અબતક, રાજકોટ
રંગીલા રાજકોટમાં તમામ રંગ મળી રહે છે તે વાત તો જગ જાહેર છે. રંગીલા રાજકોટની પ્રજા તો રંગીલી છે જ પણ અમુક તત્વોની રંગરેલીયા ધીમેધીમે હદ વટાવી રહી છે. એક સમયે ’ગૌરવ’ ઘોષિત કરાયેલા સંત કબીર રોડ પર ખુલ્લેઆમ દારૂની નદીઓ વહી રહી હોય તેવી માહિતી સામે આવી રહી છે. અહીં બુટલેગરોને જાણે ખાખીનો કોઈ ખૌફ જ રહ્યો ન હોય તેવી રીતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરાઈ રહ્યું છે. મહત્વપૂર્ણ બાબત તો એ છે કે, આ વિસ્તારમાં એટલી હદે દારૂનું વેંચાણ થઈ રહ્યું છે કે, તેનું નામ જ હવે ’દારૂ ગલી’ પાડી દેવામાં આવ્યું છે.
સંત કબીર કે જે જેમણે સમાજને સારા કર્મો કરવા માટે પ્રેરણા આપી હતી. જેમણે અનેક દુહા, ભજન, શાખી મારફત સમાજને સાચો રસ્તો ચીંધવાનું કાર્ય કર્યું હતું. તેમના નામે ઓળખાતા સંત કબીર રોડને ’ગૌરવ પથ’ તરીકે મનપાએ જાહેર કર્યો છે. ત્યારે હવે ’ગૌરવ પથ’ અને સંત કબીરના નામને લાંછન લગાડે તેવા કૃત્યો સંત કબીર રોડ પર થઈ રહ્યા છે. આવારા તત્વોનો ગઢ બનતો જાતો સંત કબીર રોડ જાણે બુટલેગર અને બુકીઓનો અડ્ડો જ બની ગયો હોય તેવો સ્થાનિકોમાં ગણગણાટ થઈ રહ્યો છે.
સ્થાનિક વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ સંત કબીર રોડ પર પ્રજાપતિ વાડી પાસેની શેરીમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. બુટલેગરોને જાણે ખાખીનો સહેજ માત્ર પણ ખૌફ ન હોય તે રીતે જાહેરમાં જ દારૂનું વેચાણ કરવામાં આવે છે. છાંટા પાણીના શોખીનો ત્યાંથી જ ઈંગ્લીશ દારૂની બોટલો લઈ જાય છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી અહીં બુટલેગરો બેફામ બનીને ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા હોય હાલ સ્થાનિકો આ શેરીને ’દારૂ ગલી’ નામ આપી દેવામાં આવ્યું છે. અહીં કુંભ રાશિનો એક બુટલેગર બેફામ બનીને ખુલ્લેઆમ દારૂ વહેંચી રહ્યો છે અને આ બેટલગરની સ્થાનિક પોલીસ સાથે સાંઠગાંઠ હોવાથી પોલીસ પણ કોઈ પગલાં લેતી નથી તેવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
દારૂ ગલી ફક્ત છાંટા પાણીના શોખીનો માટે જ નહીં પરંતુ શકુનીઓ માટે પણ ’સ્વર્ગ’ સમાન છે. દારૂ ગલી ફક્ત દારૂ જ નહીં પરંતુ બુકીને લગતી સેવાઓ પણ પુરી પાડે છે. આ દારૂ ગલીમાંથી જ જાહેરમાં વર્લી ફીચરના આંકડા લેવામાં આવે છે. શકુનીઓ અહીં આવીને જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખાવતા હોય છે. ધીમેધીમે દારૂ ગલી હવે બુકીઓનો પણ ગઢ બનતો જઇ રહ્યો છે જેના કારણે સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે.
બુટલેગરો બેફામ છતાં પોલીસ અજાણ ?
દારૂ ગલીમાં બુટલેગરો બેફામ બનીને ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે. રાત્રે તો ઠીક પણ દિવસ દરમિયાન પણ આ ગલીમાં ઈંગ્લીશ દારૂની બોટલોનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે તેવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. રાત્રીના સમયમાં તો રહીશો આ ગલી તરફ જતા પણ થરથરતા હોય છે ત્યારે આવી બદથી બદતર થયેલી પરિસ્થિતિ અંગે પોલીસ અજાણ છે કે કેમ? તે સવાલ ઉદ્ભવયો છે કે પછી બેફામ બનેલા બુટલેગરોને ખાખીનો ખૌફ રહ્યો નથી ?
ખાખીનો ખૌફ ઓસરી ગયો ?
જ્યારે ગૌરવ પથ પર જ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય, જુગારના આંકડા લેવામાં આવતા હોય ત્યારે શું આ સમગ્ર બાબતથી પોલીસ ખરેખર અજાણ છે ? કે પછી જાણ હોવા છતાં પણ કોઈ પગલાં લેવાતાં નથી ? તેવો સવાલ ઉદ્ભવયો છે. મહત્વપૂર્ણ બાબત તો એ પણ છે કે, જે રીતે ખુલ્લેઆમ ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારા શખ્સો દિન પ્રતિદિન બેફામ બનતા જાય છે ત્યારે શું હવે ગુનેગારોમાંથી ઓસરી ગયો છે કે કેમ ?
દારૂ ગલીમાં બુકીઓ દ્વારા ખુલ્લેઆમ લેવાતાં વર્લી ફિચરના આંકડા !!
દારૂ ગલી હવે ફક્ત દારૂની મિજબાની માટે જ પ્રખ્યાત નથી પરંતુ હવે આ ગલીમાં વર્લી ફિચરના આંકડાની મિજબાની પણ માણવામાં આવે છે તેવું ચર્ચાઈ રહ્યું છે. દારૂ ગલીમાં હવે બુટલેગરોની સાથે બુકીઓની બેઠક વધતી હોય જાહેરમાં જ વર્લી ફિચરના આંકડા પણ લેવામાં આવે છે. સ્થાનિકો આ બાબતે જાયે તો કહાં જાયે ? જેવી મુંજવણમાં મુકાઈ ગયા છે. આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પાછળ કોઈ ગોડ ફાધરના ચાર હોય તેવું પણ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
બેફામ બનેલા બુટલેગરો અને બુકીઓ દ્વારા ખુલ્લેઆમ કરાતી ગેરકાયદે પ્રવૃત્તિઓ
‘સંત કબીર’ અને ‘ગૌરવ પથ’ના નામને લાંછન લગાડે તેવા કૃત્ય