‘સલામત અને સુરક્ષિત ગુજરાત’ કાર્યક્રમ અંતર્ગત પીપીપીથી જુલાઈ માસના અંતથી આ યોજના હાથ ધરાશે: આવતા સપ્તાહે વિધિવત્ જાહેરાત કરાશે
રાજયના મોટા શહેરોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કારણે ગુન્હાઓને ઉકેલવામાં મદદ મળી છે. તથા ટ્રાફીકના નિયમોના થતા ભંગમાં ઘટાડો થયો છે. જેથી, રાજય સરકારે ‘સલામત અને સુરક્ષીત ગુજરાત’ યોજના હેઠળ હવે રાજયના ૪૧ નાના શહેરો અને ગામોનાં રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે. આ યોજનાની વિગતવાર માહિતી આવતા સપ્તાહમાં રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવનારી છે.
કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્દઢ બનાવવા અને ગુનાઓના ડિટેકશન અને ટ્રાફીકના નિયમનના ભંગ કરનારાઓ સામે આકરી કાર્યવાહી માટે રાજય સરકાર દ્વારા રાજયમાં નાના શહેરો અને ગામડાઆને પણ સીસીટીવી કેમેરાના નેટવર્કમાં આવરી લેવાની તૈયારી કરી રહ્યું છે.
રાજય સરકારે ૪૧ નાના શહેરો અને ગામોના રોડને સીસીટીવી કેમેરા નેટવર્કમાં આવરી લેવાનું નકકી કર્યું છે. આ નેટવર્કમાં ગુજરાતનાં અનેક સ્થાનોને આવરી લઈ સલામત અને સુરક્ષીત ગુજરાતનું સપનુ પૂરુ થશે.
રાજયના ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાને સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે. હવે સલામત ગુજરાતનો પ્રોજેકટ હાથઉપર લેવાશે અમદાવાદમાં ૩૩૦૦ કેમેરાઓ દરેક ટ્રાફીક પોઈન્ટ ઉપર લગાવવામાં આવ્યા છે હવે નાના શહેરો અને ગામડાઓને આવરી લેવામા આવશે પ્રથમ તબકકામાં નાના શહેરોને ૮૦૦૦ કેમેરા લગાવવામાં આવશે. બીજા તબકકામાં ૪૧ શહેરો અને ગામડાઓમાં ૧૭૦૦૦ કેમેરા લગાવવામાં આવશે. આ નેટવર્ક ટ્રાફીક વ્યવસ્થા ઉપરાંત મહિલા અને બાળ વિરોધી ગુનાહો અને ટ્રાફીક નિયમને ભંગ કરનારને ઈમેમો માટે ઉપયોગમાં આવશે.
ગુજરાત પોલીસના અધિકારીએ આ અંગે જણાવ્યું હતુ કે ઘણા રાજયોનાં અનેક શહેરોમાં રસ્તાઓ પરનાં સીસીટીવી કેમેરા દ્વારા નિરીક્ષણ થઈ રહ્યું છે. પરંતુ ગુજરાત પહેલુ રાજય બનશે કે જયાં મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરા લગાવીને શહેરી, અર્ધશહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કાયદા અને વ્યવસ્થાનું નિરીક્ષણ થઈ રહ્યું છે. આ કેમેરા ટ્રાફીકનું સંચાલન સરળ બનાવવાની સાથે સાથે શેરીઓમાં મહિલા અને બાળકોને ટારગેટ રાખીને થતા ગુન્હાઓને ઉકેલવામાં મદદરૂપ બનશે. આ કેમેરા દ્વારા અર્ધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રાફીકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને ઈ મેમા પણ આપી શકશે. તેમ જણાવીને આ પોલીસ અધિકારીએ અંતમાં ઉમેર્યું હતુ કે સલામત અને સુરક્ષીત ગુજરાત યોજના કે જે પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ એટલે કે પીપીપીથી ચાલી રહી છે. તેના દ્વારા આ યોજનાને કાર્યરત કરાશે આ માટે દરેક સ્થાનો પર કમાન્ડ અને ક્ન્ટ્રોલ રૂમ ઉભા કરાશે જયાંથી સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ કરાશે આ કોઈ ગુન્હાના સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસ કે અન્ય તપાસનીશ એજન્સી માંગશે તો તેમને આપી શકાશે.