આગામી લોકસભા ચૂંટણી પહેલા દક્ષિણ ભારતમાં પોતાના સમીકરણો સુધારવાનો પ્રયાસ કરી રહેલી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.  તમિલનાડુમાં પાર્ટીના સાથી પક્ષ એઆઈએડીએમકેએ ભાજપ સાથે સંબંધો તોડવાની જાહેરાત કરી છે. એક તરફ ભાજપ સૌરાષ્ટ્રને તામિલ સાથે જોડીને ત્યાં ફાયદો મેળવવાના પ્રયત્નો કરી રહ્યું છે. તેવામાં હવે સાથી પક્ષે તેની સાથે છેડો ફાડી નાખ્યો છે.

હિન્દુત્વને લઈને એઆઈએડીએમકેએ ભાજપનો પાલવ છોડ્યો, હવે બન્ને પક્ષો પોતાની રીતે લોકસભાની ચૂંટણી લડશે

બીજેપી પહેલાથી જ એઆઈએડીએમકેએ સાથે ગઠબંધન તૂટવાની આશંકા હતી.  ગયા અઠવાડિયે જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને એઆઈએડીએમકેએ વડા એકે પલાનીસ્વામી વચ્ચે સીટ શેરિંગ ફોર્મ્યુલા પર કોઈ સમજૂતી થઈ ન હતી.  ભાજપે 15 લોકસભા સીટોની માંગણી કરી હતી.  આમાંથી મોટાભાગની બેઠકો ભૂતકાળમાં એઆઈએડીએમકેએ પ્રભુત્વ ધરાવતી બેઠકો રહી છે.  ભાજપની યોજના સાથી પક્ષોને પાંચ બેઠકો આપવાની હતી.

જો કે, એનડીએથી અલગ થવાની જાહેરાત કરતી વખતે, એઆઈએડીએમકેએ જણાવ્યું હતું કે એઆઈએડીએમકેએ અને તેના નેતાઓ પર એક વર્ષથી વધુ સમયથી ભાજપના નેતાઓ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવામાં આવતી હતી. જેના વિરોધમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.  પાર્ટીના પ્રવક્તા શશિરેખાએ કહ્યું કે અમે કાર્યકરોના અભિપ્રાય બાદ એનડીએ છોડવાનો નિર્ણય લીધો છે અને અમે આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સમાન વિચારધારા સાથે લડીશું.

લગભગ બે અઠવાડિયા પહેલા, ભાજપના પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈએ સનાતન ધર્મ પર તેમની ટિપ્પણીઓને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે દ્રવિડના દિગ્ગજ સીએન અન્નાદુરાઈ પર નિશાન સાધ્યું હતું.  તેમણે કહ્યું હતું કે અન્નાદુરાઈએ 1956માં હિંદુ ધર્મની ટીકા કરી હતી, જેની રાજ્યના અગ્રણી સ્વતંત્રતા સેનાની મુથુરામલિંગા થેવર દ્વારા નિંદા કરવામાં આવી હતી.  આનાથી નારાજ પક્ષના પ્રવક્તા જયકુમારે ભાજપને નાનું શિયાળ ગણાવ્યું હતું. એઆઈએડીએમકેનું માનવું હતું કે અન્નામલાઈની આ ટિપ્પણીને કારણે પાર્ટી દ્રવિડિયન વોટ બેંકમાં બાકી રહેલું સમર્થન પણ ગુમાવશે.

એઆઈએડીએમકેની પરંપરાગત વોટ બેંક રહેલા મુક્કુલાથુર (થેવર) સમુદાયમાં ભાજપનો પ્રભાવ અચાનક વધી ગયો છે.  પોતાની જૂની પકડ જાળવી રાખવા માટે, એઆઈએડીએમકે ધિનાકરન, પનીરસેલ્વમ, શશિકલા જેવા નેતાઓની વાપસી પર કામ કરી રહી છે જેઓ આ વિસ્તારોમાં પ્રભાવશાળી હતા.  આ યોજના હેઠળ પાર્ટી ઈચ્છે છે કે મોદી સરકાર આ નેતાઓ પ્રત્યે પોતાનું વલણ નરમ કરે.  જ્યારે ભાજપ આ સમુદાયોથી પ્રભાવિત વિસ્તારોમાં તિરુનેલવેલી, તેનકાસી અને કન્યાકુમારીમાં પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહી છે.  ભાજપ એઆઈએડીએમકે પાસેથી મદુરાઈ, શિવગંગાઈ અને રામનાથપુરમ બેઠકો, ઉત્તરમાં વેલ્લોર, કેન્દ્રમાં પેરમ્બલુર અને પશ્ચિમમાં કોઈમ્બતુર અને નીલગીરી બેઠકો ઈચ્છે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.