નવી સરકારના ગઠન બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક્શનમાં
બેઠકની ચર્ચાઓને ગુપ્ત રાખવા માટે નિર્ણય લેવાયો, મંત્રી અને અધિકારીઓને બેઠકમાં જતા પૂર્વે બહાર મોબાઈલ જમા કરાવવો પડશે
નવી સરકારના ગઠન બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જબરજસ્ત એક્શનમા આવ્યા છે. તેઓએ કેબિનેટ બેઠકમાં પણ મોબાઈલના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. જેને પગલે હવે મંત્રીઓ અને અધિકારીઓ કેબિનેટ બેઠકમાં મોબાઈલ નહીં લઈ જઈ શકે. બેઠકની ચર્ચાઓને ગુપ્ત રાખવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ગાંધીનગરમાં ભુપેન્દ્ર સરકાર ચાર્જ સંભાળતા જ નવા ફેરફારો કરી રહી છે. આજથી જ મુલાકાતીઓ માટે મંત્રીઓ હાજર રહેશે. બીજી બાજુ કોરોનાને લઈને સરકારે સચિવાલયમાં આવનાર તમામ મુલાકાતીઓ માટે માસ્ક ફરજિયાત પહેરવા સૂચના આપી દેવાઈ છે. ત્યારે મંત્રીઓ અને અધિકારીઓને પણ કેબિનેટની બેઠકમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. કેબિનેટની બેઠકમાં થતી ચર્ચાઓ ગુપ્ત રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં સરકારના મંત્રીઓની કેબિનેટની બેઠક થતી હોય છે.
જેમાં મંત્રીઓની ચર્ચાઓ પૂર્ણ થયા બાદ અધિકારીઓ પણ તેમાં ભાગ લેતા હોય છે. અત્યાર સુધી આ બેઠકમાં મંત્રીઓ અને અધિકારીઓ ફોન લઈને જતા હતાં. ચાલુ બેઠકમાં પણ મોબાઈલનો ઉપયોગ કરી શકતાં હતાં. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોઈપણ મંત્રી કે અધિકારી કેબિનેટની બેઠકમાં મોબાઈલ ફોન લઈને જઈ શકશે નહીં. તેમણે બેઠકમાં જતાં પહેલાં ફોન જમા કરાવવો પડશે. બેઠકમાં થતી ચર્ચાઓ ગુપ્ત રાખવા માટે આ નિર્ણય લેવાયો છે અને તમામ મંત્રીઓ તથા અધિકારીઓએ આ નિયમનું પાલન કરવાની સૂચના આપી દેવાઈ છે.
અધિકારીઓની જેમ મંત્રીઓ પણ આખું અઠવાડિયુ ચેમ્બરમાં હાજર રહેશે: માત્ર શનિ-રવિ જ રજા
લોકોના કામો ઝડપથી થાય તે માટે મંત્રીઓને સૂચના આપી દેવામાં આવી છે. આ માટે મંત્રીઓએ એક સપ્તાહ ગાંધીનગરમાં સચિવાલય ખાતે હાજર રહેવું પડશે. તેઓ માત્ર વિકેન્ડ એટલે કે શનિવાર અને રવિવારે પોતાના મત વિસ્તારમાં જઈ શકશે.
જો તેમને ગાંધીનગરમાંથી અચાનક બહાર જવાનું થાય તો મુખ્યમંત્રીનું ધ્યાન દોરવું પડશે. હવે કયા મંત્રી શું કરી રહ્યાં છે તેની પર પક્ષ અને સરકારની સીધી નજર હશે. લોકોના કામમાં ઢીલ હવે ચલાવી નહીં લેવાય એવી પક્ષ અને સરકારની સીધી સૂચના મંત્રીઓને આપી દેવામાં આવી છે.