સાત ખાનગી તબીબો કરશે કોરોના દર્દીઓની સારવાર
૪૦ બેડ, અતિ આધુનિક ઓક્સિજન સીસ્ટમવાળું વેન્ટીલેટર, બાઇપેપ, ડી ફેબ,મલ્ટી પેરા સાથેનો આઇ.સી.યુ. રૂમ તથા ડીલક્સ રૂમ, લેબોરેટરી, સેમ્પલ કલેક્શન, પ્રશિક્ષિત નર્સિંગ સ્ટાફ વગેરે જેવી સગવડો સાથે કોરોનાની સારવાર માટેની “શ્રીમદ કોવીડ હોસ્પિટલ”નો જેતપુર સ્થિત ધોરાજી રોડ બાયપાસ ચોકડી પાસે આવેલી હોટલ કંફોરટ (બંસરી)માં પ્રારંભ થયો છે. આ સાથે જ જેતપુરના ડોકટરોએ સમગ્ર વિશ્વને સૌરાષ્ટ્રના ખમીરની ખાતરી કરાવી છે.
જેતપુર તાલુકાની સૌપ્રથમ સરકાર માન્ય કોરોના દર્દીઓ માટેની સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે, જેમાં જેતપુરના નામાંકિત ડોક્ટર્સ ની ટીમ કોરોનાના દર્દીઓની સારવારની માનવીય ફરજો બજાવશે. ખાસ ઉલ્લેખનીય છે કે જેતપુરના સાત નામાંકિત તબીબો પ્રાઇવેટ પ્રેક્ટિસ છોડી જીવના જોખમની પરવા કર્યા વિના પોતાની ખાનગી હોસ્પિટલ્સને કોરોના દર્દીઓની સારવાર માટે સુપ્રત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. જેતપુર ખાતે આજથી શરૂ થયેલ “શ્રીમદ કોવીડ ૧૯ હોસ્પિટલ”માં જેતપુર શહેરના નામાંકિત સિનિયર ડોક્ટર્સની ટીમ કામગીરી સંભાળશે તે સર્વ શ્રી ડો. કોટડીયા, ડો.વાધવાણી, ડો. ઉંધાડ, ડો. અમીપરા, ડો. સોજીત્રા, ડો.સંજય ક્યાડા, ડો. મોવલીયા, ડો. બાલધા વગેરેની સેવાઓ કોરોનાના દર્દીઓને જેતપુરની આ પ્રાઇવેટ કોરોના હોસ્પિટલમાં આજથી જ પ્રાપ્ત થશે.
આ પ્રાઇવેટ હોસ્પિટલને રાજયસરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે, આથી કોરોનાના દર્દી પાસેથી રાજય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ ચાર્જ મુજબ જ કોરોનાની સારવાર કરવામાં આવશે.
ગોંડલ પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલે ખાનગી તબીબોની સામાજિક નિસ્બતને બિરદાવતાં જણાવ્યું હતું કે જેતપુર શહેરના નામાંકિત ડોક્ટરોએ પોતાના વ્યવસાયમાંથી સમય કાઢીને જીવની પણ પરવા કર્યા વિના કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે આગળ આવીને સમગ્ર સમાજ માટે અનુકરણીય ઉદાહરણ પૂરૂં પાડયું છે. જે બદલ જેતપુરના નાગરિકો સદા આ ડોકટરોના ઋણી રહેશે.
આ પ્રસંગે અગ્રણી શ્રી પી.જી ક્યાડા, શ્રી મનસુખભાઈ ખાચરિયા, શ્રી પ્રશાંત કોરાટ, શ્રી વિપુલભાઈ સંચાણીયા, શ્રી વેલજી ભાઈ સરવૈયા, શ્રી આર.કે રૈયાણી, શ્રી રાજુભાઇ હિરપરા અને મામલતદાર શ્રી વિજય કારીયા અને શ્રી દીપીકા પંચાલ ડી વાય. એસ.પી. શ્રી સાગર સહિતના સરકારી વહીવટી તંત્રના અધિકારીઓ,મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કોરોનાની સારવાર અર્થે હેલ્પ લાઇન નંબર ૯૬૬૨૦૧૪૦૭૮ અને ૭૮૭૯૮૦૮૧૮૯ પર આ હોસ્પિટલનો સંપર્ક કરી શકાશે તેમ જણાવ્યું છે.