એફોર્ડેબલ હાઉસિંગ માટે જંત્રી દરમાં ઘટાડો: જરૂરિયાતમંદ લોકો માટે વધુ ને વધુ મકાનો બને તે દિશામાં પગલુ
રાજયભરમાં બાંધકામનાં નિયમોનું સરળીકરણ કરતાં રાજય સરકારે નવા કોમન જીડીસીઆરમાં અનેક પ્રકારે રાહતોની જોગવાઇ કરી છે, જેનાથી સામાન્ય નાગરિકો તથા બિલ્ડરોને પણ ફાયદો થશે.
નવા જીડીસીઆરનું ગેઝેટ પ્રસિધ્ધ થઇ ગયું છે અને ૨૭૫ પાનાનું ગેઝેટ તમામ મહાનગરપાલિકાઓ તથા સત્તામંડળોને મોકલી દેવાયુ છે. આ માહિતી આપતાં મ્યુનિ. ટીડીઓ ખાતાનાં સૂત્રોએ કહયું કે, અગાઉ ૫૦૦-૬૦૦ મીટરનાં પ્લોટમાં પાર્કિંગની સુવિધા માટે ભોંયરાની મંજૂરી આપવામાં આવતી નહોતી. પરંતુ હવે નવા કોમન જીડીસીઆર અંતર્ગત ૫૦૦ મીટરનાં પ્લોટમાં પણ ભોંયરાની મંજૂરી મળશે, પણ તેમાં ટૂ વ્હીલ પ્રકારનાં વાહનો જ પાર્કિંગ કરી શકાશે તેવી જોગવાઇ કરવામાં આવી છે. જેનાથી પાર્કિંગની સમસ્યા હળવી બનશે. તેવી જ રીતે ૩૬ મીટરનાં રસ્તા ઉપર ૭૦ મીટરની ઉંચાઇ સુધીનાં બાંધકામને મંજૂરી આપવામાં આવશે અને ૨૫ મીટરની હાઇટ સુધીનાં હોલો પ્લીન્થ પ્રકારનાં બાંધકામોમાં હોલો પ્લીન્થની જગ્યાનો પાર્કિંગ તરીકે જ ઉપયોગ કરવામાં આવશે તો એફએસઆઇમાં લાભ આપવામાં આવશે.
લગભગ એક માળ વધુ બનાવી શકાશે તેમ સૂત્રોએ અર્થઘટન કર્યું હતું. તેવી જ રીતે નાના પ્લોટમાં મકાન બનાવવુ હોય તો પણ નિયમ મુજબ માર્જીન છોડવામાં આવે તો બાંધકામ નાનુ થઇ જતુ હતું. આ સમસ્યા અંગે થયેલી રજૂઆતોને ધ્યાને લઇ રાજય સરકારે નાના પ્લોટમાં મકાન બાંધનાર માટે ત્રણ બાજુએ દોઢ દોઢ મીટર જગ્યા છોડવાની જોગવાઇ કરી નાના પ્લોટ ધરાવનારને રાહત આપી છે.