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(BCI)એ વયમર્યાદા નક્કી કરતું જાહેરનામું કર્યું હતું. જો કે આ મામલે સુપ્રીમ કોર્ટ સમક્ષ થયેલી રિટના અનુસંધાને અદાલતે જાહેરનામા પર સ્ટે મૂકી દેતા ઉંમર બાધ સિવા વિદ્યાર્થીઓને પ્રવેશની તક મળી શકશે. આ કેસની વધુ સુનાવણી જુલાઇના ત્રીજા અઠવાડિયામાં મુકરર કરવામાં આવી છે. આ સમગ્ર મામલે થયેલી રિટમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એસ.એસ. બોબડે અને જસ્ટિસ એલ.એન. રાવની ખંડપીઠે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી કે કાયદાના શિક્ષણના વ્યાપને વધારવા માટે પ્રયાસ કરાઇ રહ્યા છે, ત્યારે વય મર્યાદા મૂકીને તેના ઉપર નિયંત્રણ કેમ મૂકવામાં આવી રહ્યો છે. આ કેસમાં અરજદારો તરફથી એડવોકેટ સંજય હેડગે સહિતના એડવોકેટ્સે દલીલ કરી હતી. જ્યારે કે આ કેસની સુનાવણીમાં BCIતરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે,BCIદ્વારા વયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે કે અરજદાર તરફથી દલીલ કરાઇ હતી કે,કેટલાય અરજદારો ૨૨ વર્ષથી વધુની ઉંમર ધરાવે છે અને તેઓ પાંચ વર્ષનો કોર્ષ કરવા માંગે છે. ત્યારે જસ્ટિસ બોબડેએ એવી ટકોર કરી હતી કે,જો કોઇ અરજદાર ૨૩ કે ૨૪ વર્ષના હોય તો તેઓ એલ.એલ.બી.ના કોર્ષ માટે અરજી ના કરી શકે. એક તરફ કાયદાના શિક્ષણનો પ્રસાર કરવાની વાત છે અને તમે વયમર્યાદા બાંધી રહ્યા છો.

આ સાથે જ કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ૧૭મી સપ્ટેમ્બર ૨૦૧૬ના જાહેરનામા ઉપર સ્ટે ઓર્ડર આપ્યો હતો. દરમિયાન BCIતરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારોના પ્રવેશ કેસના અંતિમ ચુકાદાને આધિન રહે તેવો આદેશ કરવામાં આવે. જો કે, કોર્ટે આ દલીલ ગ્રાહ્ય રાખી નહોતી અને કેસની વધુ સુનાવણી જુલાઇમાં મુકરર કરી હતી. એક માર્ચના રોજ કોલકત્તામાં BCIની સભામાં LLBના પાંચ વર્ષના કોર્ષ માટેની વયમર્યાદા ૨૨ વર્ષની અને ત્રણ વર્ષના કોર્ષની વયમર્યાદા ૪૫ વર્ષ કરવાનો ઠરાવ કરાયો હતો. સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન આ નિર્ણયની માહિતી ખંડપીઠને અપાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.