વન-ડે વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ માટે આર અશ્વિનને ઈજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આર.અશ્વિને તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન ડેની શ્રેણીમાં શાનદાર દેખાવ કર્યો હતો અને આ વર્લ્ડ કપમાં તે ભારતની ભૂમિ પર ખુબ જ પ્રભાવશાળી સાબિત થઈ શકે તેમ મનાય છે.
ગૌહાટી ખાતે ઇંગ્લેન્ડ સામે ભારત કાલે વોર્મઅપ મેચ રમશે
ઇજાગ્રસ્ત અક્ષરની જગ્યાએ અનુભવી અશ્વિનને સ્થાન મળ્યું
એશિયા કપ 2023માં સુપર ફોર મેચ દરમિયાન અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થયો હતો અને તે પછી તે ભારત માટે કોઈ વન ડે મેચ રમી શક્યો નથી. જોકે તેને ટીમમાંથી બાકાત રાખવો એ મોટો ઝટકો છે કારણ કે તે ખૂબ જ શાનદાર સ્પિન ઓલરાઉન્ડર છે, જે ઘણી સારી બેટિંગ પણ કરી શકે છે. પરંતુ અનુભવી ઓફ સ્પિનર આર અશ્વિનનો ભારતીય ટીમમાં સમાવેશ ટીમની બોલિંગને વધુ મજબૂત બનાવશે.
15 સભ્યોની ભારતીય ટીમમાં 7 બેટ્સમેન, 4 ઓલરાઉન્ડર, 3 ફાસ્ટ બોલર અને 1 સ્પિનર
આર.અશ્વિન 2011, 2015ના વન ડે વર્લ્ડ કપમાં ભારત તરફથી રમ્યો હતો અને તે પછી 2019માં ઈંગ્લેન્ડમાં રમાયેલા વન ડે વર્લ્ડ કપમાં તેનો ભારતીય ટીમમાં સમાવેશ કરાયો ન હતો. હવે 8 વર્ષ બાદ ફરી એકવાર તે વન ડે વર્લ્ડ કપમાં રમતો જોવા મળશે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ મેચોની વનડે શ્રેણી માટે 21 મહિના પછી તેની ભારતીય વનડે ટીમમાં વાપસી થઇ હતી. પરત ફર્યા બાદ તેણે કાંગારુ ટીમ સામે બે મેચમાં 4 વિકેટ ઝડપી હતી અને રનને અંકુશમાં લેવાનું કામ કર્યું હતું. જાહેર થયેલી 15 સભ્યોની ભારતીય ટીમમાં 7 બેટ્સમેન, 4 ઓલરાઉન્ડર, 3 ફાસ્ટ બોલર અને 1 સ્પિનરને સ્થાન મળ્યું. એટલું જ નહીં આવતીકાલે ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમ ગોહાટી ખાતે પ્રેક્ટિસ મેચ રમશે જેમાં ખરા અર્થમાં પ્લેઇંગ ઇલેવન ને વિશ્વ કપમાં રમનાર ખેલાડીઓને જ આ મેચમાં ઉતારવામાં આવશે જેથી તેઓને યોગ્ય પ્રેક્ટિસ થઈ શકે.
વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ , વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.
આજે બાંગ્લાદેશ-શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અફઘાનિસ્તાન, પાક.-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ જામશે
5 ઓક્ટોબર 2023થી રમાઈ રહેલા વનડે વર્લ્ડ કપ પહેલા વોર્મ-અપ મેચો રમવાની છે, જે આજથી શરૂ થવા જઈ રહ્યા છે. પ્રથમ વોર્મ-અપ મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટીમાં રમાશે. પ્રથમ દિવસે કુલ ત્રણ વોર્મ મેચો રમાશે. બીજી મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે તિરુવનંતપુરમમાં અને ત્રીજી મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હૈદરાબાદમાં રમાશે. ટીમ ઈન્ડિયા 30 સપ્ટેમ્બરે ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ વોર્મ-અપ મેચ રમશે.વોર્મ-અપ મેચમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ સામે થશે. ભારતની પ્રથમ મેચ કાલે શનિવારના રોજ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
આ પછી ટીમની બીજી મેચ 3 ઓક્ટોબરે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે થશે. ભારતીય સમયાનુસાર મેચો બપોરે 2:00 વાગ્યાથી શરૂ થશે.વર્લ્ડ કપ પહેલા તમામ 10 ટીમો 2-2 વોર્મ-અપ મેચ રમશે. 29 સપ્ટેમ્બરથી શરૂ થનારી વોર્મ-અપ મેચો 3જી ઓક્ટોબર સુધી રમાશે. પહેલા અને છેલ્લા દિવસે 3-3 મેચો થશે, બાકીના બે દિવસે 2-2 મેચ રમાશે. વોર્મ-અપ મેચો માટે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ (ગુવાહાટી), ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ (તિરુવનંતપુરમ) અને રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ (હૈદરાબાદ) સહિત ત્રણ સ્થળોની પસંદગી કરવામાં આવી હતી.વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે.