- દેશની કોઇ પણ કોર્ટમાં વાદીએ પોતાની જાતિ કે ધર્મને ઉજાગર કરવો તે યોગ્ય નથી, આ પરંપરા હવેથી બંધ : સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટ અને નીચલી અદાલતોના કેસ પેપરમાં પક્ષકારોની જાતિ અથવા ધર્મનો ઉલ્લેખ કરવાની લાંબા સમયથી ચાલી આવતી પરંપરાને અટકાવી દેવાના સૂચનો આપ્યા છે. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે કહ્યું કે, આ પરંપરા તાત્કાલિક બંધ થવી જોઈએ. ખંડપીઠે કહ્યું કે, ‘અમને સુપ્રીમ કોર્ટ અથવા નીચેની અદાલતો સમક્ષ કોઈપણ વાદીની જાતિ અથવા ધર્મ જણાવવાનું કોઈ કારણ દેખાતું નથી. આ પ્રકારની પરંપરાને તુરંત છોડી દેવી જોઈએ અને બંધ કરવી જોઈએ.’
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ તેમજ દેશની કોઇ પણ કોર્ટમાં વાદીએ પોતાની જાતિ કે ધર્મને ઉજાગર કરવો જોઇએ તે અમને યોગ્ય નથી લાગતું. અને તેથી આ પરંપરાને બંધ કરવા માટે અમે આદેશ જારી કરી રહ્યા છીએ. રાજસ્થાનની એક ફેમેલી કોર્ટમાં પેન્ડિંગ કેસને ટ્રાન્સફર કરવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ હતી, જેના મેમોમાં અરજદારની જાતિ અને ધર્મનો ઉલ્લેખ હતો જેને કારણે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલામાં કેસ ટ્રાન્સફરની અનુમતી આપી દીધી પણ સાથે હવેથી કોઇ પણ કોર્ટમાં વાદીએ પોતાની જાતિ કે ધર્મને જાહેર કરવાની જરૂર નહીં રહે તેવો આદેશ દેશની દરેક હાઇકોર્ટોને આપ્યો છે.
જ્યારે રાજસ્થાનના આ કેસની દલીલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી હતી ત્યારે અરજદારના વકીલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના દસ્તાવેજોમાં અરજદારોની જાતિનો ઉલ્લેખ કરવો એટલા માટે જરૂરી થઇ ગયો હતો કેમ કે ફેમેલી કોર્ટના દસ્તાવેજોમાં પણ તેનો ઉલ્લેખ હતો. જે મહિલાએ પેપરમાં જાતિનો ઉલ્લેખ ના કર્યો હોત તો કોર્ટ રજિસ્ટ્રી તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હોત. જે બાદ સુપ્રીમ કોર્ટે તેની નોંધ લીધી અને સમગ્ર દેશની કોર્ટો માટે અલગ આદેશ જાહેર કરતા કહ્યું કે કોઇ પણ વાદીની જાતિ કે ધર્મની જાણકારી ના આપવી જોઇએ. નીચલી કોર્ટમાં આવો ઉલ્લેખ કર્યો હોય તો પણ ઉપરી કોર્ટોમાં તેનો ઉલ્લેખ કરવાની જરૂર નથી.