ભાજપના મિશન ૨૦૨૪ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરૂપ મુસદ્દાઓને લોકોના ઘર-ઘર સુધી પહોંચાડી મિશન ૨૦૨૪ માટે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાષ્ટ્ર પ્રવાસનું આયોજન કર્યું છે. ૧૨૦ દિવસના ભાજપ અધ્યક્ષના આ પ્રવાસ દરમિયાન દરેક રાજ્યમાં બુથ લેવલે કાર્યકરો સાથે સીધો સંવાદ યોજાશે. જે.પી.નડ્ડાએ દરેક રાજ્યમાં બુથ મીટીંગના માધ્યમથી કાર્યકરો સાથે સીધો સંવાદ યોજશે.
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના ૧૨૦ દિવસના દેશવ્યાપી રાજકીય પ્રવાસનો પ્રારંભ ૫મી ડિસેમ્બરના રોજ ઉત્તરાખંડથી શરૂ થશે. અધ્યક્ષના આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ દેશના તમામ રાજ્યોમાં ભાજપની સ્થિતિ વધુ સંગીન બનાવી પક્ષની પ્રવૃતિઓ અને મિશન ૨૦૨૪ રૂપે લોકસભાની ચૂંટણીઓને લઈને ભાજપની વિચારધારા ઘર-ઘર સુધી પહોંચાડવાનો હેતુ રહેલો છે.
જે.પી.નડ્ડાના રાષ્ટ્ર વ્યાપી પ્રવાસ અંગેનો વિસ્તૃત અહેવાલ આપતા ભાજપના મહાસચિવ અરૂણસિંઘે જણાવ્યું હતું કે, નડ્ડા સમગ્ર દેશના તમામ રાજ્યોની મુલાકાત લેશે. ત્યારપછી પ્રમુખના આ પ્રવાસના પગલે-પગલા અમિત શાહનો પ્રવાસ કાર્યક્રમ યોજાશે. પક્ષના સંગઠનને વધુ સુદ્રઢ બનાવી ટીમ સ્પીરીટ, કાર્યકરોનો જુસ્સો અને બુથ લેવલ સુધીનો માઈક્રો મેનેજમેન્ટને સુદ્રઢ બનાવવા માટે દેશ વ્યાપી પ્રવાસે નીકળેલા જે.પી.નડ્ડા ભાજપ શાસીત રાજ્ય સરકારોના વિકાસ કામો અને રાષ્ટ્રી વિકાસની પરિયોજનાઓના ઉદ્દેશ અને વિઝન ૨૦૨૪ની રૂપરેખા લોકોના ઘેર-ઘેર સુધી પહોંચાડી દેશમાં વિકાસલક્ષી માહોલ ઉભો કરી રહ્યાં છે. રાષ્ટ્ર વ્યાપી પ્રવાસ કાર્યક્રમ દરમિયાન જિલ્લાવાર પત્રકાર પરિષદ વર્ચ્યુઅલ મીટીંગ અને રાજ્ય સ્તરથી લઈ અને બુથ લેવલ સુધી મીટીંગો, જાહેર સામાજીક કાર્યક્રમના માધ્યમથી ભાજપના રાષ્ટ્ર પ્રમુખ દ્વારા દરેક રાજ્યમાં બુથ લેવલના કાર્યકરો સાથે ઓછામાં ઓછી એક બેઠક દ્વારા સંવાદ સાધશે. જે.પી.નડ્ડાના આ રાષ્ટ્ર વ્યાપી કાર્યક્રમ મુજબ મોટા રાજ્યમાં ઓછામાં ઓછા ૨ કે ૩ દિવસો વિતાવશે. આ દરમિયાન રાજ્યની રાજકીય પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. પશ્ર્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ, આસામ અને પોંડીચેરી સહિતના રાજ્યો પર ખાસ ધ્યાન આપવામાં આવશે. ભાજપ ચૂંટણી પ્રક્રિયા અને ખાસ કરીને લોકસભાની આગામી ૨૦૨૪ની ચૂંટણીને લઈને સજાગ હોય, બુથ લેવલના માઈક્રો મેનેજમેન્ટની સાથે સાથે ચૂંટણીનું માળખુ, પુરતા કાર્યકરો અને ટેકેદારોનો પક્ષ સાથે જીવંત સંપર્ક રહે તે માટે ભાજપ સવિશેષ સચેત બન્યું છે. ભાજપ હંમેશા પોતાની વિચારધારો પ્રસાર અને લોકોને તેના દિશા-નિર્દેશથી વધુને વધુ અવગત કરવા પ્રત્યે સજાગ રહે છે. જે.પી.નડ્ડાના ૧૨૦ દિવસના રાષ્ટ્ર વ્યાપી પ્રવાસ દરમિયાન બુથ લેવલની મીટીંગોમાં વડાપ્રધાન મોદીના વિકાસ આયોજનો અને મિશન ૨૦૨૪ના પ્રચાર-પ્રસાર માટે ભાજપની વિચારધારા ઘર-ઘર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.