- રાજકોટ પોલીસની ભીંસ વધતા જુગારીઓનો ઉત્તર ગુજરાત તરફ ડહોળો
- રૂ. 35.97 લાખના મુદ્દામાલ સાથે સંચાલક સહીત 19 ઝડપાયા
રાજકોટના કુખ્યાત રજાક સમા અને મહેબૂબ ઠેબાની ક્લબ પર થોડા દિવસો પૂર્વે જ રેઇડ પડ્યા બાદ બંને શખ્સોએ હવે ઉત્તર ગુજરાત તરફ ઘોડી પાસનો પાટલો માંડ્યો છે. મહેસાણાના એક ખેતરમાં ચાલતા ઘોડી પાસના જુગાર પર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂ. 35.97 લાખના મુદ્દામાલ સાથે સંચાલક સહીત 19ની ધરપકડ કરવામાં આવી છે. જયારે 11 શખ્સોને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
રાજકોટમાં અઠંગ જુગારીઓની યાદીમાં જેનું નામ મોખરે આવે છે તેવા રજાક સમા અને હબીબ ઠેબાએ મહેસાણાના ખેતરમાં ઘોડીપાસાનો જુગાર અડ્ડો શરૂ કરી દેતાં સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડતાં દોડધામ મચી જવા પામી હતી. જુગાર જ્યાં રમાતો હતો તે ખેતરમાંથી પોલીસે અડ્ડાના સંચાલક રજાક સમા સહિત 19 લોકોને દબોચી લીધા હતા જ્યારે 11 નાસી જવામાં સફળ રહ્યા હતા. અહીંથી પોલીસે 35.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રજાક-હબીબની જુગાર ક્લબમાં રમવા માટે રાજકોટ ઉપરાંત અમદાવાદ, મુંબઈ, જામનગર, જૂનાગઢથી આવ્યા હોવાનું ખુલ્યું છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના એડિશનલ ડીજી આર.બી.બ્રહ્મભટ્ટ, એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર.જી.ખાંટ સહિતની ટીમે મહેસાણાના કડી ગામે અહેમદ જમાભાઈ સીપાઈના ખેતરમાં દરોડો પાડીને રજાક ખમીશાભાઈ સમા (રહે.કોઠારિયા રોડ-રાજકોટ), પરાગ વલ્લભભાઈ વડેરા (રહે.અમદાવાદ), નરેન્દ્ર ભગવાનજી પુંજાણી (રહે.મુંબઈ), હિરેન શૈલેષભાઈ તન્ના (રહે.રાજકોટ), સોહિલ અશરફભાઈ બેલિમ (રહે.રાજકોટ), મોહસીન હબીબભાઈ કાઝી (રહે.કાલાવડ), રવિ હિરાભાઈ જગાડા (રહે.જૂનાગઢ), ઈર્શાદ બકરુદ્દીન શાહ (રહે.અંકલેશ્વર), કાળુ બહાદુરભાઈ કુકરેજા (રહે.મુંબઈ), ઈમરાન સલીમ કાઠી (રહે.જૂનાગઢ), હારુન હનિફભાઈ હાલા (રહે.જૂનાગઢ), આદમ હુસેનભાઈ હાલા (રહે.જૂનાગઢ), મયુર કાથડભાઈ મૈયડ (રહે.રાજકોટ), રાજેશ જયંતીભાઈ વાઘેલા (રહે.ગોંડલ), જયેશ શશીભાઈ સાતા (રહે. રાજકોટ), ગફાર આદમભાઈ સમા (રહે.રાજકોટ) અને અસલમ દાઉદભાઈ જાદવ (રહે.મહેસાણા)ને રૂ. 2.46 લાખની રોકડ, મોબાઈલ, 32.50 લાખના વાહનો સહિત રૂ. 35.97 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.
જ્યારે જુગારધામનો અન્ય સંચાલક હબીબ કાળુભાઈ ઠેબા (રહે.રાજકોટ), હૈદર પીરુભાઈ વાઘેલા, રફીક પીરુભાઈ વાઘેલા, મોહસીન ગુલાબભાઈ વાઘેલા, મહેબુબ (રહે.રાજકોટ) સહિતના 11 લોકો ફરાર થઈ ગયા હતા.
એસએમસીએ વહેલી સવારે સાત કિલોમીટર પગપાળા ચાલી પાડ્યો દરોડો
સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે, ખેતરમાં જુગાર રમાડવામાં આવે છે અને સુમસાન વિસ્તાર હોવાથી પોલીસની ગાડીઓ ખેતરમાં ઘૂસે તો કદાચ જુગારીઓને ગંધ આવી જાય જેથી પગપાળા 7 કિમી ચાલી રેઇડ કરવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમી મળ્યા બાદ મહેસાણાના કડી ગામે ખેતરમાં દરોડો પાડી મસમોટું જુગારધામ પકડી પાડ્યું હતું. અહીં આખી રાત જુગારધામ ચાલતું હોવાનું ધ્યાન પર આવતાં જ ટીમે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં દરોડો પાડ્યો હતો. જો કે જ્યાં જુગાર રમતો હતો તે ખેતર મુખ્ય રસ્તાથી અંદર સાતેક કિલોમીટર દૂર હોય પોલીસ પગપાળા ચાલીને જુગારધામ સુધી પહોંચી જતાં જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.
સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી 15 દિવસથી ધમધમતા જુગારધામ પર રેઇડ
મળતી માહિતી મુજબ મળ હબીબ-રજાકે 15 દિવસથી મહેસાણાના કડી ગામે ખેતરમાં જુગારધામ શરૂ કર્યું હતું. જો કે આટલા દિવસથી જુગાર રમાતો હતો અને મોટી સંખ્યામાં જુગારી આવતા હોવા છતાં સ્થાનિક બાવલુ પોલીસ અંધારામાં રહી જતાં તેની કોઈ ભૂમિકા છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે.
રાજકોટ ઉપરાંત અમદાવાદ, મુંબઈ, જામનગર, જૂનાગઢથી જુગારીઓ રમવા આવ્યા’તા
જુગારધામમાં ઝડપાયેલા 18 જુગારીઓમાં સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢના 13 જેટલાં શખ્સોનો સમાવેશ થાય છે. ઉપરાંત મુંબઈના બે, અમદાવાદનો એક, ભરૂચનો એક અને મહેસાણા એક જુગારીની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત 11 શખ્સોને ભાગેડું જાહેર કરવામાં આવ્યા છે જેમાં મહેબૂબ ઠેબાનો પણ સમાવેશ થાય છે.
તાજેતરમાં કમરકોટડા ખાતેથી મહેબૂબની જયારે વંથલી ખાતેથી રજાકની ક્લબ ઝડપાઈ હતી
તાજેતરમાં જ રાજકોટના જંગલેશ્વરના રજાક સમાની જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામે ધમધમતી ધોડી પાસાની જુગાર કલબ પર સ્થાનિક પોલીસને ઉધતી રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી જુગાર કલબના રાજકોટ સંચાલક,જુગાર રમવાની વ્યવસ્થા કરનાર વંથલી તાલુકાના શખ્સ ,જુનાગઢ ,ધોરાજી,જેતપુર,વંથલી અને કાલાવડના પંટરો મળી કુલ 12 શખ્સોની ધરપકડ કરી રોકડ 2.70 લાખ, 7 મોબાઇલ અને 6 વાહન મળી રૂપિયા 20, 41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે રાજકોટ જિલ્લાના સુલતાનપૂર પોલીસ સ્ટેશન હેઠળ આવતા કમરકોટડા ગામે રૂરલ એલસીબીએ રેઇડ કરીને 16.32 લાખની રોકડ સાથે, 53.71 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 28 જુગારીઓની ધરપકડ કરી હતી.