વેસ્ટ ઝોનમાં ૮૮, ઈસ્ટ ઝોનમાં ૭૩ અને સેન્ટ્રલ ઝોનમાં ૪ મિલકતોને ટાંચ-જપ્તીની નોટિસ ફટકારતી ટેકસ બ્રાન્ચ
બજેટમાં આપવામાં આવેલા રૂ.૨૫૦ કરોડના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ટેકસ બ્રાન્ચ દ્વારા હાર્ડ રીકવરીનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે શહેરના ત્રણેય ઝોનમાં અલગ અલગ વિસ્તારોમાં ૧૬૫ બાકીદારોને મિલકત ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી હતી. જયારે ત્રણ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી.
વેસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં.૯માં રૈયા ચોક પાસે અંબીકા કોમર્શીયલ કોમ્પલેક્ષમાં ૭૦ દુકાનોને બીપીએમસી એકટની કલમ ૪૫/૧ હેઠળ મિલકત ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી હતી. આ બિલ્ડીંગમાં પરમાર મંડપ સર્વિસ, પોપ્યુલર ઈલેકટ્રીક સેલ્સ, અમુલ આઈસ્ક્રીમ વર્કસ, બિલ્ડર ચોઈસ પેઈન્ટર, બજાજ સર્વિસ સ્ટેશન, ફેન્ટસી ગ્લાસ, કિસ્મત હોટલ, મોમાઈ ટીસ્ટોલ, ધરમ એન્ટરપ્રાઈઝ, ગદાધારી એસ્ટેટ બ્રોકર અને યામાહા સર્વિસ સેન્ટરની નામની પેઢીઓ આવેલી છે. આ ઉપરાંત વોર્ડ નં.૬ અને વોર્ડ નં.૧૨માં ૧૪ મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી હતી. આજે ટેકસ રીકવરી કામગીરી દરમિયાન ૧૨ લાખની આવક થવા પામી છે.
ઈસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૪માં ૫, વોર્ડ નં.૫માં ૧૦, વોર્ડ નં.૬માં ૬, વોડ નં.૧૫માં ૨૧, વોર્ડ નં.૧૬માં ૧૦ અને વોર્ડ નં.૧૮માં ૨૧ બાકીદારોને મિલકત ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવી છે. આજે જપ્તી વોરંટની બજવણી કરતા રૂ.૭ લાખની વસુલાત થવા પામી છે.
જયારે સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા શહેરના વોર્ડ નં.૭માં ન્યુ જાગનાથમાં આવેલા ક્રેડીટ કોર્નરમાં શ્રીનાથજી કોટન, પટેલ બિલ્ડીંગમાં મંજુલાબેન શિગાળા, ભરતભાઈ પટેલ અને ૨૫/૩૪ ન્યુ જાગનાથમાં કેતનભાઈ સુતરીયાને ટાચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે. ઢેબર રોડ, નવરંગ પરા અને અટીકા વિસ્તારમાં બાકી વેરો વસુલવા માટે ૩ મિલકતો સીલ કરવામાં આવી હતી.