ટેકસના લક્ષ્યાંકને હાંસલ કરવા હાર્ડ રીકવરીનો દોર શરૂ થશે
સેન્ટ્રલ ઝોનમાં ૪ જુનિયર કલાર્કને ટેકસ ઈન્સ્પેકટરનો હવાલો
કાર્પેટ એરિયાની અમલવારી બાદ ટેકસની આવકમાં તોતીંગ ગાબડુ પડયું છે. ટેકસની આવકની અસર સીધી મહાપાલિકાની તિજોરી પર પડી રહી છે. આવામાં હવે હાર્ડ રીકવરીનો દોર શરૂ કરવામાં આવશે. ૧૦ હજાર કે તેથી વધુ બાકી વેરો ધરાવતા તમામ રીઢા બાકીદારોને આગામી દિવસોમાં ધડાધડ નોટિસ ફટકારવામાં આવશે. સેન્ટ્રલ ઝોનમાં ૪ જુનિયર કલાર્કને ટેકસ ઈન્સ્પેકટર તરીકે વધારાની કામગીરી સોંપવામાં આવી છે.
આ અંગે ટેકસ બ્રાંચના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ટેકસ રીકવરીની કામગીરી હવે વધુ પુરજોશથી શરૂ કરવામાં આવશે. આગામી દિવસોમાં મહાપાલિકા દ્વારા ૧૦,૦૦૦ કે તેથી વધુ વેરો બાકી ધરાવતા હોય તેવા તમામ રીઢા બાકીદારોને નોટિસ ફટકારવામાં આવશે છતાં જો વેરો ભરવાની તસ્દી નહીં લે તેની સામે નળ કે ડ્રેનેજ જોડાણ કપાત, મિલકત સીલીંગ કે મિલકતની જાહેર હરાજી જેવા આકરા પગલા લેવામાં આવશે.
કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ૬ વોર્ડ વચ્ચે માત્ર ૩ જ ટેકસ ઈન્સ્પેકટર હોવાના કારણે વેરા વસુલાત સહિતની કામગીરી પર માઠી અસર પડી રહી હતી. જેને ધ્યાનમાં રાખી ૪ જુનિયર કલાર્કને અલગ-અલગ વોર્ડના ટેકસ ઈન્સ્પેકટર તરીકેની વધારાની કામગીરી સોંપવામાં આવી છે.
માનવેદ્રસિંહ જાડેજાને વોર્ડ નં.૭માં, જયોતિભાઈ ખંભોળીયાને વોર્ડ નં.૧૭માં, જયેશભાઈ પંડયાને વોર્ડ નં.૨ તથા ભાવેશભાઈ ગાંધીને વોર્ડ નં.૩માં ટેકસ ઈન્સ્પેકટર તરીકેની વધારાની કામગીરી સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત જુનિયર કલાર્ક ઉવર્શી બાબરીયા, રાહુલ બારડ અને સોયેબ કાજીને અનુક્રમે વોર્ડ નં.૭,૧૩ અને ૧૪માં ડિમાન્ડ કલાર્કની વધારાની કામગીરી સુપ્રત કરવામાં આવી છે.