ભોજનશાળામાં નોકરી મેળવવાના બહાને ઓઇલ મીલે આવી વણિક વૃધ્ધને ખોટી ફરિયાદમાં ફસાવી રૂ.૨૦ લાખ પડાવવાનું કાવતરૂ રચ્યાનો નોંધાતો ગુનો: બંને વિવાદાસ્પદ યુવતી સહિત પાંચની ધરપકડ
શહેરમાં છેલ્લા પાંચેક વર્ષથી રંગીન મિજાજીઓને ટાર્ગેટ બનાવી પૈસા પડાવવા પંકાયેલી અને અવાર નવાર વિવાદ સર્જી અનેકની આબરૂના ધજાગરા ઉડાવતી પાયલ બુટાણીએ ધોરાજીના વણિક વૃધ્ધને હનીટ્રેપમાં ફસાવી પોલીસમાં ફરિયાદ ન કરવાના બદલામાં રૂ.૨૦ લાખની માગણી કરી રૂ.૫૦ હજાર પડાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ધોરાજી પોલીસે બંને વિવાદાસ્પદ યુવતી સહિત પાંચની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીની આદર્શ સ્કૂલ પાસે આવેલી ક્લ્યાણ સોસાયટીમાં રહેતા અને જૂનાગઢ રોડ પર ઓઇલ મીલ ધરાવતા શરદભાઇ પ્રાણજીવનભાઇ દામાણીએ રાજકોટની પાયાલ બુટાણી, રીંકુ સીસોદીયા, જૂનાગઢના ઇમ્તીયાઝ હબીબ ગામેતી, જેતપુર નવાગઢના સલીમ ઠેબા અને લોધિકાના છાપરા ગામના નિમેશ જગદીશ કામાણી સામે બળાત્કારના ખોટા કેસમાં સંડોવી સમાજમાં બદનામ કરવા ધમકાવી રૂ.૨૦ લાખની માગણી કરી રૂ.૫૦ હજાર પડાવ્યા અંગેની ધોરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટના બિલ્ડર કમલેશ રામાણી સામે બળાત્કારની ફરિયાદ કરી વિવાદ સર્જવાના ગુનામાં સંડોવાયેલી પાયલ બુટાણી ધોરાજીમાં જૈન ભોજનાલય ચલાવતા શરદભાઇ દામાણીને ઘણા સમયથી ઓળતી હોવાથી રાજકોટની રીંકુ સીસોદીયાને ભોજનાલયમાં નોકરી અપાવવા અંગે જણાવ્યું હતું. શરદભાઇ દામાણીના જૂનાગઢ રોડ પર આવેલા ઓઇલ મીલે રીંકુ આવી હતી ત્યારે પોતે હાજર ન હોવાથી તે ઓઇલ મીલે આવી હોવાનું જણાતા શરદભાઇ દામાણી પોતાના ઓઇલ મીલે આવ્યા હતા. ત્યારે તેણીએ ભોજનાલયમાં નોકરી અપાવવા અંગે પાયલ બુટાણીએ વાત કરી હોવાથી આવી હોવાનું જણાવ્યું હતું.
આથી શરદભાઇ દામાણીએ ભોજનાલયમાં દિવસ દરમિયાન જ કામ હોય છે તેમ છતાં અત્યારે કેમ આવી તેમ પૂછતા તેણીએ પાયલ બુટાણી તોરણીયા ગામે જતી હોવાથી અહી કારમાં ઉતારી નોકરી અંગે વાત કરવા જણાવ્યુ હતું. થોડીવાર બાદ પોતાને લઇ જશે તેમ કહી ઓઇલ મીલમાં આવેલી ઓફિસ પાસે બહાર ખુરશી પર બેઠી હતી. તે દરમિયાન શારદભાઇ દામાણી પોતાની ઓફિસમાં જતા રહ્યા હતા. તેઓની પાછળ રીંકુ આવી હતી અને પોતાના મોબાઇલની બેટરી ઉતરી ગઇ હોવાથી ચાર્જ કરવા અંગે વાત કરી થોડીવાર ઓફિસમાં બેઠી હતી.
ત્યાર બાદ શરદભાઇ દામાણી પોતાની કારમાં રીંકુને ધોરાજીના સંતોષીમાં ગરબી ચોક સુધી કારમાં લઇ ગયા હતા ત્યાંથી તેઓ પોતાના ઘરે જતા રહ્યા બાદ પાયલ બુટાણીનો ફોન આવ્યો હતો અને તમોએ રીંકુ સીસોદીયા પર બળાત્કાર ગુજાર્યો છે. કહી પોલીસ ફરિયાદ કરવાનું અને જેલમાં મોકલવાની ધમકી દઇ તાત્કાલીક પ્રવિણભાઇ ગરબી ચોકમાં બોલાવતા શરદભાઇ દામાણી પોતાની કાર લઇને ત્યાં પાયલ બુટાણીને મળવા ગયા ત્યારે ત્યાં રીંકુ સીસોદીયા હાજર હતી.
પાયલ બુટાણી અને રીંકુ સીસોદીયાએ પોલીસમાં બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાવી સમાજમાં બદનામ કરવાની ધમકી દીધા બાદ રૂ.૨૦ લાખની માગણી કરી હતી. તેમજ પોતાને આ રકમમાંથી જૂનાગઢના ઇમ્તીયાઝ હબીબ ગામેતી, જતેપુલ નવાગઢના સલીમ ઢેબા અને લોધિકા છાપરા ગમના જગદીશ કામાણીને ભાગ આપવાનો હોવાનું કહ્યું હતું.
પાયલ બુટાણી અને રીંકુ સીસોદીયાએ સમાજમાં બદનામ કરવાની ધમકી દેતા ગભરાયેલા શરદભાઇ દામાણીએ પોતાની પાસે રહેલા રૂ.૫૦ હજાર આપી દીધા હતા અને રૂ.૧૫ લાખ આપશે તેવું કહી સમાધાન કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઇન્ચાર્જ પી.આઇ. મીઠાપરાએ પાયલ બુટાણી, રીંકુ સીસોદીયા, ઇમ્તીયાઝ ગામેતી, સલીમ ઠેબા અને જગદીશ કામાણીની ધરપકડ કરી પાંચેયને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.