જમીનના અનેક વિવાદમાં અને મારામારીમાં સંડોવણી હોવાથી પિસ્તોલ સાથે રાખ્યાની કબુલાત: સ્કોર્પિયો, બે મેગ્જીન, 11 ગોળી, પિસ્તોલ અને મોબાઇલ મળી રુા.10.98 લાખનો મુદામાલ ક્બ્જે
પિસ્તોલ કયાંથી લાવ્યો અંગેની વિશેષ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ
શહેરની ભાગોળે રોણકી વિસ્તારની જમીનમાં પેશ કદમી કરી, ખેડુતો અને બાંધકામના ધંધાર્થીઓ પાસેથી ખંડણી પડાવવા ધાક ધમકી સહિત અનેક ગુનામાં સંડોવાયેલા પોપટપરાના કુખ્યાત ભરત કુંગશીયાને લોલેડ પિસ્તોલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પિસ્તોલ કયાંથી લાવ્યો તે અંગે વિશેષ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોપટપરા શેરી નંબર 12-5માં રહેતા ભરત રઘુ કુંગશીયા પોતાના જી.જે.3એમઆર. 4927 નંબરની સ્કોર્પિયો કારમાં રોણકીની સીમમાં આવેલી અતિથી દેવો ભવ હોટલ પાછળ વાડીએ લોડેડ પિસ્તોલ સાથે આવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. બી.ટી.ગોહિલ, પી.એસ.આઇ. એ.એન.પરમાર, એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર, રણજીતસિંહ જાડેજા અને મોહિલરાજસિંહ ગોહિલ સહિતના સ્ટાફે ગત રાતે ભરત કુંગશીયાની વાડીએ દરોડો પાડી લોડેડ પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો.પિસ્તોલમાં લોડ કરેલા મેગ્જીનમાં પાંચ કાર્ટીસ અને જી.જે3એમઆર. 4927 નંબરની સ્કોર્પિયોના ડેસ્ક બોર્ડમાં રાખેલા બીજા મેગ્જીનમાં પાંચ કાર્ટીસ મળી કુલ 11 કાર્ટીસ મળી આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે ભરત કુંગશીયા પાસેથી પિસ્તોલ, 11 કાર્ટીસ, સ્કોર્પિટો, મોબાઇલ અને બે મેગ્જીન મળી રુા.10.98 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.ભરત કુંગશીયાએ રોણકીની સીમમાં પટેલ પરિવારની કરોડોની ખેતીની જમીન પચાવી પાડવા હુમલો કરતા પટેલ પરિવાર લાંબો સમય સુધી કલેકટર કચેરી ખાતે ધરણા પર બેઠા હતા. ભરત કુંગશીયા સામે દારુ, મારમારી, હથિયાર, હત્યાની કોશિષ અને નુકસાન કરવા અંગેના એકાદ ડઝન જેટલા ગુના નોંધાયા છે. પાસા હેઠળ જેલ હવાલે પણ કરાયો હતો.
ભરત કુંગશીયાને જમીન બાબતે અનેક સાથે ઝઘડા અને વિવાદ થયા હોવાથી પોતાની પાસે પિસ્તોલ રાખતો હોવાની કબુલાત આપી છે. પિસ્તોલ કોની પાસેથી લાવ્યો તે અંગેની પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.