- ખુન કા બદલા ખુન: ભાડેર હત્યાકાંડમાં વધુ બે લોથ ઢળી
- સલીમ સાંધ હત્યાકેસમાં જામીન પર છુટેલ જિહાલ અને તેના પિતા રફીકની વાડી વિસ્તારમાં હત્યાથી જુનાગઢ પંથકમાં ખળભળાટ
- બે વર્ષ પૂર્વે ધુળેટીની રાત્રે થયેલી સલીમ સાંધની હત્યાનો બદલો લેવા પિતા-પુત્રને મોતને ઘાટ ઉતારી દેવાયા
જૂનાગઢ ન્યૂઝ : જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે મોડી રાત્રે ડબલ મર્ડરની ઘટના બની છે. જેમાં રવની ગામની સીમમાં કુખ્યાત પિતા-પુત્રની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે. રવની ગામની સીમમાં રહેતા રફીક આમદ સાંધ અને તેના પુત્ર જીહાલ સાંધની ગોળી ધરબી હત્યા કરવામાં આવી છે. હત્યાના બનાવ અંગેની જાણ થતા વંથલી પોલીસ અને ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગત તા. 8/3/2023 ધુળેટીની રાત્રે રવનીના સલીમ સાંધની છાતીમાં ગોળીઓ ધરબી હત્યા કરવામાં આવી હતી જે હત્યાનો હત્યાનો વેર વારવા પિતા-પુત્રની હત્યા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર રવની ગામના સલીમ સાંધની ગત તા. 8 માર્ચ 2023 ધુળેટીની રાત્રે હત્યા કરવામાં આવી હતી. જે હત્યાના ગુનામાં લતીફ અબ્દુલ સાંધ અને તેના કૌટુંબિક ભાઈ મુસ્તાક હનીફને પોલીસે પકડી પાડ્યા હતા અને રવની ગામે રહેતા જીહાલ સાંધને સલીમ સાંધ જે રસ્તેથી નીકળવાનો હતો તે રસ્તાની બાતમી લતીફ અબ્દુલ સાંધ અને મુસ્તાક દલને આપવાના ગુનામાં પોલીસે ઝડપી પાડ્યો હતો.
આ ગુનામાં હજુ થોડા મહિનાઓ પહેલા જ જીહાલ સાંધ જામીન પર છૂટ્યો હતો. ત્યારે સલીમ સાંધની હત્યાનો ખાર રાખી રાત્રિના સમયે બંને પિતા પુત્રને માથામાં ગોળી ધરબી હત્યા કરવામાં આવી છે. સલીમ સાંધના નજીકના લોકો દ્વારા જ આ પિતા પુત્રની હત્યા કર્યા હોવાનું પોલીસ જણાવી રહી છે. ત્યારે પિતા પુત્રની હત્યાના આ બનાવથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. હાલ પોલીસે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે અને જુનાગઢ પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મૃતકના સંબંધી હુસેનભાઇ સાંધે જણાવ્યું હતું કે, અમે વાડીએથી વારુ(ભોજન) કરી બીજી વાડીએ આવતા હતા. રફીક આગળ હતો અને તેની પાછળ જીશલો (જીહાલ) હતો. હું બંનેની પાછળ હતો. એવામાં જ ફાયરિંગ થયા હતા. રફીક અને જીહાલની હત્યા થઈ અને હું ત્યાંથી ભાગી ગયો હતો. અગાઉ સલીમની જે હત્યા કરવામાં આવી હતી તેમાં અમારો દીકરો જીહાલ હત્યાની મદદગારીમાં શામેલ હતો. સલીમની હત્યા બાદ અમારે દુશ્મની બંધાઈ હતી. અમારા દુશ્મનોએ જ પિતા પુત્રની હત્યા કરી છે. હાલ અમે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી રહ્યા છીએ.
દાયકા પૂર્વે કારની ટક્કરથી બે કુખ્યાત પરિવારો વચ્ચે રોપાયેલુ વેર થંભવાનું નામ જ નથી લેતું
વંથલી તાલુકાના રવની ગામે બે કુખ્યાત પરિવારો વચ્ચે દાયકા જૂનો વેર છે. આશરે 12 વર્ષ પૂર્વે જુસબભાઈ અને અબ્દુલભાઈની કાર વચ્ચે ટક્કર થઇ હતી. એવુ કહેવાય છે કે, અબ્દુલભાઈએ જાણી જોઈને માથાકૂટના ઇરાદે મંડળી રચી ટક્કર મારી હતી. જે બાદ સલીમ સાંધે અબ્દુલ સાંધ અને ભાડેર ગામના એક પટેલની હત્યા નીપજાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, જુસબભાઈ અને અબ્દુલભાઈ માસીયાઈ ભાઈઓ છે. જે બાદ બંને પરિવારો વચ્ચે સમાધાન પણ થઇ ગયું હતું. પરંતુ અબ્દુલ સાંધના પુત્ર લતીફે ધુળેટીની રાત્તે સલીમ સાંધની હત્યા નીપજાવી વેર વાળ્યો હતો. આ મામલામાં બાતમી આપમાન જીહાલ વિરુદ્ધ વેર બંધાતા બંને પિતા-પુત્રની હત્યા નીપજાવી દેવામાં આવી છે.
સલીમ સાંધની બાતમી આપવા બદલ જીહાલ અને રફીકને મોતને ઘાટ ઉતારી દેવાયા : DYSP નું નિવેદન
કેશોદ ડીવાયએસપી બી.સી ઠક્કરે જણાવ્યું હતું કે, વંથલી તાલુકાના રવની ગામે ડબલ મર્ડરનો બનાવ બનેલ છે. જેમાં રફિકભાઈ આમદભાઈ સાંધ અને તેના પુત્રની જિહાલ સાંધની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે. આ બનાવના કારણની જો વાત કરવામાં આવે તો ગત તા.8/3/2023 ના ધુળેટીની રાતે એક હત્યા થઈ હતી.જે હત્યામાં મૃતક જીહાલ સાંધે રવનીના સલીમ સાંધની હત્યાના આરોપીઓને બાતમી આપી હતી. જે બાબતનો ખાર રાખી પિતા પુત્રની હત્યા કરવામાં આવી છે. આ હત્યાની ઘટના મામલે વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.