હજુ હમણાં જ હોળી ગઇ અને વાતાવરણમાં ફેલાયેલાં કિટાણુઓનો વિનાશ કરીને એ જાણે ઠંડા પવનની લહેરખીને પણ પોતાની સાથે જ લેતી ગઇ હોય એમ ગરમીની શરૂઆત થઇ ગઇ હતી. રોજ રોજ હવામાં બફારો અને સૂર્યનો અસહ્ય તડકો બધું જ સહન કરીને બધા જ પોતાના રોજિંદા કાર્યો જોરોશોરથી કરી રહ્યાં હતાં. ૧૯૧૯નું વર્ષ હતું. હું બાર વર્ષનો થયો હતો. આ સમયે વતન માટે આઝાદી મેળવવાની લડત સતતને સતત ચાલુ હતી. લોકોમાં ફેલાયેલી જાગૃતિ અને જુનુન જોઇને લાગતું હતું કે બસ અલ દિલ્લી દૂર નહિં હૈ, એટલે કે આઝાદી હવે બસ થોડા જ સમયમાં મળી રહેશે. અંગ્રેજોનાં અત્યાચારોમાંથી દેશ જલ્દી જ મુક્ત થશે. લોકોમાં આવી જાગૃતિ ફેલાઇ એ બાબતે તો હું ખૂબ ખુશ હતો, પરંતુ એનાથીય વધુ મને એ બાબતનો આનંદ હતો કે આઝાદી પ્રત્યેની નિષ્ઠા રાખી લોકોનાં મનમાં આઝાદીનાં બીજ રોપવામાં મારા પિતા ખૂબ કારગત નીવડ્યા હતાં.
હા, મારા પિતા એક ક્રાંતિકારી હતાં. વતન માટે મરી મીટવું એ એમનાં ખૂનમાં જ હતું. એમણે દેશ માટે પોતાનું ગૃહસ્થ જીવન કુરબાન કર્યું હતું. જો કે મારી બાને તેમાં કોઇ જ પરેશાની ન હતી. એ મારા પતિને પૂરેપૂરો સાથ આપતા. મારી બા એના ચહેરા પર ચાંદ શી શીતળતા હતી, આંખોમાં ભરપૂર મમતા અને સ્નેહ હતો એને મારી માટે અને ચહેરા પર કાયમ વતન માટે કશું કરી છૂટ્યાની લાગણીની આભા વરસતી રહેતી. એનું સ્મિત મક્કમ હતું. મારી બા ખૂબ મહેનત કરતી. પિતા તો હું નાનો હતો ત્યારે જ મને છોડીને દેશની સેવા કરવા ચાલ્યા ગયા હતાં. એ ક્યારેક ક્યારેક અમને મળવા આવતા અને ક્યારેક અમે એમને મળવા જતા. મોટા ભાગે એ પોતાનો દહાડો ક્રાંતિકારીઓ સાથેની મીટીંગમાં કે દેશમાં જાગૃતિ ફેલાવવાનાં પ્રચાર પ્રસારમાં જ સંડોવાઇને કાઢતા. એમને ઘરની કોઇ ચિંતા રહેતી પણ નહીં કારણ કે મારી બા બધું જ સાચવી લેતી. મારા ઘરે બે ભેંસ હતી, મારી બા રોજ સવારે એનું દૂધ દોહતી અને આસપાસ તેને વહેંચી આવીને થોડા પૈસાથી ચારો અને થોડા પૈસા ઘરવખરી લાવીને અમારું ગુજરાન ચલાવતી. ક્યારેક પિતા મળવા આવે તો ઉભી કરેલી બચતમાંથી બે સારી વાનગીઓ બનાવીને અમને ખવરાવતી. મારા પિતા એને કહેતા કે તું ખરેખર મારી ગૃહલક્ષ્મી છે. ઘણી વખત પિતા ઘરની પરિસ્થિતિ વિશે પૂછતાં પણ બા ક્યારેક ખાવાનુંય ન હોય તો પણ એમને જાણ સરખી ન થવા દેતી, મારી બા…..
આજે પણ મારી બા ભેંસોનું દૂધ દોહતી બેઠી હતી. સવારનાં છ વાગ્યા હતા. છ વાગ્યામાં પણ ચારે તરફ સૂરજની રોશની પ્રસરી ગઇ હતી. હું કાયમની જેમ બાજુવાળા લીલા કાકીનાં જામફળ તોડવા ઉપર ચડ્યો હતો. મારી બા અને લીલા કાકી બંને મારા આ કૃત્યથી ત્રાસ્યા હતાં. અમારા ઘરની બાજુમાં એક જ દિવાલની પેલે પાર લીલા કાકીનું ઘર હતું. તેના ઘરમાં જામફળનું મોટું ઝાડ હતું. આખો શિયાળો મેં મીઠા, રસીલાં જામફળ તોડીને ખાધાં હતાં. લીલા કાકી કેટલીય વાર ખિજાયાં, મારી બાએ તો મને સજારૂપે એકવાર અંધારિયા ઓરડામાં પણ પુરેલો પણ શું કરું ? રોજ સવારે પેટામાં ઉઠતાં ઊંદરડાનાં શોર સાથે મને એ મીઠા મીઠા લાલ લાલ જામફળ એટલી હદે લલચાવતા કે અત્યારે હું એ ખાઇને પછીથી કોઇ પણ સજા ભોગવવા માટે તૈયાર રહેતો. હું સીધું જ અમારા ઘરની દિવાલ પર ચડીને ત્યાંથી જ લીલા કાકીના ઝાડ પર ચડી જતો. આખરે કંટાળીને એક દિવસ લીલા કાકીએ અમારા બંને ઘર વચ્ચે આવેલી ચાર ફૂટની દિવાલને દસ ફૂટ ઊંચી કરાવી દીધી પછી તો શું ? એક દિવસ, બે દિવસ, ઝાડમાં લટકતા મોટા મોટા જામફળ મને એટલું તો લલચાવતાં કે હું ગામમાં ક્યાંકથી શોધીને લાકડીઓ લાવતો, લંગરિયાં ફેંકતો અને ક્યારેક તો મોટો પથ્થર પણ ફેંકતો.
સદ્નસીબે કોઇને વાગ્યું ન હતું પણ મને આ કાંડ કરવા બદલ રોજ મારી બા ની એક ચપાટ પડતી અને ક્યારેક તો ખાવાનુંય ન મળતું. શું કરું ? બાળકનું મન હતું ને મારું એટલે હું રહી જ ન શકતો. એક દિવસ મેં હિંમત કરીને ઊંચી દિવાલ ચઢવાનો પ્રયત્ન કર્યો, સાત દિવસ, માત્ર દિવસમાં હું ઊંચી દિવાલ ચડતા શીખી ગયો ત્યારબાદ લીલા કાકીનો ફરી એ જ મને દાટી મારવાનો અને મારી બાની આગળ મારી લવારી ફુંકવાનો સિલસિલો ચાલું જ રહ્યો. આજે પણ હું ઝાડ પર ચડ્યો હતો. ધીમે ધીમે સુકાઈ જતાં પાંદડાંઓની વચ્ચે એકાદ જામકુળ મળે તો તે શોધવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે જ મારી બાએ સૂર ફેંકયો, “અલ્યા, ક્યાં મરી ગયો ? એ પિન્ટ … ” હું વાંદરાની માફક ફટાફટ, દિવાલ ઉતરીને મારા ઘરનાં પ્રાંગણમાં કૂદ્યો.” હે બા ….. મેં કહ્યું.”તું ફરી પાછો લીલાનાં ઝાડ પર ગયો ? રોજ રોજ તારી બા ને લીલા સામે લજાવે છે, તને શરમ જેવું કશું છે કે નથી ? મારી બા ગુસ્સે થવાની પૂરી તૈયારીમાં હતી.”અરે બા મારી હું ખાલી જોવા ગયો હતો કે જામફળ છે કે નહીં. જો આજે આ એક જ મળ્યું એ પણ અડધું સડી ગયેલું છે. મેં મોઢું નીચું રાખીને મારી બા સામે લાડ કરવાનો પ્રયત્ન કર્યો હજુ મારી બા મારા કાન ખેંચવા આવે ત્યાં તો અમારી ડેલીએ કોઈએ જોરથી હાથ માર્યો, “હાલ્ય જલ્દી કરજો. એમ ગૂંજતો એક અવાજ આમરી ડેલીએથી પસાર થઈને બીજી, ત્રીજી અને આજુબાજુની કેટલીય ડેલીએ અથડાતો સંભળાયો.
હું વાતને સમજુ એ પહેલાં મારી બાએ મને અંદર જઈને તૈયાર થવાનો ઇશારો કર્યો, જ્યાં સુધી બધું કામ પરવારીને અમે બહાર ન નીકળ્યા ત્યાં સુધી મારી બાએ મને કશું જ નહતું કહ્યું પછીથી એણે ખુલાસો કર્યો કે જે રોલેટ એક્ટ પસાર થયો છે, તેનો વિરોધ કરવા માટે જલિયાવાલા બાગમાં સભા ભરાવાની છે, જેના માટે એમને આમંત્રણ મળ્યું હતું પરંતુ ખરી વાત તો એ હતી કે આ બહાને મારી બા મારા પિતાને મળવા ઇચ્છતી હતી, એ છેલ્લા છ મહિનાથી એમને નહતી મળી, એ જીવે છે કે સ્વર્ગે સિધાવ્યા એનો પણ અમને ખ્યાલ નહતો. મારા પિતાને મળવાનો એક આશરો લઈને, મારો હાથ પકડીને મારી બાએ બાગ તરફ ઝટપટ ચાલતી પકડી.
એ સૂકું, વૈરાન જલિયાવાલા બાગ મને કયારેય ગમ્યું નથી. મને તો એમ થતું કે લોકો એને બાગ શું કામ કહેતા હશે ? એક તો ચારે તરફ મોટી મોટી દિવાલો, આવવા જવા માટે સાંકળી શેરીમાંથી પસાર થઈને જવાનો એક જ રસ્તો. બીજા અન્ય કમાડો ખરા પણ સાવ નકામાં કારણ કે ત્યાં તો હાથી જેવાં તાળાં મારેલાં. ચારે તરફથી બંધ, વળી વચ્ચે બે મોટા કૂવા પણ, ન કોઈ ઘાસ, ન કોઈ ઝાડ કે ન કોઈ ફૂલની સુંગંધ નાકે આવે….! આ બાગ નહીં જેલ હતી એવું મને ક્યારેક ક્યારેક લાગતું પણ આજે હું મારી બા સાથે જ્યારે અંદર ધસ્યો ત્યારે ચારેકોર હસતા ખિલખિલાટ કરતાં ચહેરા જોઈને મને અત્યંત આનંદ થયો, મારી બા જેવી અનેક સ્ત્રીઓ પાસે ગોદમાં સમાઈ જાય તેવા બાળકો જે ખીખિયાટા કરતા હતાં એ બાગની દિવાલોને અથડાઈને પાછા સંભળાતા હતા. ક્રાંતિનાં અવાજની વચ્ચે કેટલાય સમય પછી મળેલા બે પ્રેમીઓનાં શોર પણ ખૂબ મધુરા હતા. મારી બાએ પણ પૃચ્છા કરી. ચોક્કસ મારા પિતા વિશેની જ. ત્યાં કોઈ બાનાં જાણીતા ગોવર્ધનજી હતાં. બે ઘડી ગોવર્ધનજી સાથે વાત કર્યા પછી મારી બાનો ચહેરો ઉતરી ગયો, તરત જ મારી બાએ ફરીથી એ જ મક્કમ સ્મિત ચહેરા પર ધરી દીધું અને ત્યાં ઉભેલા બધાંની જેમ એક પથ્થર પર ચડીને આગેવાની કરનાર એક ક્રાંતિકારીની વાત સાંભળવામાં એ મરાગૂલ થઈ ગયા.
ઘડી બે ઘડી પસાર થઈ. જાણે તુકાન પહેલાની શાંતિ હોય એવી ભયંકર શાંતિ ફેલાઈ અને તે શાંતિનો ભંગ અંગ્રેજ સૈનિકોનાં ટપ ટપ કરતાં બુટોએ તોડયો. હજુ કોઈ કશું સમજે એ પહેલાં તો જલિયાવાલા બાગમાં ચારે દિશામાં ટપ ટપ અવાજ સાથે સૈનિકો ગોઠવાઈ ગયા, ઉપરથી બાગની અંદર આવવા જવા માટેનાં એક સાંકળા રસ્તા પર જનરલ ડાયરે તોપ ગોઠવી દીધી. સૌ સ્થિર હતા. સૌ જાણતા હતા કે હવેની ઘડી કાળ શું લઈને આવવાનો હતો છતાં કોઇ જ પોતાનાં સ્થાનેથી હલતું નહતું. પથ્થર જેવા જડ બની ઉભા હતા સૌ કોઇ, મેં મારી જિંદગીમાં એકસાથે આટલી બંદૂકો, આટલા સૈનિકો અને ખાસ
કરીને આ મોટી તોપ પહેલી જ વખત નજર સામે જોઇ હતી. હું તો મારી બાની પાછળ જ લપાઇ ગયો હતો અને ત્યાંથી ડોકાં તાણીને આ બધું જ જોતો હતો. ફરી અચાનક સૈનિકોનાં પગલાંનો ટપ ટપ અવાજ આવ્યો અને આ વખતે એ અવાજ પૂરો થયા બાદ જનરલ ડાયરે અંગ્રેજી ભાષામાં બળબળતો હુકમ કર્યો અને બસ ઘડી ભરમાં જ બંદૂકમાંથી એક પછીએક નીકળતી ગોળીઓનાં ધમાકાઓથી આખું વાતાવરણ હચમચી ઉઠ્યું. થોડી ઘણો પહેલા જડ જેવા ઉભેલા લોકો અહીંથી તહીં ભાગાદોડી કરવા લાગ્યા. કોઇ લોખંડનાં બંધ દરવાજા પર લટકતું તો કોઇ, મોટી મોટી દિવાલો પર ચઢવાનો પ્રયત્ન કરતું પરંતુ હકીકત તો એ હતી કે અંગ્રેજી સૈનિકો જ્યાં ગોઠવાઇને બેઠા હતાં એની નીચે બંદૂકમાંથી છૂટેલી ગોળીઓનાં જે ઢગલા થતા હતાં એનાથી કોઇ જ બચી નહતું શક્યું. કોઇ કોઇ તો ત્યાં આવેલા કુવાઓમાં કૂદી પડ્યા, જાણે અંગ્રેજી ગોળીઓથી હડધૂત થવાને બદલે એ આત્મસમર્પણ કરવામાં વધુ મહાનતા માનતા હતા.
તમે પણ કવિતા, સ્વરચિત ગીત, ગઝલ કે કથા, ટૂંકીવાર્તા લખવાના શોખીન હોવ તો તમારા દ્વારા રચિત કન્ટેન્ટ અમને અમારા ઈ-મેઈલ એડ્રેસ [email protected] પર મોકલી આપશો. જેને તમારા નામ સાથે અમે અમારા પ્લેટફોર્મ પર મૂકીશું. તમારી આવડત, કૌશલ્ય, કળા-કૃતિને અમે ઉજાગર કરીશું.
મારી બા પણ મને લઇને અહીંથી તહીં અંધાધૂંધીમાં ભાગી રહી હતી પછી અચાનક કોણ જાણે એને શું યાદ આવ્યું કે એ મને દિવાલ તરફ ઘસીને લઇ ગઇ. હજુ અમે દિવાલ સુધી પહોંચીએ તે પહેલાં તો મારી બા ને પહેલા પગમાં, પછી પીઠમાં, પછી પેટમાં અને આખરે છાતી પર એમ એકાએક ચાર ચાર ગોળીઅ વાગી. મને પેટમાં ફાળ પડી. આક્રંદ કરવા માટે મોં ખોલ્યું તો જાણે ગળામાંથી અવાજ જ નહતો બહાર આવતો, અર્ધ ખુલ્લા મોં એ હું જડની જેમ ઉભો હતો ત્યારે મારી બાએ ઘવાયેલી હાલતમાં પણ મને જવાનો ઇશારો કર્યો, હું સમજી જ નહતો શકતો કે એ શું કહી રહી છે અથવા એમ કહો કે મને એવું ભાન જ નહતું કે એ જે કહી રહી હતી એ મને સમજાય, ચારેતરફ બંદૂકમાંથી નીકળતી ગોળીઓની ધડાધડ સંભળાતી હતી, માર બા ધીમે ધીમે મોતનાં મુખમાં ધકેલાતી હતી અને હું કશું જ કરી શકવાનો નહતો.
બા સતત મને ઇશારો કરી રહી હતી, હું ન સમજ્યો એટલે એણે માંડ કરીને પોતાનો હાથ ઊંચક્યો અને મને દિવાલ તરફ ઇશારો કર્યો, રૂરૂધાતા કંઠે એ માંડ છેલ્લો શબ્દ બોલી, “જા…મ…ફફ..ળ અને બસ એ જ ઘડીએ એણે આંખો મીંચી દીધી. હું એનો ઇશારો સમજી ગયો હતો. વાંદરાની જેમ દિવાલ ચઢવાની મારી આવડત વિશે એ જાણતી હતી અને ઇચ્છતી હતી કે હું અહીંથી બચીને નીકળું. કશું જ વિચાર્યા વગર મેં મારી આવડતનું પ્રદર્શન કરવા માંડ્યુ, બાની આખરી ઇચ્છા પૂરી કરવા માટે મારી મરતી બાનેય મેં પાછળ છોડી દીધી હતી. દિવાલ ચઢી ગયો, બસ બીજી તરફ કૂદવા જ જતો હતો કે ત્યારે જ મારા નસીબ મોળાં પડ્યાં, એક સૈનિકે મારા તરફ ફાયરિંગ કરી અને તેની બંદૂકમાંથી છૂટેલી ગોળી સીધી જ મારા ડાબા હાથમાં ખૂંપી ગઇ. હું ધડામ કરતો નીચે પડી ગયો. જમણા હાથે મારો ડાબો હાથ દબાવીને પડ્યો રહ્યો.
કલાક થઇ. સદ્નસીબે મને એક જ ગોળી વાગી હતી. હું હજુ સુધી બા બા કરતો ત્યાં જ પડ્યો હતો. મેં થોડી વાર પહેલા જ સૈનિકોનાં પગલાંનો ટપ ટપ અવાજ દૂર જતો સાંભળ્યો હતો. ક્યાં સુધી અહીં મરવા પડ્યો રહીશ એ વિચારથી મેં ઉભા થવાનો પ્રયત્ન કર્યો. બાળક હતો એટલે હાથમાં વાગેલી એક ગોળી પણ મને ભારી પડી ગયેલી, આ તો મારા કુટુંબનાં ક્રાંતિકારી સંસ્કાર અને મારી બાએ મારા પેટમાં જબરદસ્તી નાખેલું દૂધ અને ઘી હતું જે હજુ સુધી મારી લાજ સાચવી બેઠેલું હતું. દિવાલનાં ટેકે માંડ કરીને હું બેઠો થયો. થોડી ક્ષણો પહેલા મારી સામે ખિલખિલાટ કરતા ચહેરાઓ વેરાન થઇ ગયા હતાં. ખીખિયાટા કરતાં નાનાં બાળકોનાં કૂદનનો અવાજ કાન ફાડી નાખે તેવો હતો. બધી જ દિશાઓ લોહીથી લથબથ હતી. એકસાથે ૧૯૫૦ રાઉન્ડ ગોળીઓ પંદર જ મિનિટમાં બધું ન હતું. એનાં મોઢા પર હજુ પણ એ જ મક્કમ સ્મિત હતું. હું ઘવાઇને મારી આસપાસ લાશોના ઢગલાં જોતો હતો. મારું અસ્તિત્વ શોધતો હતો ત્યાં મને ગોવર્ધનજી યાદ આવ્યા. થોડી ક્ષણો પહેલા જ એમને મારી બાને કહેલું કે મારા પિતા ક્રાંતિકારીઓની કોઇ પ્રાઇવેટ મીટીંગમાં ગયા હોવાથી અહીં હાજર ન્હોતા રહી શક્યા. મારી આંખ સામે થતા અંધારામાં મને અજવાળાનું એક કિરણ મળ્યું, પરંતુ થોડી ક્ષણો પહેલા જ મેં ગોવર્ધનજીને કૂવામાં કૂદતા જોયા હતાં. હવે શું ? મને જલિયાવાલા બાગ ન ગમવાનાં સરવૈયામાં વધુ એક કારણ ઉમેરાયું હતું અને હું એક હાથે મારો બીજો ધ્રૂજતો હાથ પકડીને રક્ત રંજિત થયેલા મારા ભવિષ્યને જોતો પડ્યો હતો…..!
-કામ્યા ગોપલાણી