- 29 ઑક્ટોમ્બરે બરડા જંગલ સફારીનું ઉદ્ધાટન
- રાજ્યભરના પ્રવાસીઓને લેશે જંગલ સફારીનો લાભ
- દિવાળીનું વેકેશન માણવા માટે ઉમટી પડશે પ્રવાસીઓ
- દ્રારકા – સોમનાથ પ્રવાસીઓ જંગલ સફારીનો લાભ લેશે
ગુજરાતમાં પ્રવાસીઓ માટે એક નવુ નજરાણું 29મી ઓકટોબરથી ઉમેરાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કપુરડી નેસની વનવિભાગની ચેકપોસ્ટ ખાતે વન અને પર્યાવરણ પ્રધાન મુળુ બેરાના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અંદાજે 27 કિ.મી.નો બરડા સફારીનો રૂટ રહેશે. જેમાં કપુરડીથી શરૂઆત થઇને ત્યારબાદ ચારણુ આઇ બેરિયરથી થઇ અજમા પાટ અને ભુખબરા નેશ સુધીના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. આ પ્રસંગે જામનગર સંસદ સભ્ય પૂનમ માડમ, દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદરના ધારાસભ્યઓ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. તેમ, ગુજરાત વાઈલ્ડલાઈફ PCCF એન. વાસ્તવે જણાવ્યું હતું.
ગુજરાત વાઈલ્ડલાઈફ PCCFએ બરડા વન્યજીવ અભયારણ્ય વિશે વિગત આપતાં જણાવ્યુ હતું કે, એશિયાઈ સિંહો વિશ્વમાં ખૂબ પ્રખ્યાત અને માત્ર ગુજરાતના જૂનાગઢ ફોરેસ્ટ રેન્જમાં છે. ત્યારે હવે બરડાની ટેકરીઓમાં પણ નાગરિકો-પ્રવાસીઓને ગુજરાતનું ગૌરવ સમાન ‘એશિયાઈ સિંહ’ નિહાળવા મળશે. હાલ ગુજરાતમાં અંદાજે 674 એશિયાઈ સિંહો છે અને હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બરડા વન્યજીવ અભયારણ્ય પણ સુરક્ષિત અને કુદરતી વસાહત તરીકે સ્થાપિત થશે.
તેમજ તેમણે વધુમાં જણાવ્યુ હતું કે બરડા વન્યજીવ અભયારણ્યમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ, વન્યજીવ તેમજ રંગબેરંગી સ્થાનિક અને યાયાવર પક્ષીઓને વિચરણ માટે જૂનું અને જાણીતું સ્થળ છે અને એની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે. બરડા વન્યજીવ અભયારણ્યનું વૈવિધ્યસભર નિવસન તંત્ર 368 વનસ્પતિ પ્રજાતિઓને આશ્રય આપે છે, જેમાં 59 વૃક્ષો, 83 છોડ, 200 ક્ષુપ અને 26 વેલાઓની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જ્યારે વનસ્પતિની 368 પ્રજાતિઓમાં, ક્ષુપનું પ્રમાણ સૌથી વધુ 54 % છે. ત્યારબાદ 23 % છોડ, વૃક્ષો 16 % અને વેલાઓ 09 %નો સમાવેશ થાય છે. વનસ્પતિઓમાં રાયણ બરડાની સૌથી મહત્વપૂર્ણ પ્રજાતિઓમાંની એક છે.
આ દરમિયાન લગભગ 14 દાયકા પછી આ જંગલના વિસ્તાર ફરી એક વખત એશિયાઇ સિંહોની હાજરીનું ગૌરવ અનુભવી રહ્યું છે. આ ઉપરાંત આ અભયારણ્યમાં કુલ 22 સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ માટેનું નિવાસસ્થાન છે, જેમાં સિંહ સિવાય દીપડા, જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી અને સસલા સામેલ છે. આ ઉપરાંત અભયારણ્ય હરણ, સાબર, ચિત્તલ,નીલગાય અને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓનું પણ વસવાટ કરે છે. તેમજ આ અભયારણ્યમાં પક્ષીઓની 269 પ્રજાતિઓનો સમાવેશ થાય છે.
સફારી પરમિટ મેળવવા માટે પ્રવાસીઓએ ટિકિટ બારી પર અગાઉથી બુકિંગ કરાવવું ફરજીયાત છે. તેમજ આગામી સમયમાં આ પરમિટ માટે ઓનલાઇન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ થશે, જેથી પ્રવાસીઓ વધુ સરળતાથી અને આગોતરું આયોજન કરી શકશે.