મિશન શક્તિ પછી મોદીના ભાષણ, મોદીની બાયોપિક ફિલ્મ અને સત્તા‚ઢ નેતાઓ દ્વારા કરવામાં આવેતા નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને ગણતરીના દિવસો જ બાકી છે અને બીજી બાજુ આચારસંહિતાનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પૂર્વ બ્યૂરોક્રેટ્સે રાષ્ટ્રપતિને પત્ર લખી ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ પર નિષ્પક્ષ ચૂંટણી લડાવવાની જવાબદારી હોવાની વાત કરી છે. પૂર્વ અધિકારીઓએ ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ સામે સવાલ પણ ઉભા કર્યા છે.
૬૬ જેટલાં પૂર્વ સરકારી અધિકારીએ આચારસંહિતાના પાલન પ્રત્યે ચૂંટણી પંચની કાર્યવાહી સામે સવાલ ઉભા કર્યા છે. ચૂંટણી પંચની ફરિયાદ કરતા પૂર્વ બ્યૂરોક્રેટ્સે તેમના પત્રમાં લખ્યું છે કે, ’ઓપરેશન શક્તિ’ દરમિયાન એન્ટી સેટેલાઈટ મિસાઈલના સફળ પરિક્ષણ પછી વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું, નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપિક ફિલ્મ, વેબ સિરીઝ અને બીજેપીના ઘણાં નેતાઓના વાંધાજનક ભાષણનો પણ ઉલ્લેખ કર્યો છે. જે વિશે ચૂંટણી પંચને કરવામાં આવેલી ફરિયાદ પછી પણ માત્ર દેખાડાની કાર્યવાહી કરી છે.
સત્તાનો દૂરઉપયોગ: રાષ્ટ્રપતિ કોવિંદને પત્ર લખનારમાં પૂર્વ વિદેશ સચિવ શંકર મેનન, દિલ્હીના પૂર્વ ઉપરાજ્યપાલ નજીબ જંગ, પંજાબના પૂર્વ ડીજીપી જુલિયા રિબેરો, પ્રસાર ભારતીના પૂર્વ સીઈઓ જવાહર સરકાર અને ટ્રાઈના પૂર્વ ચેરમેન રાજીવ પુલ્લર જેવા પૂર્વ બ્યુરોક્રેટ્સ સામેલ છે. આ પૂર્વ અધિકારીઓ તરફથી લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સત્તારુઢ પક્ષ અને કેન્દ્ર સરકાર તેમની શાખનો દૂરુપયોગ મનમાની રીતે કરી રહ્યા છે અને આચાર સંહિતાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. તેમના આવા ઈચ્છા પડે એવા વર્તનથી સ્પષ્ટ દેખાય છે કે ચૂંટણી પંચ માટે તેમના મનમાં કોઈ માન નથી.
પૂર્વ અધિકારીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખતા પહેલાં આ વિશે ચૂંટણી પંચને પણ પત્ર લખીને આચારસંહિતાના ઉલ્લંઘનને રોકવાની વાત કરી હતી. આ પત્રમાં તેમણે મોદીની બાયોપિક ફિલ્મ સહિત અન્ય મુદ્દાઓ ઉપર પણ ચિંતા વ્યક્ત કરી હતી. હવે આ જ ફરિયાદ તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને કરી છે. ચૂંટણી સર્વેક્ષણ અને ભવિષ્યવાણી પર પ્રતિબંધ: આ દરમિયાન ચૂંટણી પંચે આદેશ જાહેર કરીને ૧૧ એપ્રિલથી શરૂ થતી લોકસભા ચૂંટણીના પહેલાં તબક્કાથી લઈને છેલ્લા તબક્કા સુધી મીડિયા સંસ્થા અને જ્યોતિષોને ચૂંટણી વિશે ચૂંટણી સર્વેક્ષણ અને ભવિષ્યવાણી કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી પંચ તરફથી સોમવારે જાહેર કરવામાં આવેલા આદેશ પ્રમાણે ૧૧ એપ્રિલે સવારે સાત વાગે પહેલાં તબક્કાનું મતદાન શરૂ થશે અને ૧૯ મેની સાંજે ૬ વાગે સાતમાં તબક્કાનું મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ભવિષ્યવાણી, ચૂંટણી સર્વેક્ષણ અને ચૂંટણી પરિણામ વિશે આગાહી ન કરવી.