જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પડેલા ભારે વરસાદે માત્ર ત્રણ દિવસમાં પાકનું ચિત્ર બદલી નાખ્યું: ખેડૂતોએ પાકને બચાવવા શું કરવું તેને લઇ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના તજજ્ઞ જી.આર.ગોહિલની ખાસ વાતચીત
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં જે રીતે વરસાદ વરસ્યો છે તેમાં માત્ર ત્રણ દિવસમાં પાકનું ચિત્ર બદલી નાખ્યું છે. ખાસ કરીને જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે ખુબ મોટો વિનાશ કર્યો છે. પાક તો એક તરફ ખેતરની માટીનું ખુબ મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. જે રીતે છેલ્લા બે દિવસમાં વરસાદ વરસ્યો છે તેને લઇને મોટાભાગના ખેતરોમાં પાણી પાણી થઇ ગયું છે. આ સંદર્ભે ‘અબતક’ દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના તજજ્ઞ જી.આર.ગોહિલનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, જે રીતે જૂનાગઢમાં વરસાદ વરસ્યો છે તેને લઇ પરિસ્થિતિ ખુબ ગંભીર બની છે. હવે આગામી એક સપ્તાહ જો વરાપ આવે તો જ ખરીફ પાકને 60 થી 70 ટકા જેટલો બચાવી શકાય તેમ છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં ખરીફ ઋતુમાં કુલ 3,13,735 હેકટર જમીનમાં તલ, સોયાબીન, કપાસ, શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું. છેલ્લા 25 દિવસથી જૂનાગઢ જિલ્લમાં વરસાદ સતત પડી રહ્યો છે. જે સૂર્ય પ્રકાશની છોડને જરૂર પડે તે ન મળવાના કારણે પાકનું ચિત્ર બગડી રહ્યું છે. એક તરફ ખેતરોમાં પાણી ભર્યા છે. તો બીજી બાજુ સૂર્યનારાયણના દર્શન દુર્લભ છે. જેના કારણે જૂનાગઢ જિલ્લામાં લીલો દુષ્કાળ ડોકિયા કરી રહ્યો છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયેલા છે. એટલે હવે મગફળીના પાકમાં ડોડવાને બદલે મૂળિયાં બાજી જવાથી પાકને ભારે નુકશાનની ભીતિ છે. કપાસનો પાક શુકાઈ જવાની પણ ભીતિ છે. જ્યાં ચિકાસવાળી જમીન છે ત્યાં કપાસના પાકમાં વધુ નુકશાન થઇ શકે તેમ છે. જો કે સોયાબીનના પાકને વધુ નુકશાન નહિ થાય.
વેરાવળ આજુબાજુના વિસ્તારમાં શેરડીના પાકનું વાવેતર થાય છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા હવે પાકમાં મૂળિયાં ફૂટશે જેના લીધે શેરડીના પાકની ગુણવતામાં ઘટાડો થશે.
કપાસના પાકને બચાવવા એમોનિયમ સલ્ફેડ ખાતરનો ઉપયોગ જરૂરી: જી.આર.ગોહિલ
કૃષિ યુનિવર્સીટીના તજજ્ઞએ જણાવ્યું હતું કે, જૂનાગઢ-ગીર-સોમનાથ જિલ્લામાં ખેતરોની પરિસ્થિતિ ખરાબ છે ત્યારે હવે વરસાદે વિરામ લીધો છે પણ હવે વરાપ નીકળવી ખુબ જ જરૂરી છે. પાણી સંપૂર્ણ રીતે નીકળ્યા બાદ ખેડૂતો કપાસના પાકમાં એમોનિયમ સલ્ફેડ ખાતરનો ઉપયોગ જરૂરી બન્યો છે. આ સિવાય ખેડૂતો જે રીતે પરિસ્થિતિ ઉભી થઇ છે તો તેઓ કૃષિ યુનિવર્સીટીની સલાહ લઈને આગળની કામગીરી કરે.