રાજ્યમાં હવે શ્રમિક અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરાશે
શ્રમ અને રોજગાર મંત્રી મંત્રી બ્રિજેશ મેરજાનો સરાહનીય નિર્ણય : હવે ફરીથી માત્ર રૂ. 10માં શ્રમિકો પેટભરીને ભોજન કરી શકશે
અબતક, રાજકોટ : રાજ્યમાં શ્રમ કામ કરતા લોકો માટે ચાલતી શ્રમિક અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરાઈ રહી છે. શ્રમિકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 10 રૂપિયામાં શ્રમિકોને ટિફિન ભરી આપતી અને જમાડતી આ યોજના શ્રમિકો માટે આશીર્વાદરૂપ હતી. માત્ર દસ રૂપિયામાં રોટલી અથવા થેપલાં, શાક, અથાણું કે ચટણી અને લીલાં મરચાં આપવામાં આવતા હતા.
આ યોજના ભૂપેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ એક મહિનામાં ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે તારીખ 18 જુલાઈ, 2017ના રોજ ગુજરાતના જે બાંધકામ શ્રમિકો તેમજ તેમના પરિવારજનો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી. જોકે કોરોનાની મહામારીના કારણે દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનના પગલે શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા દોઢ વર્ષથી બંધ હતી.
પરંતુ છેક હવે જઈને જ્યારે રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા છે. અને રાજ્યમાં કોરોનાની બીજી વેવ બાદ કેસોમાં ઝડપી ઘટાડો આવી રહ્યો છે એ જોતા રાજ્ય સરકારે આ યોજનાને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મંત્રી બ્રિજેશ મેરજાનો આ નિર્ણય શ્રમિકો માટે મદદરૂપ સાબિત થશે.