- માર્ચ એન્ડીંગને ધ્યાને લઈને અમદાવાદ, સુરત, રાજકોટ ઝોનની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ગુડ ફ્રાઈડેની જાહેર રજા હોવા છતાં ચાલુ રહેશે અને દસ્તાવેજોની નોંધણી નિયમાનુસાર કરવાની રહેશે
અબતક, અમદાવાદ ન્યૂઝ :
હાલ રાજ્યમાં નાણાંકીય વર્ષ 2023-24 વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધુ રહેતી હોઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જાહેર રજાનાં દિવસે રાજ્યની તમામ સબ-રજીસ્ટ્રાર કચેરીઓ ચાલુ રાખવોનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોય જાહેર હિતને ધ્યાનમાં રાખી તા.29/03/2024ને શુક્રવારને જાહેર રજાના દિવસે રાજ્યની તમામ 294 સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા નક્કી કરવામાં આવેલ છે.
જે અન્વયે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં તા.29/03/2024 ના રોજ નિયમિત દિવસના જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે. માર્ચ એન્ડીંગને ધ્યાને લઈને અમદાવાદ, સુરત, રાજકોટ ઝોનની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ગુડ ફ્રાઈડેની જાહેર રજા હોવા છતાં ચાલુ રહેશે અને દસ્તાવેજોની નોંધણી નિયમાનુસાર કરવાની રહેશે. તમામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં વેબ એપ્લીકેશન મારફત ઓનલાઈન એપોઈમેન્ટ મેળવી રજાના દિવસે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે તેમ યાદીમાં જણાવ્યું છે.
ઉપરાંત સ્ટેમ્પ ડયુટી નોંધણી ભવન દ્વારા વધુ એક પરિપત્ર બહાર પાડી રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં જ્યાં જ્યાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં વેઈટીંગ વધારે હોય તે તમામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ફેરફાર કર્યો છે. સવારે સાડા દસ વાગ્યે ખુલતી સબ રજિસ્ટ્રાર કચેરી હવેથી નવ વાગ્યે ખુલશે અને નવ વાગ્યાથી જ દસ્તાવેજોની નોંધણી કરી શકાશે.