- એક જ સપ્તાહમાં નામચીન શખ્સોએ ત્રણ સ્થળે સશસ્ત્ર હુમલો કરી આંતક મચાવ્યો: સાત જેટલી વ્યક્તિને માર મારતા હડાળાના લોકોમાં ફફડાટ
- મકાન પડાવવા ગેંગ પોલીસના ડર વિના જ નિર્દોષ પર થતા હુમલાની બનેલી ત્રણેય ઘટનામાં સંડોવાયેલા શખ્સોને કાયદાનું ભાન કરાવવું જરૂરી
મોરબી રોડ પર આવેલા હડાળા ગામના મકાન સસ્તી કિંમતમાં પડાવી લેવા માટે લુખ્ખા શખ્સોએ એક જ સપ્તાહમાં ત્રણ સ્થળે સશસ્ત્ર હુમલા કરી આંતક મચાવી દીધો છે. પોલીસના ડર વિના એક જ સપ્તાહમાં ત્રણ સ્થળે હુમલા કરી ધાક જમાવતી કુખ્યાત ગેંગને પોલીસ દ્વારા સમયસર કાયદાનું ભાન નહી કરાવવામાં આવે તો ગંભીર ગુનો બને તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે. માથાભારે ટોળકી સામે હડાળાના ગામજનો ફરિયાદ નોંધાવતા પણ ડરી રહ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હડાળા ગામે રહેતા સોહિલ ઇમ્તીયાઝ ચૌહાણ (ઉ.વ.24), તેની પત્ની પૂજા હરેશ ચાવડા (ઉ.વ.22) તેના પાડોશી કાંતી રામજી ટાંક (ઉ.વ.45) પર પ્રવિણ, રમજાન, રજાક, મુન્નો અને છ જેટલા શખ્સોએ લાકડી, હોકી અને પાઇપથી માર મારતા ત્રણેયને સારવાર માટે અહીની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
પ્રવિણના પુત્ર ત્રણ દિવસ પહેલાં રસ્તા પર પસાર થયો ત્યારે ફોર વ્હીલની લાઇટ ડીમ-ફુલ કરવા અંગે સોહિલ સાથે થયેલી બોલાચાલીના કારણે હુમલો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.
પ્રવિણ અને તેના સાગરીતોએ છેલ્લા એક સપ્તાહમાં ત્રણ સ્થળે મારામારી કર્યાની પોલીસમાં ઘટના બની હોવા છતાં પોલીસ દ્વારા કેમ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો સવાલ થઇ રહ્યો છે. પ્રવિણના ત્રાસ અને હુમલાનો ભોગ બનેલી વ્યક્તિઓના મકાન સસ્તી કિંમતમાં પડાવી લેવાના ઇરાદા હોવાનું જણાવી રહ્યા છે.
પ્રવિણ, રમજાન, રજાક, મુન્નો અને તેની ગેંગમાં સંડોવાયેલા શખ્સો અત્યાર સુધીમાં એક મહિલા સહિત સાત વ્યક્તિઓ પર સશસ્ત્ર હુમલો કરી હડાળામાં આંતક મચાવ્યો છે. તેમજ અન્ય કેટલાયને ધાક ધમકી દીધા છે પરંતુ તેઓ લુખ્ખા શખ્સોના ડરના કારણે પોલીસ ફરિયાદ નોંધાવવાનું માંડી વાળ્યુ હોવાનું ભોગ બનનારોએ જણાવ્યું છે.