હિન્દુ મેરેજ એકટ ૧૩-બી (૨)માં સુધારો કરતી સુપ્રીમ કોર્ટ
હવે છુટાછેડા માટે ૬ મહિના રાહ નહીં જોવી પડે. સુપ્રીમ અદાલતે ‘કૂલિંગ ઓફ’ પીરિયડને દૂર કર્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે હિન્દુ મેરેજ એકટ અંતર્ગત જણાવ્યું છે કે હવે ડીવોર્સ એટલે કે છુટાછેડા લેવા માટે ૬ માસ સુધી રાહ નહીં જોવી પડે. જે પરિણીત યુગલ એક વર્ષથી અલગ-અલગ જ રહે છે. તેમને આ સુધારો વિશેષ લાગુ પડે છે.
સુપ્રીમ અદાલતના જસ્ટીસો એ કે દેઓલ અને યુવી લલિતની વિશેષ ખંડપીઠે હિન્દુ મેરેજ એકટની સેકશન ૧૩-બી (૨) અંગે જણાવ્યું હતું કે અત્યાર સુધી ન્યૂનતમ સમય ૬ માસ સુધી છુટાછેડા માટે અરજી કરનાર અરજદાર પરિણીત યુગલે રાહ જોવી પડતી હતી. ત્યારબાદ જ અદાલતી ફેંસલો આવતો. પરંતુ હવે સુધારા બાદ આ ૬ માસનો કૂલિંગ ઓફ પીરીયડ દુર કરવામાં આવ્યો છે.
એક પરિણીત યુગલ જે ૮ વર્ષથી અલગ રહેતા હતા. તેમણે સુપ્રીમ અદાલતમાં ફાઈલ કરેલી પિટિશનના આધારે સુનાવણી કરવામાં આવી હતી. તેમણે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં લખ્યું હતું કે, ભરણપોષણ, સંતાનોની કસ્ટડી વિગેરે મુદા તેમના હવે પછી આગળ જીવનમાં ફરી સેટલ થવાના ચાન્સ ઘટાડી રહ્યા છે. તેમના વતી સિનિયર એડવોકેટ કે.વી.વિશ્ર્વનાથે સુપ્રીમ કોર્ટમાં દલીલો રજુ કરી હતી. સુપ્રીમ અદાલતના બે ન્યાયાધીશોની વિશેષ ખંડપીઠે ચુકાદાના ઉપસંહારમાં જણાવ્યું હતું કે, અદાલતમાં છુટાછેડા માટે કેસ દાખલ કરનાર યુગલ પરસ્પર સમજુતીથી ચાહે તો એક અઠવાડિયામાં પણ લગ્નનો કાયદેસર રીતે અંત લાવી શકશે. તેમણે ૬ માસના ફલિંગ ઓફ પીરીયડ માટે રાહ નહીં જોવી પડે.