- હજુ ચાર માસ પૂર્વે જ ગુજસીટોકના ગુન્હામાં જામીન પર છૂટ્યા બાદ યાસીને ફરી લખણ ઝળકાવ્યા
રાજકોટ શહેરના હિસ્ટ્રીશીટરે વિધવા મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચરી મારકુટ કર્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાતા ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત શખ્સ યાસીન કૈયડાની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, કુખ્યાત શખ્સ હજુ ચાર માસ પૂર્વે જ ગુજસીટોકના ગુન્હામાં જામીન પર છૂટ્યો છે અને ત્યારબાદ ફરીવાર લખણ ઝળકાવ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટમાં રહેતા 34 વર્ષીય વિધવા મહિલાએ ભિસ્તીવાડમાં રહેતા હિસ્ટ્રીશીટર યાસીન ઉર્ફે ભૂરો ઉસ્માનભાઈ કેયડા સામે મહિલા પોલીસ મથકમાં આઇપીસીની કલમ 376, 504 અને 323 મુજબની દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનારી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નવ વર્ષ પૂર્વે પતિનું અવસાન થયા બાદ યાસીનના સંપર્કમાં આવી હતી. ત્યારે યાસીને પોતાનું નામ રાહુલ પ્રજાપતિ તરીકે આપ્યું હતું અને લગ્નની લાલચ આપતાં આઠ વર્ષથી બંને લિવઈન રિલેશનશિપમાં રહેતા હતા. દરમિયાન વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા અને જ્યારે જ્યારે ભોગ બનનાર મહિલા લગ્નની વાત કરતી ત્યારે ઝઘડા કરી મારકુટ કરતો હતો.
દરમિયાન પ્રનગર પોલીસ મથકમાં ગુજસીટોકનો ગુનો નોંધાતા યાસીનની ધરપકડ થઈ હતી. હજુ ચારેક મહિનાથી છૂટીને આવ્યો હોય ફરી ઝઘડા કરી દુષ્કર્મ આચરતો હોય પ્રનગર પોલીસમાં મહિલાએ અરજી કરી હતી. જે બાદ ફરી ઝઘડો કરતા પોતે પોલીસ સ્ટેશનએ ફરિયાદ કરવા જાય છે તેમ કહી નીકળ્યા બાદ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વિધર્મી શખ્સે જ્ઞાતિ છુપાવી વિધવાને હવસનો શિકાર બનાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યાસીન કૈયડાને જામનગર રોડ પર સાંઢિયા પુલના ખૂણા પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે.